વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મને રીલીઝના બરાબર પહેલા જ બેન કરી દીધા પછી હવે ચૂંટણીપંચે નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબ સીરીઝ Modi- Journey of a common manને પણ બેન કરી દીધી છે. શનિવારે ચૂંટણીપંચે ઇરોઝ નાઉને આદેશ આપ્યો કે તેઓ આ વેબ સીરીઝના તમામ એપિસોડ્સનું સ્ટ્રીમિંગ પોતાના તમામ મીડિયમ પર બંધ કરે.
ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોય સ્ટારર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને ચૂંટણીપંચે રીલીઝના એક દિવસ પહેલા બેન કરી દીધી હતી. ફિલ્મ 22 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થવાની હતી. ઓમંગ કુમાર નિર્દેશિત આ ફિલ્મ પર આરોપ હતો કે તે આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે. ફિલ્મને બેન કર્યા પછી હવે ચૂંટણીપંચની ગાજ મોદીની બાયોપિક પર પડી છે. સમાચાર એજન્સી એએનઆઇએ તેની જાણકારી ટ્વિટ કરીને આપી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે પીએમ નરેન્દ્ર મોદી બાયોપિકની સાથે એવી કોઈપણ રાજકીય ફિલ્મની રીલીઝ પર રોક લગાવી છે. એવી ફિલ્મો જે ચૂંટણી પર અસર કરી શકે છે. જોકે પીએમ મોદી બાયોપિકનો મામલો ઇલેક્શન કમિશનમાં અટકેલો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ચૂંટણીપંચ ફિલ્મને લઈને 19 એપ્રિલ સુધી સીલબંધ પરબિડીયામાં રિપોર્ટ સોંપે. પરંતુ, કોર્ટમાં ગુડ ફ્રાઇડેની રજા હોવાને કારણે ચૂંટણીપંચ મોદી બાયોપિકને લઈને પોતાનો સીલબંધ રિપોર્ટ દાખલ નથી કરી શક્યો. હવે 22 એપ્રિલ એટલેકે સોમવારે કોર્ટ આ મામલે સુનાવણી કરશે.
પીએમ મોદી પર બનેલી સીરીઝના પાંચ એપિસોડ સ્ટ્રીમ થઈ ચૂક્યા છે. તેને ચૂંટણી દરમિયાન રીલીઝ કરવા અંગે ડાયરેક્ટરનું કહેવું છે કે આ ફક્ત એક સંજોગ જ છે. અમે સીરીઝ પર 11 મહિનાઓથી કામ કરી રહ્યા હતા. પરંતુ ટેક્નીકલ મુશ્કેલીઓના કારણે સીરીઝને સ્ટ્રીમ કરવામાં સમય લાગી ગયો. ચૂંટણીની સીઝનમાં તેને રીલીઝ કરવાનો અમારો કોઈ ઇરાદો ન હતો.
પીએમ મોદી પર બનેલી વેબ સીરીઝ ‘મોદી: જર્ની ઑફ અ કોમન મેન’ ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ બનાવી છે. તેને મિહિર ભૂતાએ લખી છે. ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીના અત્યાર સુધીના જીવનને ત્રણ તબક્કાઓમાં દર્શાવવામાં આવ્યું છે. જેને ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરે નિભાવ્યા છે.