રાહુલ ગાંધી કાશ્મીરની મુલાકાત માટે તૈયાર, રાજ્યપાલ સત્યપાલ મલિકનું આમંત્રણ સ્વીકાર્યું
એક દિવસ બાદ જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે.
સત્યપાલ મલિકે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર રાહુલ ગાંધી ખોટું બેલી રહ્યા છે અને તેમને સત્ય જાણવું હોય તો એક પ્લેન મોકલી આપે છે અને તેઓ આવીને જોઈ લે.
રાહુલ ગાંધીએ ગત શનિવારે કહ્યુ હતુ કે તેમને કાશ્મીરમાં બેહદ ખરાબ સ્થિતિ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે પ્રિય રાજ્યપાલ મલિક, વિપક્ષી નેતાઓના એક ડેલિગેશન સાથે હું જમ્મુ-કાશ્મીર અને લડાખ આવવાના તમારા નિમંત્રણનો સ્વીકાર કરું છું. અમને લોકોને કોઈ વિમાન જોઈતું નથી. બસ એટલી આઝાદી આપો કે અમે લોકો સાથે, મુખ્યપ્રવાહના નેતાઓ અને પોતાના સૈનિકોને મળી શકીએ.
સત્યપાલ મલિકે સોમવારે રાહુલ ગાંધીને નિશાને લેતા કહ્યુ હતુ કે તેમણે રાહુલ ગાંધીને કાશ્મીર બોલાવ્યા છે અને તેઓ તેમના માટે વિમાન મોકલવા માટે તૈયાર છે. જેથી તેઓ સ્થિતિને જોયા બાદ પોતાની ટીપ્પણી કરે.
સત્યપાલ મલિકે એમ પણ કહ્યુ હતુ કે અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એને તમામ માટે હટાવવામાં આવી છે. તેમા કોઈ કોમવાદી રંગ નથી. લેહ, કારગીલ,જમ્મુ-રાજૌરી, પુંછમાં કોઈ કોમવાદી ઘટના થઈ નથી. ઘાટીમાં પણ કોઈ કોમવાદી મામલો નથી.
ભારત સરકારે પણ અનુચ્છેદ-370ના હટાવાયા બાદ કહ્યું છે કે ઘાટીમાં માહોલ શાંત છે અને ક્યાંક છૂટીછવાયા વિરોધ પ્રદર્શનો થયા છે.
બાદમાં રાહુલ ગાંધીએ કાશ્મીરમાં હિંસાના અહેવાલો પર સરકારને ઘેરી હતી.