1. Home
  2. revoinews
  3. અખંડ ભારત બનશે હકીકત : 15 અગસ્ત કા દિન કહેતા, આઝાદી અભી અધૂરી હૈ…!
અખંડ ભારત બનશે હકીકત :  15 અગસ્ત કા દિન કહેતા, આઝાદી અભી અધૂરી હૈ…!

અખંડ ભારત બનશે હકીકત : 15 અગસ્ત કા દિન કહેતા, આઝાદી અભી અધૂરી હૈ…!

0
Social Share
  • આનંદ શુક્લ

15 અગસ્ત કા દિન કહેતા-

આઝાદી અભી અધૂરી હૈ.

સપને સચ હોને બાકી હૈ,

રાવી કી શપથ ન પૂરી હૈ.

15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં એકતાવાળું એકાત્મ ભારત ખંડિત બન્યું. દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત અને જિન્નાની જીદ્દ તથા તત્કાલીન નેતાઓની મહત્વકાંક્ષાઓ અને રાજકીય ઉદાસિનતાને કારણે સદીઓથી એકાત્મ રહેલું રાષ્ટ્ર મજહબી આધારે ખંડિત બન્યું છે. આજે આઝાદીના 72 વર્ષ વિત્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન ક્યાં આવીને ઉભા છે? ભારતે પાકિસ્તાન સાથે ત્રણ અને ચીન સાથે એક પારંપરિક યુધ્ધ કર્યું છે. જ્યારે પાકિસ્તાન સાથે કારગીલમાં મર્યાદિત યુધ્ધ પણ કરવું પડયું છે.

1971માં ઝીણાનો દ્વિરાષ્ટ્રવાદ નિષ્ફળ-

1971ના યુધ્ધમાં દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંતને નિષ્ફળ સાબિત કરીને પૂર્વ પાકિસ્તાનના અલગ થવાથી બાંગ્લાદેશની રચના થઈ હતી. આજે બાંગ્લાદેશ ગરીબી અને અસ્થિરતાની સમસ્યા સાથે જીવી રહ્યું છે. ભારતમાં કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની સંડોવણી અને દોરીસંચાર થકી આતંકવાદ ચાલી રહ્યો છે. મુંબઈની 26/11ની આતંકવાદી ઘટનાના ઘાવ હજી પણ રુઝાયા નથી. ભારત અને ભારતીય રાષ્ટ્રીય પ્રવાહના દ્રોહ પર, તેના વિરોધના પાયા થકી રચાયેલા પાકિસ્તાનમાં રાજ્ય પ્રેરીત અને પ્રાયોજીત આતંકવાદથી ભારતમાં નિર્દોષોના રક્ત વહી રહ્યાં છે.

પાકિસ્તાનનું ન્યૂક્લિયર બ્લેકમેઈલિંગ-

જ્યારે 14મી ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદ થનારા પાકિસ્તાનમાં પણ તાનાશાહી શાસન, રાજકીય અસ્થિરતા અને અરાજકતા, તેમજ કટ્ટરપંથીઓ દ્વારા દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવાં ઈસ્લામિક આતંકવાદી સંગઠને અને તાલિબાનોની સમસ્યાએ પણ માથું ઉચક્યું છે. પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી આકાઓ દ્વારા પેદા કરવામાં આવેલા જેહાદી ઝનૂન થકી ઈસ્લામિક આતંકવાદનો ભસ્માસૂર પાકિસ્તાનને પણ રક્તરંજિત કરી રહ્યો છે. હાથના કર્યા હૈયે વાગ્યા હોવા સંદર્ભની કબૂલાત પાકિસ્તાની રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી ઝરદારી કેટલાક વર્ષો પહેલા કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર હોવાના કારણે ક્ષેત્રમાં પરમાણુ યુધ્ધનો ખતરો ઝળુંબી રહ્યો છે, કારણ કે પાકિસ્તાન ભારતને પારંપરિક યુધ્ધમાં હરાવી શકે તેવી સજ્જતા અને સ્થિતિ ધરાવતું નથી. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અસરહીન કરવી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના ભારત સરકારના નિર્ણય સામે પણ પાકિસ્તાન યુદ્ધ-જેહાદ સહીતના જાતભાતના હિંસાના ઈરાદા ધરાવતા બકવાસો પણ કરી રહ્યું છે. તેમા પરમાણુ શસ્ત્રોની ધમકી પણ સામેલ છે.

મહર્ષિ અરવિંદની અખંડ ભારતની ભવિષ્યવાણી-

અખંડ ભારત રાષ્ટ્રીય આકાંક્ષા

આ તમામ પરિસ્થિતિ જાણતા હોય કે તેની સંભવના જોતા હોય, તેમ 15મી ઓગસ્ટ, 1947ના દિવસે મહર્ષિ અરવિંદે તેમના જન્મદિવસ અને ભારતના પ્રથમ સ્વતંત્રતા દિને આપેલા સંદેશામાં ખંડિત ભારતને અખંડ બનાવવા માટે લોકોને આહ્વવાન કર્યું હતું. મહર્ષિ અરવિંદે કહ્યું હતું કે, “ભારત આજે સ્વતંત્ર થઈ ગયું છે, પરંતુ એકતા પ્રાપ્ત કરી નથી. લાગે છે કે હિંદુ અને મુસલમાનના સ્વરૂપમાં જૂનું કોમવાદી વિભાજન હવે તરલ રહ્યું નથી. પરંતુ તેમણે દેશના સ્થાયી રાજકીય વિભાજનનું ઠોસ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ છે. એ આશા રાખવી જોઈએ કે આ નિર્ધારિત બાબત હંમેશા માટે પથ્થરની લકીર નહીં બને, તેને એક અસ્થાયી આવશ્યકતા જ સમજવી જોઈએ, કારણ કે આ વિભાજન અસ્તિત્વમાં રહેશે તો ભારત ગંભીરપણે અશક્ત બની જશે, વિકલાંગ પણ બની જઈ શકે છે, સદા ગૃહ ક્લેશની સંભાવના ઉભી થઈ શકે છે. બની શકે કે નવું આક્રમણ થઈ જાય અને વિદેશી આધિપત્ય આવી જાય. બની શકે કે ભારતનો આંતરિક વિકાસ અને સમૃધ્ધિ સ્થગિત થઈ જાય અને રાષ્ટ્રો વચ્ચે તેની પ્રતિષ્ઠા ઓછી થઈ જાય, તેનું ભાગ્ય ફૂટી જાય. આ ન થવું જોઈએ. જે પ્રકારે પણ હોય, જેવું પણ હોય વિભાજન સમાપ્ત થવું જોઈએ. એકતા આવશ્યકતા છે અને તેને પ્રાપ્ત કરવી જોઈએ, કારણ કે ભારતની ભાવિ મહાનતા તેના જ ગર્ભમાં સમાયેલી છે.”

જો કે મહર્ષિ અરવિંદની અખંડ ભારતની વાત અકાટ્ય હોવા છતાં હાલ અસ્તિત્વમાં રહેલા ભારતની રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક એકતા આગામી સમયમાં અખંડ ભારતના સંકલ્પને હકીકત બનાવવામાં મદદગાર બની શકશે. નહીંતર ભૌગોલિક રીતે કદાચ અખંડ ભારત બની પણ જાય, પરંતુ તેમા ભારત અને ભારતના લોકોની ભાવનાઓ અસરહીન બને અથવા ગાયબ થઈ જાય તેવી શક્યતા છે. ભારતમાં સાત દાયકા સુધી ચાલેલો લઘુમતી તુષ્ટિકરણનો સેક્યુલારિઝમ એક આવી જ વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. ભારત-બાંગ્લાદેશ-પાકિસ્તાનના તમામ હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓની પૂજાપદ્ધતિ ભલે વિભિન્ન હોય, પરંતુ તેમની સંસ્કૃતિ અને સભ્યતા એક છે અને તે હિંદુ છે. આવી ભાવના માત્ર મુઠ્ઠીભર સુધી જ મર્યાદીત રહેવી યોગ્ય નથી. આ ભાવના તમામ સ્તરે આખા અખંડ ભારત તરીકે ઓળખાતા ભૂખંડમાં ફેલાવવાથી મહર્ષિ અરવિંદની ભવિષ્યવાણી સાબિત થઈ શકશે અને ચોક્કસ થશે.

