‘મન હોય તો માળવે જવાય’ કહેવતને સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી સાર્થક, સફળતાપૂર્વક કરી સફરજનની ખેતી
– મન હોય તો માળવે જવાય કહેવતને સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી સાર્થક
– સૌરાષ્ટ્રના વાંકાનેરના જાલસીકા ગામે કરી સફરજનની ખેતી
– એક ઝાડમાં 150થી સફરજનના ફળો આવ્યા
સફરજનની ખેતી આમ તો ખાસ રીતે હિમાચલ પ્રદેશ અને સિમલામાં જ થતી હોય છે. પરંતુ મન હોય તો માળવે જવાયની કહેવતની જેમ હવે સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ સાર્થક કરી બતાવ્યું છે. જેને કારણે આગામી દિવસોમાં ફળોના બજારમાં સૌરાષ્ટ્રના સફરજનો પણ જોવા મળે તો નવાઇ નહીં. સૌરાષ્ટ્રના ખેડૂતો સમયની સાથે ચાલીને કપાસ, ઘઉં, મગફળી સહિતના પાક ઉપરાંત બાગાયતી ખેતી તરફ પણ વળી રહ્યા છે.
આ વિશે વાત કરતા સૌરાષ્ટ્રના વાંકાનેરના જાલસીકા ગામે 30 વીઘા ખેતીની જમીન ધરાવતા સહકારી અગ્રણી પ્રભાતભાઇ ડાંગરનાં પુત્ર ભાવેશભાઇએ વિગત આપતા કહ્યું કે, તેમની ખેતીની જમીન મચ્છુ-1 ડેમ પાસે આવેલી છે. દરમિયાન ભારત સરકાર સંચાલિત નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના અધિકારી હરદેવ ચૌધરીએ ગરમ પ્રદેશમાં પણ સફરજનની ખેતી થઇ શકેની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યા બાદ સફરજનની ખેતીનો પ્રયોગ કરવા હિમાચલ પ્રદેશથી સફરજનના 20 કોલમ મગાવ્યા હતા.
હિમાચલ પ્રદેશથી સફરજનના 20 કલમ 15-15 ફૂટના અંતરે ઉગાડ્યા હતા. ડુંગરાળ અને પથરાળ જમીનમાં ઉગાડેલા સફરજનની કલમમાં ગાયનું ગોબર, જીવામૃતનું દેશી ખાતર નાખ્યું હતું. જમીન ફળદ્રુપ હોવાથી 15-20 દિવસે પાણી પીવડાવતા હતા. કલમો અઢી વર્ષના સમયગાળામાં 7-8 ફૂટના વૃક્ષમાં પરિવર્તિત થઇ ગયા હતા. જેમાં ચીકુ જેવડાં સફરજનના ફળ આવ્યા હતા. ઠંડા પ્રદેશોમાં જ થતી સફરજનની ખેતીનો પ્રયોગ 45 ડિગ્રી જેટલી ગરમી ધરાવતા સૌરાષ્ટ્રમાં સફળ થયો છે.
મહેનતનું ફળ
આ પ્રક્રિયા બાદ સફરજનનું પૂરું ઝાડ થઇ ગયું હતું. આ ઝાડમાં દોઢસોથી વધુ ફળ આવ્યા હતા. આ બાદ ડિસેમ્બરમાં વૃક્ષોની ડાળી કાપી નખાશે અને બે મહિના બાદ વૃક્ષનો ફરી વિકાસ થશે. તેમાં ફૂલ આવવાનું શરૂ થશે. ફૂલ આવ્યા બાદ તેમાં થોડાક મહિના બાદ સફરજન ફરી આવવાનું શરૂ થશે.
નોંધનીય છે કે, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને શિમલાામાં જ સફરજનની ખેતી થતી હોય છે પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ શક્ય કરી બતાવ્યું છે. ખેડૂતોએ દ્રઢ નિર્ધાર અને સંકલ્પના જોરે પણ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સફરજનની સફળ ખેતી કરી છે. ખેડૂતોની આ સંકલ્પશક્તિ ખરા અર્થમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક છે.
(સંકેત)