રાજ્યસભામાં દિગ્વિજયસિંહે જૂની રેકર્ડ વગાડી, ટોપી-હુલ્લડ, ઈફ્તારની વાત કરી પીએમ મોદી પર સાધ્યું નિશાન
નવી દિલ્હી: સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ગત બે દિવસથી ચર્ચા ચાલુ છે. મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જે વ્યક્તિ હુલ્લડમાં માર્યા ગયેલા 2500 લોકો પર માફી માંગવા માટે તૈયાર થયા નથી,તે આજે સૌના વિશ્વાસની વાત કરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે 201માં સૌનો સાથ-સૌનો વિકાસ, 2019 સુધી આવતા-આવતા વિશ્વાસ પણ જોડાઈ ગયો છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ઈફ્તાર પાર્ટીમાં જવા મટે રાજી થતા નથી, તે આજે લઘુમતીઓના વિશ્વાસને જીતવાની વાત કરી રહ્યા છે. જે વ્યક્તિએ મુસ્લિમ ટોપી પહેરવાનો ઈન્કાર કરી દીધો, કેન્દ્ર સરકારની યોજનાને લાગુ કરવાથી મનાઈ કરી દીધી, તે વિશ્વાસની વાત કરી રહ્યા છે.
દિગ્વિજયસિંહે કહ્યુ છે કે વડાપ્રધાનમાં શું એ પરિવર્તન હકીકતમાં છે અથવા માત્ર એક જુમલો જ છે. દેશમાં આજે કોમવાદી ઝેર ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવ્યું છે. હવે તેને પાછું બહાર કાઢવું સરળ નથી. તમે વિશ્વાસની વાત કરી રહ્યા છો, પરંતુ તમારા ટેકેદાર ઝારખંડમાં એક વ્યક્તિને મારી રહ્યા હતા. ભલે તેણે ચોરી કરી હતી. પરંતુ તેને કાયદાકીય રીતે સજા મળવી જોઈતી હતી.
કોંગ્રેસના સાંસદે કહ્યુ છે કે લોકસભામાં આજે જયશ્રીરામ અને અલ્લાહૂ અકબરના સૂત્રો લગાવાઈ રહ્યા છે. આઝે દેશમાં એવા નેતા સામે આવી રહ્યા છે, જે હિંદુઓને ભડકાવે છે, મુસ્લિમોને ભડકાવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. વડાપ્રધાન અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયને લઈ જવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અર્થવ્યવસ્થાના આજે ખરાબ હાલ છે. છેતરપિંડી સાથે ખોટા આંકડા જાહેર કરાઈ રહ્યા છે.
દિગ્વિજયસિંહે કહ્યુ છે કે ગત પાંચ વર્ષમાં બેરોજગારી વધી છે. પરંતુ રાષ્ટ્રપતિના ભાષણમાં તેનો ઉલ્લેખ જ નથી. આ દરમિયાન તેમણે બેન્કિંગ સેક્ટરના ખરાબ હાલને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે 2014માં તેમણે કાશ્મીરી પંડિતોને પાછા મોકલવાનો વાયદો કર્યો હતો, પરંતુ શું સરકાર આજે આના પર જવાબ આપી શકશે. મોદી સરકારના કાર્યકાળમાં આતંકી હુમલા વધ્યા છે.
તેમણે કહ્યુ છે કે પુલવામા હુમલાથી પહેલા કાશ્મીર પોલીસે સેનાને સિગ્નલ આપી દીધું હતું કે ત્યાં કંઈક ગડબડ થઈ શકે છે. તેવામાં વડાપ્રધાન મોદીએ આના પર જવાબ આપવોજોઈએ.
મહત્વપૂર્ણ છે કે મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યા બાદ વડાપ્રધાન રાજ્યસભામાં પણ અલગથી આના પર જવાબ આપશે.