અનલોક-3 દરમિયાન રાજ્યની યુનિવર્સિટી અને કોલેજમાં વર્ક ફ્રોમ હોમ લંબાવવા GUSS ની રાજ્ય સરકારને માંગણી
- રાજ્યની યૂનિ. અને કોલેજોમાં વર્કફ્રોમ-હોમ લંબાવા બાબતે શિક્ષણમંત્રીને અરજી
- યૂનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્રારા કરવામાં આવી અરજી
- કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ પણ રાજ્ય સરકાર દ્રારા કોઈ આદેશ અપાયા નથી
સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે,કોરોનાના સંક્રમણના સતત વધતા કહેરને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે,કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકામાં દેશભરની શાળાઓ અને કોલેજોમાં આવનારી ૩૧ ઓગસ્ટ સુધી વર્ક ફ્રોમ લંબાવવાના સુચનો આપવામાં આવ્યા છે, જો કે કેન્દ્ર સરકારના આદેશો બાદ પણ હજી સુધી રાજ્યની સરકાર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટ આદેશ કે ,સુચનો આપવામાં આવ્યા નથી ,જેને લઈને વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો ભારે મુંજવણમાં મૂકાયા છે.
શિક્ષણ વિભાગની આ જાહેર કરવામાં આવેલી સુચના પ્રમાણે રાજ્યભરના તમામ અધ્યાપકો અત્યારે માઈક્રોસોફ્ટ ટીમ, ગુગલ મિટ કે ઝૂમ જેવી વિડીઓ કોન્ફરન્સીંગ એપના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપી જ રહ્યા છે,આ સાથે જ શિક્ષકો દ્રારા રોજે-રોજ લેવામાં આવતા ક્લાસની સંપૂર્ણ વિગતો પણ જે તે શાળા કે કોલેજના આચાર્યો મારફત નિયમિત પણે શિક્ષણ વિભાગને મોકલવામાં આવી જ રહી છે. આ રીતે અધ્યાપકો દ્રારા શૈક્ષણિક કામગીરી નિયમીત રુપે અડચણ વગર ચાલી રહી છે, જો કે તેમ છત્તાં રાજ્ય સરકાર દ્વારા વર્કફ્રોમ હોમ સંદર્ભે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી રહી.
આ સમગ્ર બાબતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના હિતને ધ્યાનમાં રાખતા ગુજરાત યૂનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્રારા રાજ્ય સરકારને આ વર્કફ્રોમ-હોમ સંદર્ભે સ્પષ્ટ દિશા નિર્દેશ જાહેર કરવા તેમજ ઓગસ્ટ માસના અંત સુધી વર્કફ્રોમ-હોમ લંબાવવાની માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર દ્વારા આ સ્પષ્ટતા ન કરવાના કારણે અનેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઘરેથી કામ કરવા બાબતે મુંઝવણમાં મૂકાયા છે,હાલ કેટલાક અધ્યાપકો પોતાના વતનથી કામ કરી રહ્યા છે ત્યારે 3 ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે, ત્યાર બાદ અધ્યાપકો અને બહાર રહેતા વિદ્યાર્થીઓ એ શાળા કે કોલેજમાં આવવું કે નહી, તે બાબતે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે.જેને લઈને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાબતે આદેશ આપે તે જરુરી છે.