અમેરિકાની દખલગીરી, મોદી અને મનમોહનસિંહ વચ્ચેનો તફાવત-

આજે ભારતની નજીકમાં અફધાનિસ્તાન-પાકિસ્તાન સરહદે અમેરિકા અને મિત્રદેશો તાલિબાનો સામે ભીષણ યુધ્ધ લડી ચુક્યા છે. હવે અમેરિકા અને નાટો થાકી હારીને અફઘાનિસ્તાન તાલિબાનોને સોંપીને કથિત શાંતિ પ્રક્રિયા હેઠળ વાતચીત કરીને બિલાડીને કદાચ દૂધના રખોપા સોંપવા માંગે છે. આના પછીની પરિસ્થિતિની આપણે કલ્પના કરી શકીએ છીએ. દક્ષિણ એશિયામાં અમેરિકાનો પ્રભાવ અને દોરીસંચાર વધ્યો છે. બની શકે કે ભારત અને પાકિસ્તાન પર અમેરિકા પોતાના આંતરરાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે તેમના સાર્વભૌમત્વને ખોરવી નાખવાની હદ સુધી પોતાનું દબાણ અને પ્રભાવ વધારી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત જમ્મુ-કાશ્મીરના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની મનસા વ્યક્ત કરીને કંઈક આવા જ સંકેત આપ્યા હતા. પરંતુ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢતાભર્યા વલણને કારણે અમેરિકાએ હવે ફેરવી તોળીને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાનો ઈન્કાર કર્યો છે.

આ પરિસ્થિતિ સામે થોડાક વર્ષો પહેલાની (2009-10ની) શર્મ-અલ-શેખની ઘટના અને બલૂચિસ્તાન મામલે વિવાદાસ્પદ સંયુક્ત નિવેદનના વિવાદને પણ યાદ કરી લઈએ. ઈજીપ્તના શર્મ-અલ-શેખમાં મુંબઈની આતંકવાદી ઘટનાના આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી વગર વાતચીત નહીં કરવાની રેકર્ડ વગાડનારા તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની સાથે બે કલાક જેટલી લાંબી વાતચીત કરીને વિવાદાસ્પદ સંયુક્ત નિવેદન પણ બહાર પાડયું હતું.

માનવામાં આવતું હતું કે ત્યારે હિડન એજન્ડા સાથે ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા તત્કાલિન અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનની યાત્રા પહેલા અમેરિકી પ્રભાવના દબાણ હેઠળ જ શર્મ-અલ-શેખમાં ભારતે પાકિસ્તાન સાથે શર્મનાક સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું. અફધાનિસ્તાનમાં 9/11નો બદલો લેવા માટે ખેલાઈ રહેલા યુધ્ધમાં પાકિસ્તાની સેનાની જરૂરત હોવાના કારણે બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ રહે અને તણાવ ઓછો રહે તો, પાકિસ્તાનને ભારતની સરહદે પોતાની સેના ખસેડવાનું બહાનું મળે નહીં, તે માટે જ અમેરિકા પોતાના હિતો માટે શાંતિના તથાકથિત પ્રયત્નો કરી રહ્યું હતું. હાલ પણ ટ્રમ્પની મધ્યસ્થતાની મનસા અને ઈચ્છા આવી જ અમેરિકન હિતોની સાધનાનું કારણ હતું. અમેરિકા હવે અફઘાનિસ્તાનમાંથી નીકળવા તાલિબાનો સાથે વાટાઘાટો કરવામાં પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે અને પાકિસ્તાનને ખુશ કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં મધ્યસ્થતાના ગાજરને લટકાવ્યું હતું. જો કે મોદી અને મનમોહનસિંહ વચ્ચેનો ભેદ આ બંને ઘટનામાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

