અમેઠી: પૂર્વ મંત્રીની ગોળી મારીને હત્યા, 5 લોકો વિરુદ્ધ FIR અને 3ની ધરપકડ, સ્મૃતિ ઇરાનીએ મૃતદેહને આપી કાંધ
અમેઠીથી નવા ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઇરાનીના સૌથી નજીકના માનવામાં આવતા બરૌલિયા ગામના પૂર્વ મંત્રીની કેટલાક અજાણ્યા બદમાશોએ શનિવારે ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતકના પરિવારે પાંચ લોકો વિરુદ્ધ નામ સાથે એફઆઇઆર નોંધાવી છે. પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે રામચંદ્ર, ધર્મનાથ અને નસીમની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રસિંહની હત્યાના મામલે પોલીસે રવિવારે પાંચ લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. ઉપરી પોલીસ અધિકારી દયારામે જણાવ્યું કે પીડિત પરિવારે વસીમ, નસીમ, ગોલૂ, ધર્મનાથ અને બીડીસી (બ્લેક ડેવલપમેન્ટ કમિટી-ક્ષેત્ર વિકાસ સમિતિ)ના સભ્ય રામચંદ્ર વિરુદ્ધ સુરેન્દ્ર સિહંની હત્યાના મામલે કલમ 302 (હત્યા) અને 120-બી (ગુનાઇત કાવતરું) હેઠળ કેસ નોંધ્યો છે. રામચંદ્ર બીડીસી સભ્ય તેમજ કોંગ્રેસ નેતા છે.
ઉપરી પોલીસ અધિકારીએ જણાવ્યું કે નસીમ, વસીમ અને ગોલૂ પર ગોળી મારવાનો આરોપ છે. પ્રથમ દ્રષ્ટિએ આ મામલો લોકસભા ચૂંટણી અને પૂર્વમાં પંચાયત ચૂંટણી દરમિયાન વેરભાવનાને લીધો બન્યો હોવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સ્મૃતિ ઇરાની બપોર પછી બરૌલિયા ગામ પહોંચ્યા હતા અને સુરેન્દ્ર સિંહની અંતિમયાત્રામાં સામેલ થયા હતા. સ્મૃતિએ સુરેન્દ્રસિંહના પાર્થિવ શરીર પર ફૂલો ચડાવ્યા. આ દરમિયાન તેઓ ઘણા ભાવુક થયા હતા. સ્મૃતિએ તેમના પાર્થિવ શરીરને કાંધ પણ આપી હતી. આ પહેલા તેઓ સિંહના પરિવારજનોને મળ્યા હતા અને તેમને આશ્વાસન આપ્યું હતું.
સુરેન્દ્ર સિંહ સ્મૃતિ ઇરાનીની ખૂબ નજીક માનવામાં આવતા હતા. અંતિમસંસ્કારમાં સામેલ થયા પછી સ્મૃતિએ મીડિયાને કહ્યું, ‘હું આ ઘટનાથી ખૂબ દુઃખી છું. સરકાર અને બીજેપી સંગઠન દુઃખના આ સમયમાં પરિવારની સાથે છે.’ તેમણે કહ્યું કે દોષીઓને કડક સજા અપાવવામાં આવશે. જેણે ગોળી ચલાવી અને જેણે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે, તેને ફાંસીના ગાળિયા સુધી પહોંચાડવા માટે જરૂરી બન્યું તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું.