- જખૌના કડિયાળી બેટ ખાતેથી ચરસના 28 પેકેટ મળ્યાં
- બે મહિનામાં દરિયાકાંઠા વિસ્તારમાંથી 1300થી વધારે પેકેટ પકડાયાં
અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી માટે કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યું છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસના પેકેડ બીનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન કોસ્ટગાર્ડે જખૌના કડિયાળી બેટ ખાતેથી રૂ. 42 લાખની કિંમતના ચરસના 28 પેકેજ શોધી કાઢ્યાં છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી બે મહિનાના સમયગાળામાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ 1300થી વધારે પેકેજ જપ્ત કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ચરસના પેકેટ બીનવારસી હાલતમાં મળી આવે છે. જેથી પોલીસ, કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા ચરસના પેકેટની પાછળ પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છા પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. તેમજ જખૌ સહિતનો વિસ્તાર દુર્ગમ હોવાથી જળસીમાના આ માર્ગે જ ચરસ ઘુસાડતા હોવાનું મનાઈ રહ્યું છે. જેથી પોલીસ દ્વારા સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા કવાયત આરંભી છે. કચ્છના કોટેશ્વરથી માંડવી સુધીના દરિયાકાંઠા વિસ્તારમાંથી બે મહિનાના સમયગાળામાં ચરસના 1300થી વધારે પેકેટ બીનવારસી હાલતમાં મળી આવ્યાં હતા.
દરમિયાન જખૌના બંદર નજીક આવેલા કોડિયાળી બેટ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન કોસ્ટગાર્ડને અલગ-અલગ સ્થળ પરથી ચરસના 28 પેકેટ બીનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. કોસ્ટગાર્ડે રૂ. 42 લાખના ચરસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.