નવી દિલ્હી : ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીનું 66 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. અરુણ જેટલી દિલ્હી ખાતે એમ્સના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર હેઠળ હતા.
તેમણે બપોરે 12-07 વાગ્યે આખરી શ્વાસ લીધો હતો.
9મી ઓગસ્ટે અરુણ જેટલીને શ્વાસોચ્છવાસમાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ દિલ્હી ખાતેની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં દાખલ કરવામાં આવયા હતા.
ન્યૂઝ એજન્સી આઈએએનએસના સૂત્રોને ટાંકીને આપવામાં આવેલા અહેવાલમાં શુક્રવારે જેટલીની તબિયત બગડી હતી.
રિપોર્ટ પ્રમાણે, ગુરુવારે તેમનું ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. શુક્રવારે તેમના ખબરઅંતર જાણવા માટે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતી એમ્સ પહોંચ્યા હતા. આના પહેલા પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહીતના ઘણાં વરિષ્ઠ નેતાઓ જેટલીને જોવા માટે એમ્સ જઈ ચુક્યા છે.
અરુણ જેટલી મોદીના પ્રધાનમંડળનો મુખ્ય ચહેરો રહી ચુક્યા હતા. તેમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણાં અને સંરક્ષણ એમ બે અતિ મહત્વના મંત્રાલયોનો કાર્યભાર સંભાળ્યો હતો. મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેમણે ખરાબ તબિયતને કારણે ચૂંટણી લડી ન હતી.
મહત્વપૂર્ણ છે કે જેટલીના નિધનના સમાચાર મળતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હૈદરાબાદની પોતાની મુલાકાત અધવચ્ચે છોડીને દિલ્હી પાછા ફરી રહ્યા છે.
મે-2019માં પણ જેટલીને એમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા 14 મે-2018ના રોજ તેમની કીડની ટ્રાન્સપ્લાન્ટ માટેની એમ્સ ખાતે સર્જરી કરવામાં આવી હતી. ત્યારે તત્કાલિન રેલવે પ્રધાન પિયૂષ ગોયલને નાણાં મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
અરુણ જેટલી એપ્રિલ-2018થી કાર્યાલયમાં જતા ન હતા. કીડની ટ્રાન્સપ્લાન્ટ બાદ જેટલી 23 ઓગસ્ટ, 2018ના રોજ ફરીથી નાણાં મંત્રાલયમાં પાછા ફર્યા હતા. તેમણે સપ્ટેમ્બર-2014માં બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી.