ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રીલીઝ પર આગામી સુનાવણી 26 એપ્રિલે, ECએ સુપ્રીમ કોર્ટને સોંપ્યો રિપોર્ટ
વિવેક ઓબેરોય અભિનિત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ પર ચૂંટણીપંચની રોક પછી ફિલ્મ પ્રોડ્યુસરે સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવ્યા હતા. હવે આ અરજી પર આગામી સુનાવણી 26 એપ્રિલના રોજ કરવામાં આવશે. ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટના આદેશ પર ફિલ્મ જોઈને સીલબંધ પરબિડીયામાં રિપોર્ટ સોંપ્યો. કોર્ટે તેને અરજકર્તા પ્રોડ્યુસરને આપ્યો. હવે આ મામલે આગામી સુનાવણી શુક્રવારના રોજ થશે.
આ પહેલા ચૂંટણીપંચે આ ફિલ્મ પર રોક લગાવીને કહ્યું હતું કે ફિલ્મ ચૂંટણી થવા સુધી રીલીઝ નહીં કરવામાં આવે. આ મામલે સેન્સર બોર્ડ અને સૂચના પ્રસારણ મંત્રાલયને પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા, જે પછી ફિલ્મ નિર્માતાએ સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવ્યા હતા. તેપછી સોમવારે (15 એપ્રિલ) સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને ચૂંટણીપંચને આદેશ આપ્યો હતો કે તેઓ શુક્રવાર પહેલા ફિલ્મ જોઈને તેના પર રોક અંગે નિર્ણય કરે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એવી કોઈપણ બાયોપિક ફિલ્મ જેમાં કોઈ પાર્ટી કે નેતાને દર્શાવવામાં આવ રહ્યા હોય, તેને ચૂંટણી દરમિયાન રીલીઝ નહીં કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિકને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ (સીબીએફસી)એ પહેલા જ રીલીઝની મંજૂરી આપી દીધી હતી. આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિવેક ઓબેરોયે નિભાવી છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષીય દળો આ ફિલ્મની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ બીજેપીને લોકસભા ચૂંટણીમાં લાભ પહોંચાડી શકે છે કારણકે તે બરાબર ચૂંટણી પહેલા સિનેમાઘરોમાં દર્શકો સુધી પહોંચશે.