BJPને નમો ટીવીને લઈને ECનો ઝાટકો: વોટિંગના 48 કલાક પહેલા મોદીના રેકોર્ડેડ શૉ નહીં દર્શાવી શકાય
નમો ટીવીને લઈને ચૂંટણીપંચે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને મોટો ઝાટકો આપ્યો છે. ચૂંટણીપંચે નિર્દેશ આપ્યો છે કે જે વિસ્તારમાં મતદાન થવાનું છે ત્યાં 48 કલાક પહેલા કોઈપણ રેકોર્ડેડ શૉ દર્શાવી શકાશે નહીં. જોકે ચૂંટણીપંચે કહ્યું કે લાઈવ શૉ કવરેજ દર્શાવી શકાશે. રાજ્યના મુખ્ય ઇલેક્શન કમિશ્નર્સ (CEC)ને તેનું કડકાઈથી પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણીપંચ ચેનલનું મોનિટરિંગ કરશે.
ચૂંટણીપંચે શું નિર્દેશ આપ્યા
- મતદાનના સમયના પહેલાના 48 કલાક દરમિયાન એવું કોઈપણ કન્ટેન્ટ દર્શાવી કે અપલોડ કરી શકાશે નહીં જેનાથી મતદાતા પર અસર થાય.
- લાઈવ કે રેકોર્ડેડ કાર્યક્રમ પણ અપડેટ કરીને દર્શાવી શકાશે નહીં.
- આ બાબતે ચૂંટણીપંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખ્યો છે.
- તમામ ન્યુઝ અને વિજ્ઞાપન ચેનલ્સની જેમ નમો ટીવી પર પણ આ નિયમ લાગુ થશે.
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ તેના હેઠળ આવી જશે.
આ પહેલા દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)એ બીજેપીને તેમની મંજૂરી વગર ચેનલ પર કોઈપણ કાર્યક્રમ નહીં પ્રસારિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સીઈઓએ કહ્યું હતું કે નમો ટીવી બીજેપી ચલાવી રહ્યું છે, એ સ્થિતિમાં પ્રસારિત કરવામાં આવતા તમામ રેકોર્ડેડ કાર્યક્રમોને મીડિયા સર્ટિફિકેશન અને દિલ્હીની મોનિટરિંગ કમીટિ દ્વારા પૂર્વ પ્રમાણિત કરવામાં આવવા જોઈએ અને પૂર્વ પ્રમાણિતતા વગર પ્રદર્શિત તમામ રાજકીય પ્રચાર સામગ્રીને તાત્કાલિક હટાવી લેવામાં આવવી જોઈએ.
ચૂંટણીપંચના દિશા-નિર્દેશ પછી દિલ્હીના સીઈઓએ બીજેપીને ચિઠ્ઠી લખીને મંજૂરી વગરની તમામ રાજકીય સામગ્રી હટાવવા અંગે નિર્ણય કરવા જણાવ્યું. સાથે જ અધિકારીઓએ જણાવ્યું કે સાવચેતી ખાતર બે અધિકારીઓને નમો ટીવી જોવા અને તેની સામગ્રીની દેખરેખ માટે તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારબાદ બીજેપીએ ભરોસો આપ્યો હતો કે ભવિષ્યમાં ચેનલ પર નોન-સર્ટિફાઇડ (બિનપ્રમાણિત) કન્ટેન્ટ નહીં દર્શાવવામાં આવે.