રાજકોટ મનપા આવી એક્શનમાં, હવે શહેરના પ્રવેશમાર્ગ પર જ કરશે ચેકિંગ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતા મનપા તંત્ર વધારે સતર્ક બન્યું છે. હવે રાજકોટના તમામ પ્રવેશ માર્ગો ઉપર મેડિકલ તૈનાત રાખવામાં આવશે. આ ટીમ બહારથી આવતા તમામ લોકોનો ટેસ્ટ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. મનપા તંત્ર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ અનલોકમાં વેપાર-ધંધા શરૂ થતા રોજગારની શોધમાં વતન જતા રહેલા શ્રમિકો રાજકોટ પરત ફરી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
દરમિયાન શહેરના કુવાડવા રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ સહિતના પ્રવેશ માર્ગો ઉપર ખાસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. તેમજ બહારથી પ્રવેશ કરનારા લોકોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થા, આરોગ્ય સંસ્થાઓને તબીબો અને નર્સીંગ સ્ટાફને સાથે રાખીને સંજીવની રથ શરૂ કરવા માટે પણ મનપા કમિશન ઉદીત અગ્રવાલે અનુરોધ કર્યો છે.