- ચક્રવાત વાવાઝોડું નિવાર આજ સાંજે દરિયાકિનારે ત્રાટકશે
- 145 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે પવન
- 1,200 એનડીઆરએફ બચાવ કર્મચારીઓને કરાયા તૈનાત
- 800 વધુ લોકોને રાખવામાં આવ્યા તત્પરતામાં
કોલકત્તા: બંગાળની ખાડીને સ્પર્શતા તમિલનાડુ અને પુડુચેરીના સમુદ્રી તટો પર આજે સાંજે ‘નિવાર’ વાવાઝોડું ટકરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમિલનાડુ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા પછી તેમને શક્ય તેટલી બધી સહાયની ખાતરી આપી હતી. આજે તમિલનાડુમાં રજા જાહેર કરવામાં આવી છે. તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને લગભગ 1,200 એનડીઆરએફ બચાવ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને 800 વધુ લોકોને તત્પરતામાં રાખવામાં આવ્યા છે.
નિવાર વાવાઝોડું હાલમાં પશ્ચિમ-પશ્ચિમોતરની દિશા તરફ આગળ વધી રહ્યું છે અને છ કલાક બાદ ઉતર – પશ્ચિમ તરફ વળવાની ધારણા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ,ચક્રવાતી તોફાન બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં છે. જો કે, કુડાલોરની પૂર્વમાં અને દક્ષિણ પૂર્વમાં 310 કિમી દુર છે. તે પુડુચેરીથી 350 કિમી અને ચેન્નાઈથી 370 કિમી દૂર છે. આવતા 6 કલાકમાં તેના વધુ ખતરનાક થવાની સંભાવના વધી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડું આજે રાત્રે કાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 120-130 કિ.મી. રહેશે,જે વધીને પ્રતિ કલાક 145 કિ.મી. થઈ શકે છે.
ગઈકાલે ચેન્નાઇ અને મીનાબક્કમમાં 120 મીમી વરસાદ પડ્યો હતો. આજે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અન્નાસલાઈ, જીએસટી રોડ અને કાથીપારા જંકશન પર ભારે વરસાદને કારણે જામ થઈ ગયા છે. ટ્રાફિક અટવાયો છે. ટ્રેનો ધીમી ગતિએ આગળ વધી રહી છે અને ઘણી જગ્યાએ પાણી ભરાયા છે
તમિલનાડુના આરોગ્યમંત્રી સી. વિજયભાસ્કરે કહ્યું કે,કટોકટીમાં મેડીકલ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએચસી સ્તરે દવાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તમામ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વળી, ‘હોસ્પિટલ ઓન વ્હીલ્સ’ને પણ કોઈ પણ કટોકટી માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
કેબિનેટ સચિવે તટીય વિસ્તારોમાં રહેતા તમામ લોકોને ચક્રવાત દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે જાણકારી આપવા જણાવ્યું છે. તેમણે લોકોને શાંત રહેવા, અફવાઓને અવગણવા, મોબાઇલ ફોન ચાર્જ રાખવા, રેડિયો સાંભળવા અને ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશ ન કરવાની સલાહ આપી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, જો તમારું હાલનું મકાન સુરક્ષિત નથી,તો ઘરનું વીજળીનું કનેક્શન બંધ કરી દો અને ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર ચાલ્યા જાવ.
આ બેઠકમાં એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ વચ્ચે પડકારનો સામનો કરવા માટેના સંકલન વિશે માહિતી આપવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપતા હવામાન વિભાગના મહાનિર્દેશકએ ઉલ્લેખ કર્યો છે કે, પરિસ્થિતિ સંબંધિત રાજ્ય સરકારો સાથે શેર કરવામાં આવી રહી છે. એનસીએમસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે માછીમારોને દરિયામાં ન જવા માટે આપવામાં આવેલી સલાહનો કડક અમલ થવો જોઈએ. આ બેઠકમાં કેન્દ્ર સરકારના મંત્રાલયોના વિવિધ સચિવો હાજર રહ્યા હતા.
આઇએમડીએ જણાવ્યું હતું કે, ચક્રવાત નિવાર બુધવારે સાંજે કરાઈકલ અને મમ્મલાપુરમની વચ્ચે એક ‘ખુબ જ ગંભીર ચક્રવાતી તૂફાન’ તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ વર્ષે બંગાળની ખાડીમાં આવેલ નિવાર બીજું ચક્રવાત છે. આ પહેલા મે મહિનાની શરૂઆતમાં ચક્રવાત અમ્ફાને બંગાળ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી હતી.
_Devanshi