1. Home
  2. revoinews
  3. શિક્ષક દિન 2020: રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીએ ગુજરાતના 44 શિક્ષકો-ગુરૂવર્યોનું ‘રાજ્ય શિક્ષક એવોર્ડ’થી સન્માન કર્યું
શિક્ષક દિન 2020: રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીએ ગુજરાતના 44 શિક્ષકો-ગુરૂવર્યોનું ‘રાજ્ય શિક્ષક એવોર્ડ’થી સન્માન કર્યું

શિક્ષક દિન 2020: રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીએ ગુજરાતના 44 શિક્ષકો-ગુરૂવર્યોનું ‘રાજ્ય શિક્ષક એવોર્ડ’થી સન્માન કર્યું

0
Social Share
  • ગાંધીનગર ખાતે શિક્ષક દિનના અવસર પર “ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ”નું આયોજન કરાયું
  • CM રૂપાણીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજ્યના 44 શિક્ષકો-ગુરુવર્યોનું સન્માન કર્યું હતું
  • 44 શ્રેષ્ઠ શિક્ષકોને શોલ-સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા
  • નૈતિક મૂલ્યો-માનવીય મૂલ્યોના આધારે શિક્ષા-દિક્ષાથી સજ્જ ભાવિ પેઢી દ્વારા ગુજરાતને ભવિષ્યના ભારતનું રોલ મોડેલ બનાવવા શિક્ષક સમુદાયને  CM રુપાણીનું પ્રેરક આહવાન

આજે શિક્ષક દિનના અવસર પર ગાંધીનગર ખાતે “ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્યના 44 શિક્ષકો-ગુરુવર્યોનું તેમની શ્રેષ્ઠતા-ઉત્કૃષ્ટતા તેમજ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન માટે શિક્ષક એવોર્ડથી સન્માન કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાજ્ય પારિતોષિક વિજેતા 44 શ્રેષ્ઠ શિક્ષકોને શોલ-સ્મૃતિચિન્હ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા.

આ અવસર પર મુખ્યમંત્રીએ શિક્ષકોને સમાજની ભાવિ પેઢીના અને શિક્ષીત-દિક્ષીત સમાજના નિર્માતા તરીકે નવાજતા કહ્યું કે, “આજે જ્યારે સૌ કોઇ પહેલાં પોતાની કારકિર્દીનો વિચાર કરતા હોય છે ત્યારે શિક્ષક સમુદાય સ્વનો નહીં, સમષ્ટિનો વિચાર કરીને શિક્ષા-દિક્ષાથી સુસજ્જ ભાવિ પેઢીના નિર્માણના નોબેલ પ્રોફેશનની ગરિમા વધારે છે.”

આ સમારોહ દરમિયાન ગુજરાતનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, “વ્યક્તિના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્વની છે. શિક્ષકો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા જ્ઞાન-સંપન્ન, સંસ્કારવાન નાગરિકોનું નિર્માણ કરે છે. રાષ્ટ્રનું નિર્માણ મહેલો કે ઇમારતો બાંધવાથી નહીં, પરંતુ શાળાના વર્ગખંડમાં અપાતાં માનવતાલક્ષી અને સંસ્કારલક્ષી શિક્ષણથી થાય છે. જો શિક્ષક પ્રમાણિકતાથી પોતાના લક્ષ્યની સિદ્વિ માટે પુરુષાર્થ કરે તો બાળકના જીવનમાં 100 ટકા પરિવર્તન લાવી શકે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “શિક્ષકના કાર્ય સાથે જ જ્ઞાન સાધના, સંસ્કાર અને સંસ્કૃતિનો વૈભવ સંકળાયેલા છે. રાજ્યપાલશ્રીએ માતા-પિતા બાદ ગુરુજનોનું સ્થાન કોઈપણ માનવીના જીવનમાં શ્રેષ્ઠ છે, તેમ જણાવી આ ઈશ્વરીય કાર્ય માટે અથાગ પુરૂષાર્થ કરવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું.”

નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 સંદર્ભે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થી અત્યાધુનિક ટેકનોલોજી સાથે જ્ઞાન સંપન્ન અને કૌશલવાન બને અને મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેનુ ચિંતન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં કરાયું છે.” તેમણે શિક્ષકોને જ નવી શિક્ષણ નીતિ ની સફળતાના વાહક ગણાવ્યા હતા અને નવી શિક્ષણનીતિના સફળ અમલીકરણ માટે શિક્ષકોને સજ્જ બનવા અનુરોધ પણ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભવિષ્યના ભારતના રોલ મોડેલ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને નૈતિક મૂલ્યો, માનવીય મૂલ્યોના આધારે શિક્ષા-દિક્ષા વિકસાવીને રાષ્ટ્રનિર્માણ, વસુધાના કલ્યાણના ગુણો ભાવિ પેઢીમાં કેળવવા શિક્ષકોને પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકો ભાવિ પેઢીને વિશ્વના પડકારો ઝિલવા સક્ષમ બનાવે છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, “ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોના ઘડતરનું ઉત્તમ સેવાકાર્ય શિક્ષકોને સમાજમાં ઊચું સ્થાન અપાવે છે.”

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, “રાજ્યની સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનું દાયિત્વ કરી રહેલા શિક્ષકો ગરીબ, શ્રમિક, ખેડૂતના બાળકનું સર્વાંગી ઘડતર કરીને તેને શિક્ષા-દિક્ષાના આયુધથી સજ્જ કરે છે.”

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “ખાનગી શાળાઓમાં ભણતા-અભ્યાસ કરતા સંપન્ન વર્ગના બાળકોને શિક્ષણ આપવામાં જે સરળતા રહે છે તે આવા શ્રમિક-ગરીબ-ખેડૂતના સરકારી શાળામાં ભણતા બાળકને આપવામાં ન હોવા છતાં સરકારી શાળાના શિક્ષકોએ આ સેવા કાર્યને હોંશભેર ઉપાડી લીધું છે.”

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૪ વર્ષમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, જ્ઞાનકુંજ પ્રોજેકટની સફળતામાં શિક્ષકોના પ્રદાન તેમજ ઓનલાઇન એટેન્ડસ જેવા આયામોથી ડ્રાસ્ટીકચેન્જ શિક્ષણ વ્યવસ્થામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત-નયા ભારતના નિર્માણની નેમ સાથે નવી શિક્ષણ નીતિ જાહેર કરેલી છે ત્યારે એ નીતિનો પ્રથમ અમલ કરવામાં ગુજરાત લીડ લે તે માટે રાજ્યના શિક્ષકોની વિશેષ જવાબદારી છે.”

મુખ્યમંત્રીશ્રીએ આ શિક્ષણ નીતિમાં શિક્ષકની સજ્જતાને પણ અહેમિયત આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સમર્થ શિક્ષકોના યોગદાનથી સમર્થ રાષ્ટ્ર-સમર્થ રાજ્ય બનાવવાની આપણી નેમ છે.

રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા શિક્ષકોને બિરદાવીને અભિનંદન આપતા કહ્યું કે, “ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપી છે ત્યારે આપણે સૌએ નવી જવાબદારી સાથે આગળ વધવાનું છે. સમાજ પણ આપણને અલગ નજરથી જોઈને આપણી અપેક્ષાઓમાં બદલાવ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા આશા રાખી રહ્યો છે તે આપણે સૂપેરે પરિપૂર્ણ કરવાની છે.”

શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે “વડાપ્રધાનશ્રીએ દિલ્હી ખાતેની વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની બેઠકમાં કહ્યું કે, આ નીતિ એ કોઈ પક્ષની નહીં, પણ ભારતની નીતિ છે એટલે જ એને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે જાહેર કરી છે. નવી શિક્ષણ નીતિના ગઠન માટે ૨.૫ લાખથી વધુ લોકોના અભિપ્રાયો પછી ચાર વર્ષની જહેમત બાદ આ નીતિને એક મહાયજ્ઞ તરીકે જાહેર કરી છે. એમાં આપણે સૌએ સઘન પ્રયાસો કરીને તેને સંપૂર્ણ સમજ સાથે આગળ વધવાનું છે.”

શ્રી ચુડાસમાએ નવી શિક્ષણ નીતિ માટે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતે સ્થાનિક ભાષામાં નીતિનું ભાષાંતર કરીને IITE ગાંધીનગર દ્વારા જે પ્રયાસ કર્યો છે તેને બિરદાવીને યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડૉ. હર્ષદ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વર્તમાન કોરોના કાળમાં પણ શિક્ષણ વિભાગે વર્ચ્યુઅલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું છે એમાં આપનો સહયોગ વ્યાપક રહ્યો છે એ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોશી સહિત એવોર્ડી શિક્ષકો અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ શ્રી ડૉ. વિનોદ રાવે આભારવિધિ કરી હતી.

(સંકેત મહેતા)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code