અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. ત્યારે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરતા કોરોના વોરિયર્સ એવા તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે 43 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે બીજી ક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે. બંને રાજ્યોમાં 23-23 તબીબોના કોરાના વાયરસમાં મોત થયાં છે. દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએ દેશમાં તબીબોના થઇ રહેલા મૃત્યુ પરત્વે દુ:ખ જાહેર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
દેશમાં કોરોના મહામારીમાં અત્યારસુધીમાં અંદાજે 200 તબીબોના મૃત્યુ થયાં છે. તામિલનાડુમાં સૌથી વધુ 43 તબીબોનાં મૃત્યુ નોંધાયાં છે. તે પછી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 23-23 તબીબોનાં મૃત્યુ નોંધાયાં છે. દિલ્હીમાં પણ કોરોના વાઇરસ 12 તબીબોના મોત થયાં છે. આઇએમએ દ્વારા લખવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાએ 196 તબીબોનો ભોગ લીધો છે. આ પૈકી 170 તબીબોની વય 50 વર્ષથી વધુ હતી અને 40 ટકા તબીબ જનરલ પ્રોક્ટિશનર હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે 23 જેટલા તબીબોના મોત થયા છે, જેથી તબીબી આલમમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત્યુ પામનાર તબીબો 50 વર્ષ કરતાં વધુ ઉમરના હતા. હવે આઈએમએ દ્વારા સરકાર સમક્ષ એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે સરકારી તબીબોની સાથે ખાનગી તબીબોને પણ સહાય કે વળતર આપવુ જોઈએ.
આઇએમએ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, તબીબો કોરોનાની સારવાર કરતાં કરતાં પોતે તેના શિકાર થઇ જાય છે. તેના કારણે કોરોનાનો સામનો કરી રહેલા હેલ્થકેર સમુદાય પર ખોટી અસર પડશે. તબીબોને પણ બેડ અને દવા ઉપલબ્ધ નથી. તેને કારણે તબીબોનું મનોબળ તૂટતું જાય છે. સૌથી વધુ તબીબોનાં મૃત્યુ તામિલનાડુમાં નોંધાયાં છે. તે પછીના ક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે. જનરલ પ્રેક્ટિશનર કોરોનાનો પહેલો શિકાર બની રહ્યા છે.