કોરોના મહામારી, ઉત્તર ગુજરાતના ઈડરમાં સ્વયંભૂ લોકડાઉન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સાબરકાંઠાના ઈડરમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન વેપારીઓ દ્વારા એક સપ્તાહના સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વેપારીઓએ લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન ઈડરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વેપારીઓની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં સોમવારથી શનિવાર સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ઈડરમાં સોમવારથી એક સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દૂધ અને શાકભાજીની દુકાનો જ સવારે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત લોકોને મેડિકલ સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીના કોરોના વાયરસના 1.30 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. હાલ રાજ્યમાં લગભગ 16 હજાર જેટલા એક્ટિવ કેસ છે. જો કે, રાહતની વાત એ છે કે, કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધીમાં 1.13 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રિસિવ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ રોજના સરેરાશ 70 હજારથી વધારે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે.