પહેલીવાર ચંદ્ર પર કોઈ છોડ ઉગાડવામાં આવ્યો છે. ચીનના નેશનલ સ્પેશ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ચેંગે-4 મિશને કપાસનો છોડ ઉગાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અંતરીક્ષ સંશોધન ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ પગલું હોવાનું માનવામાં આવે છે.
ચેંગે-4 ચંદ્રની ડાર્ક સાઈડના દૂરના વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે મોકલવામાં આવેલું પૃથ્વીનું પહેલું મિશન છે. ચંદ્રના ધરતીથી દૂર હોય તેવા સ્થાનો પર ચીનનું ચેંગે- મિશન ત્રીજી જાન્યુઆરીએ ચંદ્ર પર પહોંચ્યું હતું. તેનો ઉદેશ્ય ચંદ્રની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કરવાનો હતો. આ પહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છોડ ઉગાડવામાં આવ્યો હતો. પરંતુ ચંદ્ર પર પહેલીવાર છોડ ઉગાડવામાં ચીનને સફળતા મળી છે. આ સફળતા બાદ આગામી દિવસોમાં લાંબા સ્પેસ મિશન દરમિયાન છોડ ઉગાડવાની વધુ કોશિશ કરશે.
આનો અર્થ એવો થયો છે કે એસ્ટ્રોનોટ ભવિષ્યમાં અંતરીક્ષમાં પોતાના માટેનું અનાજ ઉગાડવામાં સક્ષમ બની શકે છે. તેના કારણે અન્ન પુરવઠા માટે ઝડપથી ધરતી પર પાછા આવવાની મજબૂરી સમાપ્ત થઈ શકે છે. ચીનના મૂન લેન્ડર દ્વારા કપાસ અને બટાકાના બીજ મોકલવામાં આવ્યા હતા. છોડ સીલબંધ કન્ટેનરમાં ઉગાડવામાં આવ્યા છે. છોડ ઉગાડવામાં મળેલી સફળતાને કારણે એવી પણ સંભાવના વધી છે કે અંતરીક્ષમાં સેલ્ફ સસ્ટેનિંગ એન્વાયરમેન્ટ બનાવી શકાય છે.
ચીનના લુનર મિની બાયોસ્ફિયર એક્સપેરિમેન્ટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું કે જેનાથી ફોટોસિન્થેસિસ અને રેસ્પિરેશન પ્રોસેસનો ટેસ્ટ પણ કરી શકાય છે. આ પ્રોસેસ દ્વારા જ ઊર્જાનું ઉત્પાદન થાય છે. આવો પ્રયોગ 18 સેન્ટિમીટર લાંબા અને ત્રણ કિલોગ્રામ વજન ધરાવતા કન્ટેનરમાં કરવામાં આવ્યો છે. તેને ચીનની 28 યુનિવર્સિટીઓએ સાથે મળીને તૈયાર કર્યું હતું.
કન્ટેનરની અંદર પાણી, હવાની સપ્લાઈની વ્યવસ્થા હતી. જો કે વૈજ્ઞાનિકો માટે સૌથી મોટી મુશ્કેલી ટેમ્પરેચરને નિયંત્રિત કરવાની હતી, કારણ કે ચંદ્ર પર માઈનસ 173 સેલ્સિયસથી 100 સેલ્સિયસની વચ્ચેના તાપમાનમાં અંતર હોય છે.