ABVPથી શરૂ કરીને વાજપેયી – મોદી સરકારમાં જેટલીએ નિભાવી હતી મહત્વની ભૂમિકાઓ, પ્રધાન તરીકે જમાવી હતી ધાક
ભાજપના નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બપોરે 12-07 વાગ્યે દિલ્હીની એમ્સમાં આખરી શ્વાસ લીધો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને પોતાની બીમારીની ગંભીરતાનો અહેસાસ ઘણાં સમય પહેલા થઈ ચુક્યો હતો. ત્યારથી તેમણે બીજી ટર્મ માટે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર તેમણે કેબિનેટમાં સામેલ થવાથી વિનમ્રતાપૂર્વક ઈન્કાર કર્યો હતો.
જેટલી મોદી સરકારના પહેલા કાર્યકાળમાં બીજા ક્રમાંકના સૌથી મહત્વના વ્યક્તિ ગણાતા હતા. તેમણે અટલ બિહારી વાજપેયીની આગેવાનીવાળી એનડીએ સરકારમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. કારકિર્દીના પ્રારંભિક સમયગાળામાં જેટલીએ 1990માં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ તરીકે વ્યાવસાયિક કામકાજની શરૂઆત કરી હતી. વી. પી. સિંહની સરકારમાં તેમને 1989માં અધિક સોલિસિટર જનરલ તરીકે નિયુક્તિ મળી હતી. તેમણે બોફોર્સ ગોટાળાની તપાસમાં પેપરવર્ક પણ કર્યું હતું. જેટલી દેશના ટોપ-10 વકીલોમાંથી એક માનવામાં આવતા હતા.
કારવાં મેગેઝીનના એક રિપોર્ટ પ્રમાણે, પત્રકાર સ્વપ્નદાસ ગુપ્તા જણાવે છે કે 1999માં જેમ-જેમ ટીવીની મહત્તા વધતી ગઈ, તેમ-તેમ જેટલીના ગ્રાફ પણ ઉંચે ચઢતો ગયો. સ્ટૂડિયોમાં તેઓ એઠલા લોકપ્રિય મહેમાન બની ગય કે જ્યારે પત્રકાર વીર સંઘવીએ તેમના પ્રધાન બન્યા બાદ તેમનો સ્ટાર ટીવી પર ઈન્ટરવ્યૂ કર્યો તો તેમણે મજાકમાં કહ્યુ કે આ કાર્યક્રમમાં ઘણું ઓછું જોવા મળ્યું છે કે મારા મહેમાન મારાથી વધારે વખત ટેલિવિઝન પર આવી ચુક્યા હોય.
વાજપેયી સરકારમાં રામ જેઠમલાણીના કાયદો, ન્યાય અને કંપની અફેર્સ મંત્રાલયને છોડયા બાદ જેટલીએ આ મંત્રાલયનો વધારાનો ચાર્જ સંભાળ્યો હતો. બાદમાં તેમને કાયદો, ન્યાય, કંપની અફેર અને શિપિંગ મંત્રાલયના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
જેટલી 1991માં ભાજપના સદસ્ય બન્યા. પ્રખર વક્તા અને હિંદી-અંગ્રેજી ભાષાઓમાં તેમના જ્ઞાનને કારણે 1999ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે તેમને પ્રવક્તા બનાવ્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો હતો. બાદમાં તેમને વિનિવેશના સ્વતંત્ર રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
જેટલીનો જન્મ 28 ડિસેમ્બર-1952ના રોજ નવી દિલ્હીના નારાયણા વિહાર વિસ્તારના મશહૂર વકીલ મહારાજ કિશન જેટલીના ઘરે થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં થયું. 1973માં તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોર્મસમાંથી સ્નાતક સ્તરનો અભ્યાસ પૂર્ણ કર્યો. બાદમાં તેમણે અહીંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી જીવનથી જ જેટલી રાજનીતિક પટલ પર છવાવા લાગ્યા. તેઓ 1974માં એબીવીપી સાથે જોડાયેલા હતા. 1974માં તેઓ દિલ્હી યુનિવર્સિટીના સ્ટૂડન્ટ યુનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
1975માં કટોકટીના વિરોધ બાદ તેમને 19 માસ માટે નજરકેદ કરવામાં આવ્યા હતા. 1973માં તેમણે જયપ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોદી આંદોલનોમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી.