અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોના સંચાલન માટે શહેરમાં વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તેમજ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવે છે. શહેરમાં અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને લગભગ 37.80 લાખ જેટલા મેમો આપવામાં આવ્યાં છે. જેમાંથી 40 કરોડ જેટલો દંડ વાહન ચાલકોએ ભર્યો છે. પરંતુ વાહન ચાલકો ઈ-મેમોનો ગંભીરતાથી ન લેતા હોય તેમ અત્યાર સુધીમાં રૂ. 112 કરોડનો દંડ નહીં ભર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ટ્રાફિકના નિયમોનું સંચાલન કરવા માટે ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તેમજ વર્ષ 2015થી ઈ-ચલણની શરૂઆત કરવામાં આવી છે. પાંચ વર્ષના સમયગાળામાં શહેરીજનોએ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ લગભગ 40 કરોડ રૂપિયાનો દંડ ચુકવ્યો છે. જ્યારે 112 કરોડનો દંડ નહીં ભર્યો હોવાનું જાણવા મળે છે. ટ્રાફિક વિભાગે અત્યાર સુધી 37,80,975 મેમો જનરેટ કર્યા છે. સૌથી વધારે 10 કરોડથી વધારેની રકમ નો દંડ માત્ર સ્ટોપ લાઈન ભંગનો છે. આ ઉપરાંત હેલ્મેટ વગર વાહન ચલાવીને 1 કરોડની રકમના દંડિત થયા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા દંડની રકમની વસુલાત માટે રિકવરી ટીમ બનાવવામાં આવી છે. તેમજ આ ટીમ વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત રહે છે. આ ટીમ વાહન અટકાવીને આધુનિટ ટેકનોલોજીના માધ્યમથી વાહન ચાલકનો બાકી દંડની તપાસીને સ્થળ ઉપર વસુલાત કરી રહી છે. તેમજ બાકી દંડની વસુલાત માટે વાહન ચાલકોને નોટિસ પણ આપવામાં આવી છે. શહેરના 65 જંકશન પર ઓટો સીસ્ટમ લગાવવામાં આવી છે. જેના કારણે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને મેમો ઓટોમેટીક જનરેટ થાય છે. આ ઉપરાંત દરરોજ લગભગ 1500 જેટલા મેમો મેન્યુઅલ જનરેટ કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે.