– રેલવે વિભાગે ખાનગી સંચાલકો માટે ડ્રાફ્ટ કર્યો જાહેર
– સંચાલકો દ્વારા સંચાલિત ટ્રેનો મોડી પડશે તો થશે દંડ
– ગંતવ્ય સ્થળે વહેલી પહોંચશે તો પણ થશે દંડ
રેલવે વિભાગે ખાનગી સંચાલકોની ટ્રેનના સમયના પ્રદર્શનને લઇને એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જે અનુસાર જો તેમના દ્વારા સંચાલિત રેલગાડીઓ મોડી ચાલશે અથવા ગંતવ્ય સ્થળે સમય પહેલાં પહોંચશે તો તેમને મોટો દંડ ભરવો પડશે. ડ્રાફ્ટ અનુસાર ખાનગી ટ્રેન સંચાલકોએ વર્ષમાં 95 % સુધીના સમયનું પાલન કરવું પડશે.
તે ઉપરાંત સંચાલકોને મળતી રેવન્યુ વિશે ખોટી જાણકારી આપવા પર કે ટ્રેન રદ કરવા વિશે સાચી જાણકારી નહીં દેવા પર દંડ ભરવો પડશે. જો રેલગાડી ગંતવ્ય સ્થળે ૧૫ મિનિટથી વધારે મોડી પડશે તો તેને સમય પાલન કરાવવામાં નિષ્ફળતા માનવામાં આવશે.
જો કોઈ ખાનગી રેલગાડી ઓછામાં ઓછા 10 મિનિટ પહેલા ગંતવ્ય સ્થળે પહોંચે છે તો સંચાલક રેલવેને દંડ તરીકે ૧૦ કી.મી.નો પરિવહન શુલ્ક આપવો પડશે. ખાનગી રેલગાડીઓ સમયનું પાલન કરે તે માટે આ નિર્ણય લેવાયો છે.
સંચાલક તરફથી રેલ સેવા રદ્દ કરવાની સ્થિતિમાં તેઓ દંડ તરીકે તે રેલગાડી માટે રેલવેને ચોથા ભાગનો ચાર્જ આપવો પડશે અને જો રેલવે તરફથી રેલસેવા રદ્દ કરવામાં આવશે તો રેલવે સંચાલકને તેટલો જ ચાર્જ આપશે.
(સંકેત)