અખંડ ભારતની પ્રક્રિયાગત બાબતો-

ત્યારે દક્ષિણ એશિયામાંથી અમેરિકી પ્રભાવને ઓછો કરવા માટે આવી પરિસ્થિતિઓના દબાણમાં આવ્યા વગર સ્વયંસ્ફૂરણાથી ભારત અને પાકિસ્તાને સહિયારી સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને સમજીને અખંડ ભારત માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવો જોઈએ, કે જેથી આ ક્ષેત્રના લોકો સૃમધ્ધિ, શાંતિ અને વિકાસનો ખરા અર્થમાં લાભ ઉઠાવી શકે. આમા ભારતમાં સાત દાયકાથી ચાલેલા સેક્યુલારિઝમના નામે કરવામાં આવેલી મુસ્લિમ તુષ્ટિકરણની ખિલાફત આંદોલન સાથે શરૂ થયેલી રાજકીય પરંપરાને સદંતર બંધ કરવામાં આવે અને હવે હિંદુઓને કોઈપણ પ્રકારે સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક-આસ્થાકીય બાબતોમાં બાંધછોડ કરવા માટે બાધ્ય કરવામાં આવે નહીં તેવી રીતે આવી પ્રક્રિયાને શરૂ કરીને આગળ વધારવામાં આવે. તેના માટે ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને મજબૂત કરવા માટે હિંદુઓની સામાજીક-સાંસ્કૃતિક એકતાને વધુ દ્રઢીભૂત કરવામાં આવે. અખંડ ભારત બને, પણ તેમા હિંદુઓ મુસ્લિમોની ધાર્મિક દાદાગીરને કદાપિ સરન્ડર નહીં થાય અને થવા જોઈએ નહીં. મુસ્લિમોને પણ તેમના અરબીકરણની જાણે-અજાણે થઈ રહેલી પ્રક્રિયાની જાણ કરીને ભારતીયકરણ તરફ વાળવાની પુરજોર કોશિશ કરવાની જરૂર છે. અખંડ ભારત માટે આવી પ્રક્રિયાગત બાબતોની શરૂઆત જરૂરી છે.

અખંડ ભારત દેશની ભૌગોલિક એકતાનો જ પરિચાયક માત્ર નથી, તે જીવનના ભારતીય દ્રષ્ટિકોણનો પણ પર્યાય છે. તેનાથી અનેકતામાં એકતાના દર્શન થાય છે. તેથી અખંડ ભારત કોઈ રાજકીય નારો નથી. અખંડ ભારત આ રાષ્ટ્રત્વના સંપૂર્ણ દર્શનનો મૂળાધાર છે. વિભાજન, યુધ્ધો, આતંકવાદ અને અપાર જાનમાલની હાનિના કારણે લોકોને ભારતની અખંડતાના અભાવના પ્રત્યક્ષ પરિણામો જોવા પડયા છે. તેથી જ બંને દેશોને ફરીથી એક બનાવવા માટેની ભૂખ પ્રબળ બનાવવી પડશે. યુગોથી ચાલી આવતી વિચારધારાઓના અંતર્પ્રવાહોને જોવાનો પ્રયત્ન કરીએ, તો ખબર પડશે કે ભારતીય રાષ્ટ્રીય ચેતના સદૈવ અખંડતા માટે પ્રયત્નશીલ રહી છે અને આ પ્રયત્નોમાં આપણે સફળ પણ થયા છીએ.

ઉત્તરમ્ યત્ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણ.

વર્ષ તદ્ ભારતમ્ નામ ભારતી યસ્ય સંતતિ:

પુરાણોમાં ભારતવર્ષની વ્યાખ્યા કેવળ ભૂમિપરક નહીં, પણ જનપરક અને સંસ્કૃતિપરક છે. ભૂમિ, જન અને સંસ્કૃતિને એકબીજાથી અલગ ન કરી શકાય. આ તમામની એકાત્મતાની અનુભૂતિથી રાષ્ટ્રનો સાક્ષાત્કાર થાય છે. રાષ્ટ્રીય અને એકાત્મ સંસ્કૃતિની આધારભૂત માન્યતાઓને અખંડ ભારતમાં સમાવેશ થઈ જાય છે. અટકથી કટક, કચ્છથી કામરૂપ, કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સંપૂર્ણ ભારતના કણ-કણ ને પુણ્યશાળી અને પવિત્ર જ નહીં, પણ આત્મીય માનવાની ભાવના અખંડ ભારતમાં અભિપ્રેત થાય છે. આ પુણ્યભૂમિ પર અનાદિકાળથી જે પ્રજા ઉત્પન્ન થઈ છે, તેમનામાં સ્થાન અને કાળક્રમ પ્રમાણે પૂજાપદ્ધતિ સહીતની ભિન્નતાઓ ગમે તેટલી હોય, પણ તેમના સંપૂર્ણ જીવનમાં મૂળભૂત એકત્વનું દર્શન અવશ્ય થાય છે.

