નાસિકના આર્મી કેમ્પમાંથી શંકાસ્પદની ધરપકડ, ISI હેન્ડલર્સને આપતો હતો ગુપ્ત માહિતી
મુંબઈઃ પાકિસ્તાનમાં આઈએસઆઈના હેન્ડલર્સને નાસિક આર્મી કેમ્પની ગુપ્ત માહિતીઓ આપનાર શંકાસ્પદ શખ્સની પોલીસે અટકાયત કરી છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ હેન્ડલર્સને સૈન્ય કેમ્પની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ શંકાસ્પદ શખ્સ સેના સેમ્પમાં સફાઈનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસારનાસિક આર્મી કેમ્પમાં સફાઈની કામગીરી કરતા સંજીવકુમારની હિલચાલ શંકાસ્પદ લાગતા આર્મીના અધિકારીઓએ તેનો ફોનની ચકાસણી કરી હતી. જેમાં કેટલાક શંકાસ્પદ ગૃપ ચેટ્સ, ઓડિયો, વીડિયો અને કોલ્સ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ ઉપરાંત સંજીવ કુમારે આર્મી ડ્રેસવાળો ફોટો પ્રોફાઈલમાં મુક્યો હતો. આર્મી ઈન્ટેલિજન્સે તેની અટકાયત કરીને પોલીસને હવાલે કર્યો હતો. એકાદ મહિના પહેલા જ બિહારથી મહારાષ્ટ્ર આવેલા સંજીવકુમારના ફોનમાંથી કેટલાક પાકિસ્તાનીઓના મોબાઈલ નંબર મળી આવ્યાં હતા. તેમજ તેમના સંપર્કમાં હોવાનું પણ ખુલ્યું હતું. તેમજ આઈએસઆઈના હેન્ડકરો તેને વોઈસ ફાઈલ મોકલતા હોવાનું પણ જાણવા મળે છે. પોલીસે તેની સંપર્કમાં આવેલા 16 શખ્સોની પણ પૂછપરછ આરંભી છે. પોલીસે તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.