ભાજપના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડૉ. રમન સિંહના પુત્ર અભિષેક સિંહની મુશ્કેલી વધવાની સંભાવના છે. અભિષેક સિંહની વિરુદ્ધ ચિટફંડ ગોટાળાના મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
રમનસિંહના પુત્ર અભિષેક સિંહની સાથે જ ભૂતપૂર્વ મેયર મધુસૂદન યાદવની વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામા આવી છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ અભિષેક સિંહ અને રાજનંદગાંવ નગરનિગમના ભૂતપૂર્વ મેયર મધુસૂદન યાદવ વિરુદ્ધ ચિટફંડ ગોટાળાને લઈને પાંચ એફઆઈઆર દાખલ થઈ છે.
અભિષેકસિંહ અને મધુસૂદન યાદવ પર છત્તીસગઢમાં અનમોલ ઈન્ડિયા ચિટફંડ કંપનીમાં રોકાણકારો સાથે કરોડોની ઠગાઈનો આરોપ છે.
આ મામલા પર અભિષેકે કહ્યુ છે કે સમયની સાથે જ સમગ્ર સચ્ચાઈ સામે આવી જશે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડૉ. રમનસિંહે કોંગ્રેસની છત્તીસગઢ સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે કોંગ્રેસ બદલાની રાજનીતિ કરી રહી છે.