અખંડતા ભારતની રાષ્ટ્રીય પ્રકૃતિ છે, જ્યારે ખંડિત ભારત વિકૃતિ છે. આજે વિકૃતિમાં આનંદાનુભૂતિનો ભ્રમ થાય, તો પણ વાસ્તવિક આનંદ તો અખંડ ભારત વગર દૂર જ રહેવાનો છે. જો આ સત્યને સ્વીકારીને અંત:સંઘર્ષ દૂર કરવામાં આવે તો જ અખંડ ભારત બનાવવાના પ્રયત્નોમાં એકતા અને બળ આવી શકે તેમ છે. અત્યારની વિપરીત પરિસ્થિતિમાં પણ અખંડ ભારતનું સપનું જોવું અને તેને યોગ્ય રસ્તે સાકાર કરવા માટેનો પ્રયત્ન કરવો કોઈ ગુનો નથી. જો જર્મની, ઓસ્ટ્રિયા, વિયેતનામ અને યમન એક થઈ શકતા હોય. દક્ષિણ-ઉત્તર કોરિયા ફરીથી એક થવા માટે પ્રયત્નો કરી ચુક્યા હોય, યુરોપના 25 દેશો યુરોપિયન યુનિયનના નેજા હેઠળ એક મંચ પર આવતા હોય,(તાજેતરમાં બ્રિટન ઈયૂમાંથી બહાર નીકળવાનો નિર્ણય કરી ચુક્યું છે) ત્યારે ભારત, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના અન્ય રાષ્ટ્રો એક બનવાનું સ્વપ્ન કેમ ન જોઈ શકે ? આઝાદીના પર્વ નિમિત્તે પ્રશ્ન ઉદભવે છે કે શું ભારત અને પાકિસ્તાન ફરીથી એક ન થઈ શકે ?

દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું હાલની પરિસ્થિતિમાં અશક્ય લાગી રહ્યું છે. જો કે ઈસ્લામિક કટ્ટરવાદ અને આતંકવાદની સમસ્યાને ઉકેલવામાં આવે અને ફરીથી સૌહાર્દનું વાતાવરણ તૈયાર કરવામાં આવે. સભ્યતા અને સંસ્કૃતિના તાંતણાને ફરીથી સજીવન કરવાનો મોકો આપવામાં આવે. આવી પ્રક્રિયા દરમિયાન એક ઈયૂ જેવા મહાસંઘની પરિકલ્પના પણ રજૂ કરી શકાય. જેમાં દક્ષિણ એશિયાના દેશો વચ્ચેના સંબંધો સ્વાભાવિકપણે મિત્રવત બને. જો કે આતંકીસ્તાન બની ચુકેલા પાકિસ્તાનના કારણે સાર્કની હાલત આપણે જોઈ શકીએ છીએ અને સાર્કની સ્થિતિ જ અખંડ ભારતની પ્રક્રિયામાં કઈ મોટી અડચણ છે, તેને પ્રતિબિંબિત પણ કરી જાય છે.

જો ભારતનું વિભાજન પાયાની ભૂલ હોય, તો બંને દેશોના લોકો ભેગા મળીને ભૂતકાળની મહાભયાનક ભૂલને સુધારી ન શકે ? ભૂલોને સુધારવાની પ્રક્રિયામાં માનવીય અહમો અને મૂર્ખતાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જો કે આ સપનું જોર-જબરદસ્તીથી સાકાર નહીં થઈ શકે. તેના માટે લશ્કરો કામમાં નહીં આવે, પણ ભૂતકાળની ભૂલો સુધારવા માટે આત્મમંથનની પ્રક્રિયા દ્વારા લોકોના હ્રદયપરિવર્તનની આવશ્યકતા છે. મુસ્લિમ લીગના નેતાઓ કે જેમણે ભારતની એકતામાં અનેકતા જોઈ અને દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત ઘડયા, પ્રાદેશિક રાષ્ટ્રવાદની અવધારણાને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે લોકોના માનસ વિષાક્ત બન્યા છે, તેમને ફરીથી હ્રદયપરિવર્તનની પ્રક્રિયા દ્વારા વિષવિહીન કરી શકાય તેમ છે. એક જન, એક રાષ્ટ્ર અને એક સંસ્કૃતિના જનસમૂહમાં પૂજા પધ્ધતિ અને પંથોના બદલાવવા માત્રથી રાષ્ટ્રીયતામાં કેવી રીતે પરિવર્તન થઈ શકે ?

