- સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના SOU સુધી સી-પ્લેનના ભાડામાં કરાયો ઘટાડો
- તોતિંગ ભાડા બાદ ઉહાપોહ થતા રાજ્ય સરકારે અંતે સી-પ્લેનનું ભાડું ઘટાડ્યું
- હવે સી-પ્લેનમાં મુસાફરી માટે 4800ને બદલે 1500 રૂપિયા ચૂકવવાના રહેશે
અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી-પ્લેનના તોતિંગ ભાડાને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને રાજ્ય સરકારે પણ ચૌ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અંતે હવે લોકલાગણી સામે સરકાર ઝુકી છે. રાજ્ય સરકારે હવે સી-પ્લેનના ભાડાના દર ઘટાડ્યા છે. રાજ્ય સરકારે હવે સી-પ્લેનનું ભાડું ઘટાડીને 1500 રૂપિયા કર્યું છે.
જાણો સી-પ્લેનની ખાસિયતો વિશે
- અમદાવાદમાં આવેલા આ ટ્વીટ-ઓટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.
- આ સી-પ્લેન 1419 લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે, મહત્તમ 5670 કિલોગ્રામ વજન સાથે ઉડી શકે છે. સી-પ્લેન 15.77 મીટર (51 ફૂટ) લાંબુ અને 5.94 મીટર (19 ફૂટ) ઉંચું છે.
- સી-પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇન વાળા બે એન્જિન ધરાવે છે.
- સી પ્લેનમાં કમ્પ્યુટર કન્ટ્રોલ્સ નથી હોતા, તે લો અલ્ટિટ્યુટ પર ઉડે છે જ્યાં પાયલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે.
- ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિલોગ્રામ બળતણની ખપત થાય છે. સી-પ્લેનની ડાબી બાજુ 1.27×45 મીટરનો દરવાજો આવેલો છે.
આપને જણાવી દઇએ કે અગાઉ સી-પ્લેનનું ભાડુ 4,800 રૂપિયા હતું. જેના પગલે લોકોમાં આટલા તોતિંગ ભાડા પર ઉહાપોહ થયો હતો અને ત્યારબાદ સરકારી આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. હવે મુસાફરોને ટિકિટ પરવડે તે માટે સરકારે ભાડું ઘટાડીને 1500 રૂપિયા કર્યું છે.
મહત્વનું છે કે પીએમ મોદી 31મી ઑક્ટોબરે સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરશે. અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં 2 વાર સી-પ્લેન ઉડાન ભરશે. તેના પછી મુસાફરોના પ્રતિસાદના આધારે ઉડ્ડયન સંખ્યા વધારવામાં આવશે.
(સંકેત)