લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. તેના ઘણા કારણો છે. એક તો પહેલીવાર રાજ્યમાં બીજેપી ખૂબ મજબૂતીથી ચૂંટણી લડતી જોવા મળી. સાથે જ મમતા બેનર્જીની સામે બીજેપીને અટકાવવાનો પડકાર છે. મમતાએ ઘણા ફિલ્મસ્ટાર્સને પણ ટિકિટ આપી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 42માંથી 34 સીટ્સ જીતી હતી. 2014ની મોદી લહેર છતાં ભાજપ બંગાળમાં ફક્ત 2 જ સીટ્સ મેળવી શકી હતી. હવે મમતાની શાખની લડાઈ છે.
પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, તેમાં મમતા બેનર્જી ઘણા નબળા જોવા મળી રહ્યા છે. એક એક્ઝિટ પોલ પ્રમાણે, 19-23 સીટ્સ પર બીજેપી જીત મેળવી શકે છે તો તૃણમૂલ કોંગ્રેસ પણ 19-22 સીટ્સ પર જીતી શકે છે. એટલે કે ગત ચૂંટણીની સરખામણીએ તૃણમૂલ ઘણી સીટ્સ ગુમાવી શકે છે. સ્પષ્ટ છે કે જો સર્વેના આંકડાઓ 23મીએ પરિણામોમાં ફેરવાઈ ગયા તો ટીએમસીના ઘણા મોટા ચહેરાઓ ચૂંટણી હારી શકે છે. આવો જાણીએ તૃણમૂલના તે સેલિબ્રિટી ઉમેદવારો વિશે જેમના પરિણામો પર લોકોની નજર રહેશે.
મુનમુન સેન: આસનસોલ
આસનસોલ સીટ પર મુનમુન સેન ટીએમસીની ઉમેદવાર છે. મુનમુન સેને આસનસોલથી 9 વખત CPMના સાંસદ રહી ચૂકેલા વાસુદેવ આચાર્યને એક લાખ કરતા વધુ મતોથી હરાવીને સહુને ચોંકાવી દીધા હતા. આ વખતે આ સીટ પર મુનમુન સેનનો મુકાબલો કેન્દ્રીય મંત્રી અને બીજેપી ઉમેદવાર બાબુલ સુપ્રિયોની સાથે છે. બાબુલ બોલિવુડ સિંગર પણ છે.
નુસરત જહાં: બસીરહાટ
બસીરહાટ સીટ પરથી મમતા બેનર્જીએ બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંને ચૂંટણીમાં ઉતારી છે. નુસરત જહાંની ઉંમર ઘણી નાની છે. બસીરહાટ વિસ્તાર માટે નુસરતને મમતા બેનર્જીનું ટ્રમ્પ કાર્ડ માનવામાં આવી રહી છે. હકીકતમાં બસીરહાટથી મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો ઉદ્દેશ મુસ્લિમ વોટ્સને પોતાની ઝોળીમાં ઠાલવવાનો હતો. નુસરત જહાંનો સામનો બીજેપીના શયંતન બસુ સામે છે.
મિમિ ચક્રવર્તી: જાધવપુર
મમતા બેનર્જીએ જાધવપુરથી બંગાળી મેગા એક્ટ્રેસ મિમિ ચક્રવર્તીને મેદાનમાં ઉતારી છે. મિમિની ઉંમર પણ ઘણી નાની છે. જાધવપુરથી મિમિની જીતને લઇને મમતા ઘણા કોન્ફિડન્ટ છે. ચૂંટણીમાં મિમિને ઉતારવાનો ઉદ્દેશ વધુમાં વધુ યુવા વોટ્સને પોતાના તરફ ખેંચવાનો હતો. મિમિ ચક્રવર્તીએ વર્ષ 2012થી બંગાળી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેનો જન્મ 1989માં જલપાઇગુડીમાં થયો હતો અને તે રાજકારણમાં યુવાનોની વધુમાં વધુ ભાગીદારી ઇચ્છે છે.
દેવ અધિકારી: ઘટલ
36 વર્ષીય દેવ અધિકારી ટોલિવુડ સુપરસ્ટારની લિસ્ટમાં સમાવિષ્ટ થાય છે. તેઓ બંગાળના હાઇલી પેઇડ એક્ટર છે. દેવ ઘટલ સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે. દેવે 2014માં સીપીઆઇ નેતા સંતોષ રાણા અને કોંગ્રેસના માનસ ભુનિયા વિરુદ્ધ ચૂંટણી લડી હતી, જેમાં તેને મોટા દિગ્ગજો વિરુદ્ધ 8 લાખથી વધુ વોટ્સ મળ્યા હતા.
શતાબ્દી રૉય: બીરભૂમ
મમતા બેનર્જીની પાર્ટી તરફથી બીરભૂમ સીટ પરથી શતાબ્દી રૉય ચૂંટણી લડી રહ્યા છે. મમતા શતાબ્દી રૉયને પોતાના માટે લકી માને છે. શતાબ્દી બે વખત ટીએમસીના સાંસદ રહી ચૂક્યાં છે. તેઓ સફળ એક્ટ્રેસ પણ છે. 23 મેના રોજ એ જોવું રસપ્રદ હશે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના આ પાંચ ચૂંટણી સ્ટાર્સનો શું અંજામ આવે છે.