ખંડિત ભારત એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર-

આ ધરતીને પુલકિત કરવા માટે તમામ વર્ગ, જાતિ અને પંથના લોકએ પોતાના ખૂન-પસીનાથી સિંચન કર્યું છે. ત્યારે હિંદુ અને મુસ્લિમને એક અલગ રાષ્ટ્ર માની લેવું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રને પાર પાડવા જેવું કામ છે. ભારતવર્ષની આઝાદી પ્રસંગે બીજા વિશ્વયુધ્ધમાં ખુવાર થયેલા બ્રિટન, યુરોપ અને અમેરિકા અખંડ ભારત થકી પોતાની સામે કોઈ પડકાર ઉભો થાય તેમ ઈચ્છતા ન હતા. જેના કારણે બ્રિટિશરોએ ભારતમાં પાન-ઈસ્લામિક મૂવમેન્ટને પ્રચારિત અને પ્રસારિત થવામાં સહાયતા પૂરી પાડી હતી. જેના થકી ભારતમાં પંથના નામે પૃથકતા ઉભી કરીને ઈતિહાસના વિકૃતિકરણ દ્વારા ભારત બહારથી પ્રેરણા મેળવીને સ્વતંત્રતાના યુધ્ધમાં એક જનસમૂહના મોટા હિસ્સાને દૂર રાખવામાં આવ્યો હતો.

તેમ છતાં એક વાત યાદ રાખવા જેવી છે કે ભારતવર્ષ મધ્યયુગીય બર્બરતા અને બ્રિટિશયુગની લુચ્ચાઈ થકી ખંડિત થયા બાદ પણ અખંડતાના બિંદુ પર સ્થિર થશે, જે આ રાષ્ટ્રની નિયતિ છે. કારણ કે તક્ષશિલા, નાનકાના સાહિબ, સિંધુ, ચટગાંવ અને ઢાકેશ્વરીના પોકારોને અણસૂના કરી શકાય તેમ નથી. એ તથ્યને બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ધમનીઓમાં એ જ રક્તસંચારિત થાય છે કે જે ભારતની રક્તવાહિનીઓમાં પ્રવાહિત થઈ રહ્યું છે.

અખંડ ભારત માટેના પ્રેરક ઉદાહરણ-

ઈઝરાયલ-

કેટલાંક પ્રસંગો પણ કહે છે કે ભારતનું વિભાજન એક અસ્થાયી રાજકીય વ્યવસ્થા માત્ર છે. યહુદીઓને તેમના દેશમાંથી ખદેડી મૂક્યાને 1800 વર્ષ જેટલો સમય થયો, પણ અનેક દમનકારી ઘટનાઓ બાદ પણ તેઓ તેમની માતૃભૂમિ ઈઝરાયેલમાં પોતના સ્વાધીન અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરી શક્યા છે. દ્રઢતા અને માનસિક બળના કારણે પેઢી દર પેઢી સદીઓ સુધી યહુદીઓના મનમંદિરમાં પ્રજવલિત રહેલા ઈઝરાયેલમાં પોતાના રાષ્ટ્રની પુનર્સ્થાપના માટેના અખંડદીપને કારણે તેમનું સ્વપ્ન સાકાર બની શક્યું હતું. યહુદીઓના ઘરોમાં ટંગાયેલા યેરુસલેમની વેલિંગ વોલના ચિત્ર અને આવતે વર્ષે યેરુસલેમમાં મળવાના દ્રઢસંકલ્પે તેમની ઈચ્છાઓની પૂર્તિ કરી તે સર્વવિદિત છે. ઈતિહાસના સમુદ્રમાં ગરકાવ થઈને પુનર્જીવત થયેલા આ રાષ્ટ્રની કથનીથી, અખંડ ભારતનું સ્વપ્ન વધારે દુષ્કર તો નથી ને ?

ઓસ્ટ્રિયા-

દ્વિતિય વિશ્વયુધ્ધમાં પરાજિત થયેલા ઓસ્ટ્રિયાને અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સે ચાર ભાગમાં વિભાજીત કર્યું હતું. પણ તેમ છતાં ઓસ્ટ્રિયાના લોકોની દ્રઢઈચ્છાશક્તિ અને ત્યાંના નેતાઓની સફળ કૂટનીતિના પરિણામે ઓસ્ટ્રિયા આજે સ્વતંત્ર અને એકીકૃત રાષ્ટ્ર છે.

યમન-

તો મૂડીવાદી ઉત્તર યમન અને કમ્યુનિસ્ટ દક્ષિણ યમન ત્રણ યુધ્ધો બાદપણ 1990માં ફરીથી એક બન્યા છે. તેમના એકીકરણ વખતે બંને દેશો વચ્ચે માથાદીઠ આવક અને વસ્તીના પ્રમાણમાં ઘણું મોટું અંતર હતું. જો કે યમનમાં હાલ બહારી શક્તિના હસ્તક્ષેપને કારણે ગૃહ યુદ્ધની સ્થિતિ છે.

