ચરોતરના બોરીઆવી ગામના ખેડૂતોની અનોખી પહેલઃ આદુ અને હળદરની કરાવી પેટન્ટ
અમદાવાદઃ ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂતો દર વર્ષે જંગી માત્રામાં અનાજ, કઠોળ અને શાકભાજીનું ઉત્પાદન કરે છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે અને રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતી આયુર્વેદીક વસ્તુઓની માગમાં વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં ચરોતરના બોરીઆવી ગામના ખેડૂતોએ અનોખી પહેલ કરી છે. બોરીઆવી ગામના ખેડૂતોએ પોતાના ગામમાં વર્ષોથી ઉગાડવામાં આવતા આદું અને હળદરની પેટન્ટની નોંધણી કરાવી છે.
ચરોતરના બોરીઆવી ગામના ખેડૂતો ખાસ પ્રકારની હળદર અને આદુંની ખેતી વારસાગત રીતે કરી રહ્યાં છે. ગામના 80 હેકટર વિસ્તારમાં અંદાજે 400 જેટલા ખેડૂતો ખાસ પ્રકારના આદું અને હળદરની ખેતી કરે છે. અન્ય વિસ્તારમાં ઉગતા આદુમાં વધારે રેસા હોય છે અને એ કારણે એ બગડી જાય છે, પણ અહીંના આદુંમાં ઓછા રેસા હોવાથી એ વધુ લાંબો સમય ટકે છે અને અહીંના આદુંની સુગધં પણ વિશિષ્ટ્ર પ્રકારની હોય છે. બોરીઆવી ગામના ખેડૂતોએ પોતે ઉત્પાદીત કરેલા આદુ અને હળદરને વિશ્વ ફલક ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ખેડૂતોએ આણંદ કૃષિ યુનિવર્સિટીની મદદથી ભારત સરકારના ફાર્મસ રાઈટસ ઓથોરિટી વિભાગમાં બોરીઆવી વેરાયટીના આદુ અને હળદરની પેટન્ટ કરાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધ પ્રોટેકશન આફ પ્લાન્ટ વરાયટીઝ અન્ડ ફાર્મર્સ રાઇટસ અકટ હેઠળ ભારતીય ખેડૂતો સંયુકત રીતે પોતાના મહત્ત્વના પરંપરાગત પાકની નોંધણી કરાવી શકે છે. આ પેટન્ટ બાદ એની માલિકી આખા ગામનાં ખેડૂતોની ગણાય છે.