ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા બીજા તબક્કાના મતદાનમાં સતત ઘણા વિવાદો થઈ રહ્યા છે. બુલંદશહેરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ ભોલાસિંહને અહીંયા એક પોલિંગ બૂથ પર જતા અટકાવી દેવામાં આવ્યા. ભોલાસિંહ જ્યારે બૂથ પર પહોંચ્યા તો ઇવીએમની પાસે જવા લાગ્યા પરંતુ બહાર ઊભેલા સુરક્ષાકર્મીએ તેમને અંદર જતા અટકાવ્યા અને પછી બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ ડીએમએ સાંસદ પર મોટી કાર્યવાહી કરી છે. ભોલાસિંહને કોઈપણ પોલિંગ બૂથ પર જવા પર રોક લગાવી દેવામાં આવી છે.
સુરક્ષાકર્મીએ જ્યારે ભોલાસિંહને અટકાવ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા અને તેમણે સીધો ડીએમને ફોન લગાવી દીધો. ત્યારબાદ ડીએમએ સુરક્ષાકર્મી સાથે વાત કરી અને ત્યારે ભોલાસિંહને રૂમની અંદર જવાની પરવાનગી આપી હતી. ફોન પર સુરક્ષાકર્મીએ ડીએમને સ્પષ્ટપણે જણાવ્યું કે ભોલાસિંહ અંદર રૂમમાં ઈવીએમ પાસે જવાની વાત કરી રહ્યા છે. જ્યારે ડીએમએ ભોલાસિંહને અંદર રૂમમાં જવાની પરવાનગી આપી ત્યારે સુરક્ષાકર્મીએ તેમને અંદર જવા દીધા.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચના નિયમો પ્રમાણે, એક ઉમેદવાર પોલિંગ બૂછ પર તપાસ કરવા માટે જઈ શકે છે કે મતદાન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં. પરંતુ તે ઇવીએમ મશીન પાસે ન જઈ શકે. પોલિંગબૂથમાં બેઠેલા અધિકારીઓની મુલાકાત કરવી જ ઉમેદવારના અધિકારમાં આવે છે. બુલંદશહેર પર આ વખતે પણ તમામની નજરો છે. અહીંયા ગયા વર્ષે થયેલી હિંસાના કારણે સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં ભોલાસિંહે કહ્યું કે મેં મારા સાંસદ ભંડોળમાંથી સાડા 22 કરોડ રૂપિયાનો વિકાસ મારા કાર્યક્ષેત્રમાં કરાવ્યો છે, પરંતુ જો વોટર્સ તેને જોઈ નથી શકતા તો તેઓ આ બાબતે કંઇ કરી શકે તેમ નથી. ગયા વર્ષે થયેલી હિંસા વિશે તેમણે કહ્યું કે ગયા વર્ષે જે કંઇપણ થયું તે એક દુર્ઘટના હતી. તેની અસર ચૂંટણી પર ન પડવી જોઈએ.
પશ્ચિમી ઉત્તરપ્રદેશની 8 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. આજે આ પહેલા અમરોહામાં પણ વિવાદ થયો બીજેપી સાંસદ કંવરસિંહ તંવરે નકલી વોટિંગનો આરોપ લગાવ્યો. બસપા ઉમેદવાર દાનિશ અલીએ પણ તેમના પર પલટવાર કર્યો.