રાજકોટ સરકારી આવાસમાં ગેરકાયદેસર રહો છો? તો હવે તમારા વિરુદ્ધ લેવાશે પગલા…
- નાયબ ઈજનરોને અપાઈ જવાબદારી
- પાંચ જેટલી ટીમની કરાઈ રચના
અમદાવાદઃ ગુજરાતમાં ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજાનાઓ શરૂ કરવામાં આવી છે. જો કે, આવા સરકારી આવાસ યોજનામાં મકાન માલિકને બદલે અન્ય લોકો રહેતા હોવાની ફરિયાદોને પગલે રાજકોટમાં મનપાએ સરકારી આવાકમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં સરકારી આવાસ યોજનામાં ભાડે અને માલીકી હક્ક વગર રહેતા લોકોને શોધી કાઢવા માટે પાંચ ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત 13 જેટલા ડેપ્યુટી ઈજનરોને સરકારી આવાસમાં માલિકી હક્ક વગર રહેતા લોકોને શોધી કાઢવાની કામગીરી સોંપવામાં આવી છે. મનપા દ્વારા સરકારી આવાસમાં માલિકી હક્ક વગર વસવાટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં સરકારી આવાસ ભાડે આપનાર મકાન માલિકની સામે કાર્યવાહી કરાશે.