મહેસાણાના ખેરાલુ નજીક કારમાં લાગી આગ, 3 વ્યક્તિ થઈ ભડથું
અમદાવાદઃ ઉત્તરગુજરાતના મહેસાણા-ખેરાલુ હાઈવે પર પસાર થતી મોટરકારમાં આલ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓ ભડથું થઈ ગઈ હતી. મોટરકારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતી. કારમાં સવાર લોકો અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણા ખેરાલુ હાઈવે પર ખેરાલુ નજીક રોડ ઉપર પસાર થતી મોટરકારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર બે કિશોરી અને એક વૃદ્ધા ભડથું થઈ ગયાં હતાં. જ્યારે દંપતીનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. આગમાં દાઝેલા દંપતિને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યારે કારમાંથી ત્રણ મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં છે.
હાઈવે પર કારમાં આગ લાગવાની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરવામાં આવી હતી. આગની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ કારમાં આગ લાગવાનું કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે. કારમાં સવાર લોકો અંબાજીથી પરત જઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.