નવી દિલ્હી: અધિકૃત રેકોર્ડ્સ પ્રમાણે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) તમામ પાર્ટીઓ કરતા સૌથી વધુ બેન્ક બેલેન્સ ધરાવે છે. 25 ફેબ્રુઆરીના રોજ પાર્ટીએ ચૂંટણીપંચને તેના તમામ ખર્ચાઓનો જે રિપોર્ટ સબમિટ કર્યો તેમાં જણાવ્યું છે કે, બસપાએ પબ્લિક સેક્ટર બેન્ક્સની શાખાઓમાં 8 ખાતાઓમાં રૂ. 699 કરોડ જમા કરાવ્યા છે. આ ઉપરાંત પાર્ટીએ રૂ.95.54 લાખની રોકડ રકમ પણ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ એકપણ સીટ મેળવી ન હતી.
બસપા પછી બેન્ક બેલેન્સની બાબતમાં બીજા નંબરે સમાજવાદી પાર્ટી (સપા) આવે છે. સપા બેન્ક અકાઉન્ટ્સમાં રૂ.471 કરોડની રકમ ધરાવે છે. મધ્યપ્રદેશ, છત્તીસહગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓ પછી પાર્ટીની કેશ ડિપોઝિટ્સમાં રૂ.11 કરોડનો ઘટાડો થયો છે.
સપા પછી રૂ.196 કરોડના બેન્ક બેલેન્સ સાથે ત્રીજા નંબરે કોંગ્રેસ પાર્ટી છે. જોકે આ આંકડો પાર્ટીએ ગયા વર્ષે 2 નવેમ્બરના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ચૂંટણીપંચને આપેલી વિગતો પર આધારિત છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી પાર્ટીએ પોતાની કેશ ડિપોઝિટ્સની વિગતો ચૂંટણીપંચને અપડેટ કરી નથી.
કોંગ્રેસ પછી રૂ.107 કરોડના બેંક બેલેન્સ સાથે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ચોથા સ્થાને છે અને રૂ. 82 કરોડના બેન્ક બેલેન્સ સાથે બીજેપી પાંચમા સ્થાને છે. બીજેપી જે રીતે કોન્ટ્રિબ્યુશન્સ ભેગું કરી રહી છે તે જોતા પાર્ટીએ જણાવેલી રકમ ઘણી ઓછી લાગે છે, પરંતુ પાર્ટીએ દાવો કર્યો છે કે 2017-18માં મેળવેલા રૂ.1027 કરોડમાંથી બીજેપીએ રૂ.758 કરોડનો ખર્ચ કર્યો છે, જે કોઈપણ પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી મોટો ખર્ચનો આંકડો છે.