પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓને ફરી બનાવ્યાં નિશાન, સિંધ પ્રાતમાં મકાનોમાં કરી તોડફોડ
દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. અવાર-નવાર સગીરાઓનું અપહરણ કર્યાં બાદ ધર્માતંરણ કરીને નિકાહ કરવામાં આવતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હવે સિંધ પ્રાંતમાં વસવાટ કરતા હિન્દુઓને ફરી નિશાન બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે. સિંધ પ્રાંતમાં હિન્દુઓના કેટલાક મકાનોમાં ઘુસીને કટ્ટરપંથીઓ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિન્દુઓ વસવાટ કરે છે. દરમિયાન સિંધ પ્રાંતમાં વસવાટ કરતા હિન્દુ ભીલ જાતિના લોકો ઉપર કટ્ટરપંથીઓ હુમલો કર્યો હતો. તેમજ કેટલાક મકાનમાં તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. એટલું જ નહીં મકાનમાં તોડફોડ કર્યાં બાદ તેમને ઘરમાંથી બહાર કાઢી મુક્યાં હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ પોલીસે આ અંગે તપાસનો ઘટમાટ શરૂ કર્યો છે. બીજી તરફ પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર થતા અત્યાચાર મુદ્દે કેટલાક સંગઠનોએ કટ્ટરપંથી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે. તેમજ અવાર-નવાર લઘુમતી કોમના લોકો ઉપર હુમલાના બનાવો બને છે. એટલું જ નહીં લઘુમતી કોમના ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરીને ધાર્મિક લાગણી દુભાવવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવે છે.