1. Home
  2. revoinews
  3. વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’
વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’

વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’

0
Social Share
  • ‘તીર ચલે તલવાર ચલે, ચાહે ઈશારે સે, અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’
  • મહારાજા સૂરજમલ જાટ મુઘલો પાસેથી દિલ્હી જીતનાર હિંદુ રાજા

ભારત વીરપુરુષો અને વિરાંગનાઓની ધરતી છે. આ ધરતી પર પેદા થયેલા નરરત્નોની કીર્તિ યુગોથી સાત દરિયા પાર સુધી ફેલાયેલી છે. કેટલીક વાતો કાળક્રમે વિસ્મૃતિના ગર્ભમાં સમાય ગઈ છે. પરંતુ આજે વાત ન તો મહારાણા પ્રતાપની કરવી છે અને ન તો વાત છત્રપતિ શિવાજી મહારાજની કરવી છે. આજે એક એવા મહારાજાની વાત કરવી છે કે જેમનાથી મુઘલો રીતસર કાંપતા હતા. આ મહારાજા જાટ વંશી હતા અને તેમના માટે મુઘલો કહે તા હતા કે ‘તીર ચલે તલવાર ચલે, ચાહે ઈશારે સે, અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’

આ જાટ મહારાજા ત્યાગ, બલિદાન, વીરતાની સાક્ષાત મૂર્તિ સમાન સૂરજમલ હતા. મહારાજા સૂરજમલે મુઘલો પાસેથી દિલ્હી જીત્યું હતું અને તેઓ આમ કરનારા એકમાત્ર હિંદુ રાજા હતા. મહારાજા સૂરજમલ જાટના ડરને કારણે મુઘલ બાદશાહોએ પોતાના રાજ્યોમાં હિંદુઓની આસ્થાના કેન્દ્ર બનેલા પીપળાના વૃક્ષને કાપવા પર અને ગાયને કાપવા પર પણ પ્રતિબંધ લગાવ્યા હતા.

જ્યારે હિંદુસ્થાન મુઘલ બાદશાહ ઔરંગઝેબના અત્યાચારોથી પીડિત હતું, ત્યારે મહારાજા સૂરજમલનો જન્મ થયો હતો. તે વખતે સનાતન ધર્મી હિંદુ તરીકે ઓળખતા સમુદાયના લોકોની નિયમિતપણે હત્યાઓ થતી, બળજબરીથી હિંદુઓની યુવતીઓ-મહિલાઓને ઉઠાવી જવામાં આવતી અને તેમની સાથે બળાત્કાર સહીતના જઘન્ય અપરાધો કરવામાં આવતા હતા. ત્યારે ભરતપુરમાં 13 ફેબ્રુઆરી-1707માં મહારાજા સૂરજમલનો જન્મ થયો હતો. તેનું બાળપણમાં નામ સુજાનસિંહ હતું, બાદમાં પોતાના તેજસ્વી અને રોબદાર વ્યક્તિત્વનેકારણે તેઓ મહારાજા સૂરજમલ તરીકે વિખ્યાત થયા હતા.

મહારાજા સૂરજમલ જાટના જન્મ સંદર્ભે લોકવાયકા અને સામાન્ય જનમાનસમાં એક લોકગીત પ્રચલિત છે-

આખા’ ગઢ ગોમુખી બાજી, મા ભઈ દેખ મુખ રાજી.

ધન્ય ધન્ય ગંગિયા માજી, જિન જાયો સૂરજમલ ગાજી.

ભઈયન કો રાખ્યો રાજી, ચાકી ચહું દિસ નૌબત બાજી. ”

હિંદુ મહારાજા સૂરજમલના રાજ્યનો નક્શો રાજસ્થાન સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક સૂજસના પૃષ્ઠ ક્રમાંક – 1160 પ્રમાણે, યુપીના આગ્રા, અલીગઢ, મથુરા, હાથરસ, મેરઠ, બાગપત, એટા, બુલંદશહર, ફિરોઝાબાદ ફર્રુખાબાદ, હાપુડ જિલ્લો, હરિયાણાના પલવલ, મેવાત, ફરીદાબાદ, મહેન્દ્રગઢ, ગુડગાંવ, રોહતક, રેવાડી, ઝજ્જર, રાજસ્થાનના ભરતપુર, અલવર, કરૌલી જિલ્લાના હિંડૌન, દૌસા જિલ્લાના મહુવા ક્ષેત્રનો સમાવેશ થતો હતો.

મહારાજા સૂરજમલે પોતાના જીવનમાં ઘણાં યુદ્ધો લડયા અને જીત્યા હતા. યુદ્ધો દરમિયાન હજારો દુશ્મનોને મહારાજા સૂરજમલે પોતાની તલવારથી નર્કનો રસ્તો દેખાડયો હતો. ચન્દૌસનું યુદ્ધ 1746, બગરુનું યુદ્ધ 20 ઓગસ્ટ, 1748, મેવાતનું યુદ્ધ 1 જાન્યુઆરી-1750, ધાસેડાનું યુદ્ધ 1753માં થયું, દિલ્હી વિજય 10મી મે, 1753ના રોજ મહારાજા સૂરજમલે કર્યો હતો.

મહારાજા સૂરજમલને યુદ્ધમાં બંને હાથોમાં તલવારથી લડતા જોઈને જ્યારે તેમનો પરિચય પુછવામાં આવ્યો, ત્યારે સૂર્યમલ્લ મિશ્રણે જવાબ આપ્યો કે આ વીર લોહાગઢના જાટ વીર છે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે-

નહીં જાટનીને સહી વ્યર્થ પ્રસવ કી પીર, જન્મા ઉસકે ગર્ભ સે સૂરજમલ સા વીર

સૂરજમલે દિલ્હીના મુસ્લિમ શાસક બક્ષીએ સલામતખાનને મેવાતના યુદ્ધમાં 1 જાન્યુઆરી- 1750ના રોજ હરાવ્યો હતો. સલામત ખાન તે સમયે મેવાતમાં હિંદુઓને બળજબરથી ઈસ્લામ અંગિકાર કરાવવા માટે અત્યાચાર કરી રહ્યો હતો. હારેલા સલામત ખાન સામે મહારાજા સૂરજમલ જાટે શરતો રજૂ કરી અને તેને લાચાર મીરબક્ષીએ સ્વીકારવી પડ હતી.

પહેલી શરત હતી કે મીરબક્ષીના રાજ્યમાં કોઈપણ વ્યક્તિ પીપળાનું વૃક્ષ કાપશે નહીં અને ગાયની પણ કતલ કરવામાં નહીં આવે.

બીજી શરત હતી કે ક્ષેત્રમાં કોઈપણ મંદિરનું અપમાન કરવામાં આવશે નહીં અને હિંદુઓની ઉપાસના સંદર્ભે કોઈપણ પ્રકારની કોઈપણ અડચણ અને વાંધો ઉભો કરવામાં આવશે નહીં.

એક વખત અહમદશાહ નામનો મુઘલ હિંદુઓની કત્લેઆમ કરતા મથુરાથી આગળ વધી રહ્યો હતો, ત્યારે સૂરજમલે બલ્લભગઢ અને મથુરા નજીક તેને પડકાર્યો હતો. અહીં તેને ધૂળ ચટાડી હતી. પ્રોફેસર ગેંડાસિંહ રાજપૂતે પોતાના પુસ્તક અહમદશાહ અબ્દાલીમાં જણાવ્યું છે કે અહમદશાહ અબ્દાલી સાથેના યુદ્ધમાં મહારાજા સૂરજમલના પાંચ હજાર સૈનિકો શહીદ થયા, પરંતુ મહારાજા સૂરજમલે જીત મેળવીને હજારો બ્રાહ્મણો અને મહિલાઓને મુક્ત કરાવ્યા હતા.

મહારાજા સૂરજમલના નેતૃત્વમાં જ 9 મેથી  જૂન-1753 વચ્ચે જાટોએ મુઘલોના કબજાવાળી જૂની દિલ્હીને ખૂબ લૂંટી હતી. જેના કારણે વઝીર સફદરજંગ દ્વારા હિંદુઓની મહિલાઓને ઉઠાવી જવામાં આવતી હતી. તારીખ-એ-અહમદશાહીના લેખક પ્રમાણે, જાટોએ દિલ્હીના દરવાજા સુધી લૂંટફાટ કરી હતી, લાખોની લૂંટ કરવામાં આવી, મકાનો પાડી નાખવામાં આવ્યા અને પરાં વિસ્તારો ચુરનિયા અને વકીલપુરામાં તો કોઈ દીવો જ દેખાતો ન હતો. સૂરજમલ દિલ્હીના બાદશાહને ત્યાંથી લાખો રૂપિયાની મિલ્કતો સાથે એક સંગેમરમરનો હિંચકો પણ લાવ્યા હતા, જે ડીગના મુખ્ય મહેલ ગોપાલભવનની સામે આજે પણ મૂકવામાં આવ્યો છે.

પાણિપતનું ત્રીજું યુદ્ધમાં 14 જાન્યુઆરી-1761ના રોજ જ્યારે મરાઠા જંગમાં હારી ગયા હતા, ત્યારે અહમદશાહ અબ્દાલીના ડરથી દેશના કોઈપણ રાજાઓએ તેમની મદદ કરી ન હતી. આવા સમયમાં ઘાયલ મરાઠાઓને પોતાના કિલ્લામાં મહારાજા સૂરજમલે શરણ આપી હતી. મહારાષ્ટ્રના પેશ્વા બાજીરાવના પુત્ર શમશેર બહાદૂર ઘાયલ અવસ્થામાં ડીગ પહોંચ્યા હતા. સૂરજમેલ તેમની સારવાર કરાવી, પરંતુ તેઓ બચી શક્યા નહીં. જાટ મહારાજા સૂરજમલે બયાનામાં તેમની સમાધિ પણ બનાવી હતી.

દરેક મહાન યોદ્ધાની જેમ ભરતપુરના મહારાજા સૂરજમલે યુદ્ધભૂમિમાં જ વીરગતિ મેળવવાનું સુખ પ્રાપ્ત કર્યુ હતું. 25 ડિસેમ્બર, 1763ના રોજ નજીબુદ્દૌલાની સાથે હિંડન નદીના તટ પર થયેલા યુદ્ધમાં પોતાના જ લોકોના વિશ્વાસઘાતને કારણે મહારાજા સૂરજમલ જાટ વીરગતિ પામ્યા હતા. તેમની વીરતા, સાહસ અને પરાક્રમનું વર્ણ સૂદન કવિના “સુજાન ચરિત્ર” નામની રચનામાં કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code