ઉત્તરપ્રદેશ: મંદિરમાં ઘૂસીને શિવલિંગ તોડવાથી ફેલાયો તણાવ, ભાજપના નેતા સહીત 200ની સામે કેસ
- યુપીના હરદોઈમાં મંદિરમાં તોડફોડ
- ભાજપના નેતા સહીત 200 સામે કેસ
- હરદોઈમાં આક્રોશની લાગણી, પોલીસફોર્સની તેનાતી
ઉત્તરપ્રદેશના હરદોઈમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવાની ઘટનાથી શહેરમાં અચાનક તણાવની સ્થિતિ પેદા થઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે, આ મામલો સુભાષનગર વિસ્તારનો છે. અહીં એક શિવમંદિરમાં અજાણ્યા તત્વો દ્વારા શિવલિંગને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું. આ ઘટના સંદર્ભે સ્થાનિકોને ખબર પડતા લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. તેના પછી મામલાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં તણાવ ફેલાયો છે. તેને કારણે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તેનાતી કરવામાં આવી છે. મામલાને ગંભીરતાથી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. મીડિયા અહેવાલો પ્રમાણે, સ્થાનિક લોકોએ ભાજપના એક નેતા સહીત 200 અજાણ્યા લોકો વિરુદ્ધ મામલો નોંધ્યો છે. પરંતુ છેલ્લા અહેવાલ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ શકી નથી.
રિપોર્ટ્સ પ્રમાણે, લોકોનું કહેવું છે કે આ કામ ભાજપના નેતા અરુણ મૌર્યના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે જણાવવામાં આવે છે કે મંદિર પરિસરમાં અરુણ મૌર્યના નેતૃત્વમાં કુશવાહા સમાજના લોકોની એક મીટિંગ થઈ હતી. તેમાં કુશવાહા સમાજની જમીન પર મંદિર બનાવવાને લઈને ચર્ચા થઈ હતી. તેના પછી આ ઘટના બની હતી.
પોલીસે મંદિરના પૂજારીના વર્ણનના આધારે અરુણ મૌર્ય અને 200 અજાણ્યા લોકો વિરુદ્ધ મામલો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં લાગેલી છે અને ટૂંક સમયમાં ધરપકડો કરવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.