ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 7 : 1947નું વિભાજન ભારતની અખંડતાની હત્યાની રક્તરંજિત વિભીષિકા
- આનંદ શુક્લ
લોહીથી ગભરાઈને સનાતનકાળથી અખંડ ભારતના ભાગલા સ્વીકારનારાઓ પણ પરલોકમાં આજે પસ્તાવો કરતા હશે. કટ્ટર અહિંસાવાદી બનીને આઝાદીના માર્ગે ચાલનારાઓ પણ વિભાજનની વિભીષિકા અને કરુણાંતિકાઓ જોઈને સ્વર્ગમાં ડૂસકા ભરતા હશે…. નિરાશ્રિતોના નિસાસા વચ્ચે અલગ હોમલેન્ડની માગણી કરનારાઓને પસ્તાવો થતો હશે કે કેમ.. કોણ જાણે.. પણ 14 ઓગસ્ટ..1947ના દિવસે થયેલા વિભાજનથી ભારત અને પાકિસ્તાન નામના બે દેશો માટે આજે પણ લોહી વહેવડાવાનું કારણ બનેલું છે. શું આનો કોઈ રસ્તો નીકળી શકે છે?
સ્વતંત્રતા માનવીય જીવનનો સર્વોચ્ચ આનંદ છે. અસ્તિત્વની આકાંક્ષાઓની પૂર્તિ આઝાદીની પ્રાપ્તિથી થતી હોય છે. ભારતને પણ રાષ્ટ્રીય અખંડિતતા સાથે અંગ્રેજોથી આઝાદી મેળવવાની અભિલાષા હતી. તેના માટે ભારતે 1857થી 1947 સુધી હિંસક અને અહિંસક રાહે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આ ઈતિહાસનો કાળપુરુષ પણ સાક્ષી છે.
14 ઓગસ્ટ, 1947એ અખંડ ભારતના ધાર્મિક આધારે ઘોષિત ભાગલા થયા. ભારતની અખંડતાને સનાતન રાખવાની લાગણી ધરાવતા લોકોને તેનાથી મોટો ધક્કો પહોંચ્યો છે. પરંતુ ઝીણાની કોમવાદી આકાંક્ષાઓના આકાશમાં તરતી કોમવાદી હિંસાના ભયથી કોંગ્રેસના તત્કાલિન નેતાઓએ કટ્ટર અહિંસક મહાત્મા ગાંધીની આગેવાનીમાં ઘૂંટણિયા ટેકવ્યા. તો લાંબી લડાઈને કારણે ઢળતી ઉંમરે થાકી ગયેલા કોંગ્રેસના નેતૃત્વએ અલગ પાકિસ્તાનની માગણી સ્વીકારી લીધી.
આશા કરવામાં આવી હતી કે ભારત હિંસાની આગમાંથી બચી જશે. નિર્દોષ લોકો નેતાઓની મહત્વકાંક્ષા દ્વારા લગાવાયેલી આગનો ભોગ નહીં બને. પરંતુ મુસ્લિમ લીગની ઝીણાવાદી માનસિકતાની કોમવાદી હિંસામાં ભારતના ભાગલા ખૂબ લોહિયાળ નીવડયા. આઝાદી માટે જેટલું લોહી વહ્યું ન હતું. તેનાથી અનેક ગણું વધારે નિર્દોષ લોકોનું લોહી ખંડિત આઝાદી બાદ પાકિસ્તાનવાદી માનસિકતાએ વહેવડાવ્યું હતું. પંજાબ, બંગાળ, ઉત્તર ભારત સહીત આખા દેશમાં મારકાટનો દોર ચાલ્યો. અકુદરતી રીતે અસ્તિત્વમાં આવેલા નક્શા પર રેડક્લિફની રેખાના આધારે ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા.
