ટ્રાન્સપોર્ટ સેકટરને નડ્યો કોરોના, અનેક કોમર્શિયલ વાહનો થશે સરન્ડર
દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. તેમજ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને પણ અસર પડી છે. અનલોકમાં હજુ પણ પહેલાની જેમ વેપાર-ધંધા શરૂ થયાં નથી. જેની અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ પડી રહ્યો છે. જેથી ટ્રાન્સપોર્ટર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં મુશ્કેલીઓમાં ઘટાડો થવાની શકયતાઓ ટ્રાન્સપોર્ટરોને ઓછી જોવા મળી રહી છે. જેના પરિણામે ટ્રાન્સપોર્ટરો દ્વારા પોતાના કોમર્શિયલ વાહનો સરેન્ડર કરવાનું વિચારી રહ્યાં છે. આગામી દિવસોમાં 50 હજાર જેટલા કોમર્શિયલ વાહનો સરેન્ડર કરે તેવી શકયતા છે.
ઇન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચના મત અનુસાર અનેક ટ્રાન્સપોર્ટરોએ બેંક લોન લઈને કોમર્શિયલ વાહનોની ખરીદી કરી છે. કોરોના મહામારીને પગલે લોકડાઉન બાદ અનલોકમાં અનેક વ્યવસાય-ધંધા શરૂ થયાં છે. પરંતુ ઉત્પાદનક્ષેત્રે ભારે મંદી જોવા મળી રહી છે. જેની અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ પડી છે. તેમજ આવકમાં પણ નોંધયાત્ર વધાટો થયો છે. બીજી તરફ લોનના હપ્તામાં રાહતનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે આવક નહીંવત હોવાથી વાહનોના હપ્તા ભરવા માટે તેમની પાસે નાણાકીય જોગવાઈ નથી. જેથી તેમની પાસે વાહન સરન્ડર કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. એટલું જ નહીં કેટલાક ટ્રાન્સપોર્ટરોએ અન્ય વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. આમ આર્થિક સંકટનો સામનો કરતા ટ્રાન્સપોર્ટરો દ્વારા આગામી દિવસોમાં 50 હજાર જેટલા કોમર્શિયલ વાહન સરેન્ડર કરવામાં આવે તેવી શકયતા છે.