- ફોર્બ્સ દ્વારા ટોપ 100 ધનિક ભારતીયોની લિસ્ટ જાહેર
- આ લિસ્ટમાં મુકેશ અંબાણીનું નામ ટોચ પર
- મુકેશ અંબાણી પાસે 88.7 અબજ ડોલરની સંપત્તિ
મુંબઈ: ફોર્બ્સની તરફથી વર્ષ 2020ના ટોપ 100 ધનિક ભારતીયોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણીનું નામ ટોચ પર છે. ફોર્બ્સના ડેટા મુજબ, ટોપ 100 લિસ્ટમાં સામેલ ભારતીયોએ કુલ 517.5 અબજ ડોલરની સંપત્તિ એકત્રિત કરી છે. ગયા વર્ષે ફોર્બ્સની લિસ્ટમાં સામેલ થયેલા લોકોની સંપત્તિ કરતા આ આંકડો 14 ટકા વધુ છે. એટલું જ નહીં, ઘણા નવા નામો પણ આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે.
ફોર્બ્સના મતે, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેની પાસે 88.7 અબજ ડોલરની સંપત્તિ છે. બીજા નંબર પર ગૌતમ અદાણીનું નામ છે, તેની કુલ સંપત્તિ 25.2 અબજ ડોલર છે. લિસ્ટમાં ત્રીજા નંબર પર શિવ નાડાર છે, જેમની પાસે 20.4 અબજ ડોલરની સંપત્તિ છે.
ચોથા નંબર પર ડી માર્ટના માલિક રાધાકિશન દમાની છે. દમાની પાસે 15.4 અબજ ડોલરની સંપત્તિ છે. પાંચમાં નંબર પર હિન્દુજા બ્રધર્સ છે, જેમની કુલ સંપત્તિ 12.8 અબજ ડોલર છે. 11.5 અબજ ડોલરની સંપત્તિ સાથે સાયરસ પૂનાવાલા છઠ્ઠા નંબર પર છે.
પાલોનજી મિસ્ત્રી સાતમા ક્રમે છે. તેમની પાસે 11.4 અબજ ડોલરની સંપતિ છે. 11.3 અબજ ડોલરની સાથે ઉદય કોટક આઠમાં નંબર પર છે. ગોદરેજ ફેમિલી નવમાં નંબર પર છે, તેમની સંપત્તિ 11 અબજ ડોલર છે. અને દસમા નંબર પર લક્ષ્મી મિત્તલ છે, જેમની સંપત્તિ 10.3 અબજ ડોલર છે.
એક તરફ જ્યાં કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનને કારણે લગભગ તમામ ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી બની છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ કોરોના કાળમાં વધારો થયો છે. લોકડાઉન થયા પછીથી મુકેશ અંબાણી અત્યાર સુધી દર કલાકે 90 કરોડની કમાણી કરી રહ્યા છે.
મુકેશ અંબાણીએ જિયો પ્લેટફોર્મ્સ દ્વારા 2 લાખ કરોડથી વધુ રકમ એકત્રિત કરી છે. મુકેશ અંબાણીની રોકાણ વધારવાની પ્રક્રિયા હજી રિલાયન્સ રિટેલ દ્વારા શરૂ છે. ડિજિટલ બાદ મુકેશ અંબાણી હવે રિલાયન્સ રિટેલ દ્વારા વિદેશી મૂડી એકત્ર કરી રહ્યા છે. અંબાણીને એવા સમયે નાણાંકીય મજબૂતી મળી છે જ્યારે કોવિડ -19 મહામારીને કારણે અન્ય કંપનીઓની હાલત નબળી છે.
_Devanshi