સદીઓ સુધી સાથે રહેનારા.. યુગોયુગોથી એક રહેલા આસ્થા સ્થાનો પણ વહેંચાયા.. બંને બાજુથી લગભગ બે કરોડથી વધારે લોકો વિસ્થાપિત થયા હતા. નિરાશ્રિતોના ટોળેટોળા ભારત અને પાકિસ્તાનમાં ઠલવાવા લાગ્યા હતા. સંપત્તિઓ છોડીને ગઈકાલના સંપન્ન લોકો ભારતના ભાગલા પડતાની સાથે જ અકિંચન બનીને ઓસિયાળા બનીને પોતાના પુરાતનકાલિન સ્થાનોને છોડીને અજાણ્યા પ્રદેશોમાં શરણ લેવા માટે મજબૂર બન્યા હતા. હજારો સ્ત્રીઓ પર બેરહેમ અત્યાચાર થયા. બળાત્કાર… મહિલાઓને નગ્ન કરીને શેરીઓમાં ફેરવવી…અપહરણ કરવા.. બળજબરીથી લગ્ન કરવા આ તમામ પ્રકારની ક્રૂરતાઓ વચ્ચે માનવતાની ઠેરઠેર હત્યાઓ થઈ.
આ તમામ અમાનવીય ઘટનાઓ ત્યારે થઈ કે જ્યારે વિભાજનની યોજના અખંડ ભારતના તમામ પ્રભાવી રાજકીય પક્ષકારોએ તેનો સ્વીકાર કર્યો હતો. ભારતને ભાગલા પણ હિંસાથી બચાવી શક્યા નહીં. આ બધું ત્યારે થયું કે જ્યારે તબાદલા-એ-આબાદીનો કોઈ પ્લાન બનાવાયો નહીં. આંબેડકર અને ઝીણા બને તબાદલા-એ-આબાદી માટેનો આગ્રહ રાખતા હતા. પરંતુ ગાંધીજીના મહત્માપણાની જીદ્દ અને નહેરુની દુનિયામાં સુઘડ ચહેરા માટેની આકાંક્ષાઓ.. ઝીણાની સર્વોચ્ચ પદે આસિન થવાની કોમવાદી અપેક્ષાઓએ અખંડ ભારત સાથે માનવતાની કરપીણ હત્યા થઈ. એક અંદાજ પ્રમાણે, 10 લાખથી વધારે લોકોએ ખંડિત આઝાદીના પ્લાન ઓફ પાકિસ્તાન માટે જીવ ગુમાવ્યા હતા. કદાચ માનવ ઈતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં કોમવાદી હિંસાના ગણ્યાગાંઠયા કિસ્સાઓ છે. તો ભારતની ખંડિત આઝાદીને કારણે બેથી અઢી કરોડ વચ્ચે લોકો વિસ્થાપિત થયા, જે બીજા વિશ્વયુદ્ધ બાદ ઈતિહાસનું સૌથી મોટું વિસ્થાપન છે.
અખંડ ભારતની હત્યા.. 10 લાખથી વધારે લોકોના નરસંહાર… લાખો લોકોના વિસ્થાપન અને ત્યારથી અત્યાર સુધીના રક્તરંજિત ઈતિહાસની જવાબદારી કોની છે… કોણ જવાબદાર છે…. સનાતન ભારતના ઈતિહાસના લોહીથી ખરડેલા કાળા પૃષ્ઠો માટે.. શું મોહમ્મદ અલી ઝીણાની કોમવાદી મહત્વકાંક્ષાઓ જવાબદાર છે… શું આઝાદી માટે થાકી ગયેલી કોંગ્રેસના ઉંમરલાયક નેતાઓ જવાબદાર છે…. શું નહેરુની વડાપ્રધાન બનવાની કોઈ મહેચ્છા કારણભૂત હતી.. શું સરદાર પટેલની આમા કોઈ વ્યવહારીક દ્રષ્ટિની ભૂમિકા હતી…. શું જેહાદી માનસિકતા સાથેનો મુસ્લિમ અલગતાવાદ… કે સંકુચિત હિંદુ રાષ્ટ્રવાદી હરકતો જવાબદાર હતી કે… એકતા માટે તુષ્ટિકરણની ગાંધીજીના અહિંસક મહાત્માપણાને જવાબદાર ગણવું…આ નિર્ણય ઈતિહાસના માર્ગદર્શનમાં ભારતે અને ભારતના લોકોએ કરવાનો છે… પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી બનેલા બાંગ્લાદેશે પણ વિચારવાનું છે.. એક જ લોહી.. એક જ વારસો… એક જ પૂર્વજો.. છતાં અલગ કેમ થવું પડયું… હજું આપણે અલગ કેમ છીએ.. અને એક થવા માટે શું કરવું જોઈએ…