ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 44 તાલુકામાં અત્યાર સુધીમાં 40 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. તેમજ હવામાન વિભાગે દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 79 ટકા જેટવો વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 309.27 મીમી વરસાદ પડ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 660.17 મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 33 જિલ્લાના 251 તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. જેમાં 44 તાલુકામાં 1000 મીમી કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 9 તાલુકામાં 10 ઈંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં સરેરાશ 1540 મીમી વરસાદ થયો છે. જિલ્લામાં સીઝનનો કુલ 240 ટકાથી વધુ વરસાદ થયો છે.
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. આવી જ રીતે કચ્છના મુદ્રામાં પણ પાંચ ઈંચ, તાપીના વાલોદમાં પાંચ ઈંચ, આણંદના તારાપુરમાં પાંચ ઈંચ, ભરૂચના નેત્રંગ અને વાલિયામાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. આણંદના ખંભાતમાં ચાર ઈંચ અને અરવલ્લીના ભિલોડામાં ચાર ઈંજ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યના 60 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.