ચીનની રાજધાની બીજિંગમાં ઈસ્લામ સાથે જોડાયેલા પ્રતીકોને હટાવાય રહ્યા છે. પ્રશાસન હલાલ રેસ્ટોરેન્ટથી લઈને ફૂડ સ્ટોલ સુધી, દરેક સ્થાન પર અરબી ભાષામાં લખેલા શબ્દો અને ઈસ્લામ સમુદાયના પ્રતીકોના નામોનિશાનને મિટાવી રહ્યું છે.
રૉયટર્સ એજન્સી પ્રમાણે, અધિકારીઓએ બીજિંગના રેસ્ટોરેન્ટ અને દુકાનના કર્મચારીઓને ઈસ્લામ સાથે જોડાયેલી તમામ તસવીરો જેવા કે- ચાંદ-સિતારા, અરબ ભાષામાં લખેલું હલાલ શબ્દનું બોર્ડ હટાવવાના આદેશ આપ્યા છે.
બીજિંગમાં નૂડલ્સની એક દુકાનના મેનેજેરે સરકારી કર્મચારીઓને દુકાન પર લખેલા હલાલ શબ્દને ઢાંકવા માટે જણાવ્યુ છે અને આમ થવા સુદી તે ત્યાં જ ઉભો રહ્યો હતો. મેનેજરે કહ્યુ છે કે આ વિદેશી સંસ્કૃતિ છે અને તમારે ચીની સભ્યતાને વધુમાં વધુ અપનાવવી જોઈએ.
2016થી જ ચીનમાં અરબી ભાષા અને ઈસ્લામિક તસવીરોના ઉપયોગ વિરુદ્ધ કેમ્પેન ચલાવાય રહ્યું છે. ચીન ચાહે છે કે તેના રાજ્યના તમામ ધર્મ ચીનની મુખ્ય ધારાની સંસ્કૃતિને અનુરૂપ હોય.
ઈસ્લામીકરણની વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આ કેમ્પેન હેઠળ મધ્યપૂર્વ શૈલીમાં બનેલી મસ્જિદના ગુબંજો પણ તોડાય રહ્યા છે અને તેને ચીની શૈલીના પગોડામાં તબ્દીલ કરાય રહ્યા છે.
ચીનમાં બે કરોડ મુસ્લિમો વસવાટ કરે છે. સત્તાવાર રીતે ચીનમાં તમામને ધાર્મિક આઝાદી છે. પરંતુ અસલિયતમાં સરકાર કમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારા પ્રત્યે વફાદાર રહેવા માટે દરેક નાગરીકને બાધ્ય કરી રહી છે. ચીનની નજર માત્ર મુસ્લિમો પર જ નથી. પ્રશાસને ઘણાં અંડરગ્રાઉન્ડ ચર્ચોને પણ બંધ કરાવ્યા છે. ઘણાં ચર્ચના ક્રોસિસને સરકારે ગેરકાયદેસર ઘોષિત કરીને હટાવ્યા છે. 2009માં શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમ સમુદાય અને હાન ચીની નાગરીકો વચ્ચે હુલ્લડો થયા હતા. તેના પછી ચીને કથિત આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. ચીનના મુસ્લિમો વિરુદ્ધ અયોગ્ય વ્યવહાર ખાસ કરીને મુસ્લિમો પ્રત્યે કડક નિરીક્ષણ અને તેમને સામુહિક અટકાયત કેન્દ્રમાં રાખવાના પગલા વિરુદ્ધ પશ્ચિમી દેશોમાં ખૂબ ટીકાઓ થઈ રહી છે.
ચીનની સરકાર તર્ક આપતી રહી છે કે શિનજિયાંગ પ્રાંતમાં તેની કાર્યવાહી ધાર્મિક કટ્ટરતાવાદને રોકવા માટે જરૂરી છે. અધિકારીઓએ ઈસ્લામીકરણના પ્રસાર વિરુદ્ધ ચેતવણી જાહેર કરી છે અને મુસ્લિમ લઘુમતીઓ પર નિયંત્રણ મજબૂત કર્યું છે.
વિશ્લેષકોનું કહેવું છે કે સત્તારુઢ કમ્યુનિસ્ટ પાર્ટીને ચિંતા સતાવી રહી છે કે વિદેશી પ્રભાવથી ધાર્મિક જૂથો પર તેમનું નિયંત્રણ કરવું મુશ્કેલ થઈ શકે છે.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં શિનજિયાંગ પર સ્ટડી કરી રહેલા માનવવિજ્ઞાની ડેરેન બાયલર કહે છે કે અરબીને વિદેશી ભાષા તરીકે જોવામાં આવે છે. રાજ્ય તેને ધાર્મિક કટ્ટરપંથીના વૈશ્વિક સ્વરૂપ સાથે સાંકળીને જોવે છે અને માટે તે ઈસ્લામના અનુસરણ ચીની ભાષામાં થતું જોવા ઈચ્છે છે.
બીજિંગમાં લગભગ 1000 હલાલ દુકાનો અને રેસ્ટોરન્ટ છે. જો કે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શું બીજિંગના આવા પ્રકારના તમામ રેસ્ટોરન્ટને અરબી સ્ક્રિપ્ટ અને મુસ્લિમ પ્રતીકો ઢાંકવા માટે કહેવામાં આવ્યું છે.
રોયટર્સે ઘણી દુકાનોનું નિરીક્ષણ કર્યું. ત્યાં ઘણી દુકાનોમાં હલાલ માટે ચીની શબ્દ ક્વિંગ જેન લખવામાં આવ્યો છે. જ્યારે કેટલાક દુકાનદારોએ અરબી ભાષા અને ઈસ્લામિક સંકેતોને ટેપ અથવા સ્ટિકરથી છૂપાવી દેવામાં આવ્યા છે. એક રેસ્ટોરેન્ટના મેનેજરે કહ્યુ છે કે તેમની દુકાન પર અરબી ભાષામાં ડિસ્પ્લે દેખાય રહ્યુ છે, કારણ કે હજી સુધી તેમનું નવું બોર્ડ આવ્યું નથી.
રૉયટર્સ એજન્સી સાથે કેટલાક દુકાનદારોએ વાતચીતમાં કહ્યુ છે કે આનાથી તેમના કસ્ટમર્સ કન્ફ્યૂઝ થઈ રહ્યા છે, જ્યારે એક દુકાનદારે કહ્યુ છે કે પ્રશાસન મુસ્લિમ સંસ્કૃતિને મિટાવવાની કોશિશ કરી રહ્યું છે.
દુકાનદારે કહ્યુ છે કે ચીની પ્રશાસન હંમેશા રાષ્ટ્રીય એકતા સંદર્ભે વાતો કરતા રહે છે, આ હંમેશા ચીનની વૈશ્વિક શક્તિ બનાવાનો દાવો કરે છે. પરંતુ આ કઈ પ્રકારની રાષ્ટ્રીય એકતા છે?