ચક્રવાતી વાવાઝોડું ફની શનિવારે પશ્ચિમ બંગાળ પહોંચીને કમજોર પડી ગયું. હવે તે બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. તોફાનના કારણે શુક્રવારે ઓડિશામાં 8 લોકોનાં મોત થઈ ગયાં. જ્યારે, 160થી વધુ લોકો ઘાયલ થયા. ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ઓડિશાના ચાર જિલ્લાઓ કટક, ખુર્દા, ભુવનેશ્વર અને પુરીમાં સૌથી વધુ વિનાશ વેરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ પહોંચાડવાની ખાતરી મુખ્યમંત્રી નવીન પટનાયકને આપી છે. મોદીએ જણાવ્યું કે તેઓ નુકસાનનો રિવ્યુ લેવા માટે સોમવારે સવારે ઓડિશા જશે. સંકટની આ ઘડીમાં આખો દેશ ઓડિશાની સાથે છે.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફનીના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા 25 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 4 લાખ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
1999માં આવેલા સુપર સાયક્લોન પછી સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવી રહેલું ફની શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. તેમાં ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું. હજારો ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા. નીચાણવાળી વસ્તીઓમાં પાણી ભરાયા. જે સમયે તોફાન પુરીકિનારે અથડાયું ત્યારે 175 કિમીની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. આ પહેલા ફની વાવાઝોડાને કારણે ચૂંટણીપંચે આંધ્રપ્રદેશના ચાર જિલ્લાઓ- પૂર્વ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી આચાર સંહિતા હટાવી દીધી. આ નિર્ણય રાહતકાર્યોમાં આવતી સંભવિત અડચણોના કારણે કરવામાં આવ્યો.