ફિલ્મ પ્રોડ્યુસર અશોક પંડિતે કન્હૈયા કુમારને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- તારે દેશના ટુકડા કરવા છે
બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલા કન્હૈયા કુમારે ફરી એકવાર વિવાદાસ્પદ ટ્વિટ કરી. તેણે પોતાની ટ્વિટમાં લખ્યું કે એક બાજુ દેશના યુવાનો ભણીને દેશનું ભવિષ્ય બનાવવા માંગે છે, તો બીજી બાજુ એવા લોકો છે જે આ યુવાનો પાસે ભજિયા તળાવવા માંગે છે. તેની આ ટ્વિટના જવાબમાં ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના કો-પ્રોડ્યુસર અશોક પંડિતે કન્હૈયા કુમારને આતંકવાદી ગણાવ્યો છે અને કહ્યું કે તે દેશના ટુકડા કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે કન્હૈયાકુમારે એક ટ્વિટ કરી હતી: ‘આ લડાઈ ભણતર અને કડાઈની વચ્ચેની છે, એક તરફ એવા લોકો છે જે ભણી-ગણીને પોતાનું અને દેશનું ભવિષ્ય બનાવવા માંગે છે તો બીજી બાજુ તે લોકો છે જેઓ આ ભણેલા-ગણેલા યુવાનો પાસે રૂ.200ની દૈનિક મજૂરીએ ભજિયા તળાવવા માંગે છે. કોઈ એન્જિનિયરનું મજબૂરીમાં ખલાસી બનવું રોજગાર નહીં, પરંતુ સરકારી નીતિઓનો અત્યાચાર છે.’ આ રીતે કન્હૈયા કુમારે બેરોજગારી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને તેની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ છે.
ત્યારે અશોક પંડિતે કન્હૈયા કુમારની ટ્વિટનો જવાબ આપ્યો અને પોતાનો અભિપ્રાય પણ દર્શાવ્યો. અશોક પંડિતે લખ્યું, ‘તું ત્રણમાંથી એકપણ કેટેગરીમાં નથી આવતો કારણકે તું દેશના ટુકડા-ટુકડા કરવા માંગે છે. તું એક આતંકવાદીથી જરાય ઓછો નથી. આ દેશ તને માફ નહીં કરે. ડિપોઝિટ તો જપ્ત થવાની જ છે તારી.’ ઉલ્લેખનીય છે કે કન્હૈયા કુમાર જ્યારથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે ત્યારથી ચૂંટણીમાં ગરમાગરમી વધી ગઈ છે. તે બેગુસરાયથી ચૂંટણી લડવાનો છે અને તેનો મુકાબલો બીજેપી નેતા ગિરિરાજ સિંહ સાથે છે. કન્હૈયાકુમારના સમર્થનમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ પ્રચાર કરી ચૂકી છે અને તેની તરફેણમાં ટ્વિટ પણ કરતી રહે છે. એટલું જ નહીં, જિગ્નેશ મેવાણી પણ કન્હૈયા કુમાર માટે બેગુસરાયમાં પ્રચાર કરી રહ્યો છે. પરંતુ, કન્હૈયા કુમારે તાજેતરમાં એક ટ્વિટ કરી જેના પર બોલિવુડ પ્રોડ્યુસર અશોક પંડિતે તેમને આતંકવાદી સુદ્ધાં કહી દીધા.