- MDH ના માલિક ધર્મપાલ ગુલાટીનું નિધન
- હાર્ટ એટેકના કારણે થયું નિધન
- 98 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દિલ્લી: મહાશય દી હટ્ટીના માલિક અને મસાલા કિંગ તરીકે જાણીતા મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન થયું છે. તેમણે 98 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ધર્મપાલ ગુલાટીનું સવારે 5.28 કલાકે નિધન થયું હતું. તેને કોરોના થયો હતો ત્યારબાદ સાજા થયા બાદ તેને હાર્ટ એટેક આવ્યો હતો.
ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923 ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. એમડીએચને આ મુકામ સુધી લાવવામાં ધર્મપાલ ગુલાટીએ ખૂબ જ મહેનત કરી હતી. ધર્મપાલ ગુલાટી જેમણે ફક્ત પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, તેમણે જીવનના દરેક ઉચ્ચ મુકામને સ્પર્શ્યો. યુરોમોનિટરએ કહ્યું હતું કે, ધર્મપાલ ગુલાટી એફએમસીજી સેક્ટરના સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ હતા. 2018માં તેમને 25 કરોડ ઇન-હેંડ સેલેરી મળી હતી. આર્ય સમાજ સાથે સંકળાયેલા ધર્મપાલ ગુલાટી દાન-પુણ્ય કરવામાં પણ ઘણા આગળ રહેતા હતા. તે પોતાની સેલેરીનો 90 ટકા ભાગ દાન કરી દેતા હતા. મળતી માહિતી મુજબ,તેમના દ્વારા 20 શાળાઓ અને 1 હોસ્પિટલ પણ ચલાવવામાં આવી છે.
1500 રૂપિયા લઈને આવ્યા હતા ભારત
1947માં દેશના ભાગલા બાદ તે ભારત આવ્યા હતા. ત્યારે તેની પાસે માત્ર 1,500 રૂપિયા હતા. ભારત આવ્યા બાદ તેમણે પરિવારના ભરણ-પોષણ માટે ઘોડાગાડી ચલાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ જલ્દીથી તેના પરિવારને એટલી સંપત્તિ મળી ગઈ કે દિલ્હીના કરોલ બાગ સ્થિત અજમલ ખા રોડ પર મસાલાની દુકાન ખોલવામાં આવી શકે. 2 હજાર કરોડની માર્કેટ વેલ્યુવાળી મહાશિયન ધ હટ્ટી ગ્રુપના સીઈઓ ગુલાટીને પદ્મ ભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એમડીએચના કાર્યાલય લંડન અને દુબઇમાં પણ
એમડીએચ મસાલાની સૌથી મોટી બ્રાન્ડમાંની એક છે અને 50 વિવિધ પ્રકારના મસાલા ઉત્પન્ન કરે છે. એમડીએચની ઓફિસ ફક્ત ભારત જ નહીં દુબઇ અને લંડનમાં પણ છે. બજારમાં MDHના 60 થી વધુ ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ સૌથી વધુ વેચાણ મરચા, ચાટ મસાલા અને ચણા મસાલાનું થાય છે.
_Devanshi