જર્મની-

પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે યુધ્ધો કયારેય લડાયા નથી. પણ દ્વિતિય વિશ્વયુધ્ધ બાદ મિત્રદેશોએ 40 વર્ષ સુધી તેમને વિભાજીત અવસ્થામાં રાખ્યા હતા. પૂર્વ જર્મની પશ્ચિમ જર્મનીને ફાસિસ્ટ કહેતું હતું અને પશ્ચિમ જર્મની પૂર્વ જર્મનીને કમ્યુનિસ્ટ કહીને નફરત કરતું હતું. તેમની વચ્ચે ખટાશ એટલી હદે વધી ગઈ હતી કે સોશ્યાલિસ્ટ યુનિટી પાર્ટીએ પશ્ચિમ જર્મનીના ફાસિઝમ સામે રક્ષણ માટે રાજધાની બર્લિનમાં દિવાલ ચણાવી દીધી હતી. જો કે યુરોપમાં યુધ્ધખોરી વિરુધ્ધના પવન અને રાજકીય પીઢતાના પરિણામે કદી ન તૂટનારી બર્લિનની દિવાલ આજે અસ્તિત્વમાં નથી અને બંને જર્મનીનું ફરીથી એકીકરણ થઈ ચૂકયું છે.

વિયતનામ-

ઉત્તર અને દક્ષિણ વિયેતનામ વચ્ચે ઘણાં લાંબા સમય સુધી લાંબા યુધ્ધો ચાલ્યા હતા. 1960થી 1975 વચ્ચે અમેરિકાએ વિયેતનામ યુધ્ધમાં હસ્તક્ષેપ કરીને પોતાની સેના ઉતારી હતી. જો કે તેમાં તેના ધણાં સૈનિકો માર્યા ગયા હતા. આટલા મોટાં જનસંહાર બાદ પણ કૂટનીતિ અને રક્તરંજિત ઈતિહાસને રૂખસદ આપવાની લોકોની તૈયારી તથા નેતાઓની તેને અનુકૂળ નીતિના પરિણામે હાલ સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામ અસ્તિત્વમાં આવી શક્યું છે.

ઉત્તર-દક્ષિણ કોરિયા

દ્વિતિય વિશ્વયુધ્ધ બાદ ઉત્તર કોરિયા પર સોવિયત યુનિયન અને દક્ષિણ કોરિયા પર અમેરિકાએ નિયંત્રણ સ્થાપ્યું હતું. બંને ભૂ-ભાગોએ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ અલગ વિચારધારા અને જીવનપધ્ધતિ અપનાવી છે. તેમની વચ્ચે થયેલા હિંસાચારમાં અંદાજે ચાલીસ લાખથી વધારે લોકો મોતને ભેટયા છે. ત્યારે તણાવ અને છમકલાઓ વચ્ચે પણ બંને દેશો વચ્ચે દુશ્મની ખતમ કરીને ફરીથી એકીકરણ માટેની વાટાઘાટો હાથ ધરવાની કોશિશો કરવામાં આવી હતી.

યુરોપિયન યુનિયન-

ઈમ્યુનલ કાંત નામના તત્વચિંતકે 1795માં સ્વતંત્ર દેશોના ફેડરેશનને વૈશ્વિક શાંતિ માટે આવશ્યક ગણાવ્યું હતું. પણ તે વખતે તેણે વિચાર્યુ પણ નહીં હોય કે 198 વર્ષ બાદ 25 જેટલા યુરોપીયન દેશો એકબીજાની નજીક આવીને યુનિયન બનાવશે. તે વખતે તો યુધ્ધગ્રસ્ત યુરોપની એકતા માત્રને માત્ર તત્વચિંતકના મનનું સ્વપ્ન હતી. ફ્રાન્સ અને જર્મની વચ્ચે સત્તરમી સદીથી 1945 સુધી અનેક યુધ્ધો થયા હતા. બંને દેશોના પાડોશી દેશો તેમની વચ્ચેના ભીષણ યુધ્ધના ઓથાર નીચે જીવી રહ્યાં હતા. જેના કારણે યુરોપમાં બે મહાયુધ્ધો પણ થયા હતા. પણ યુરોપીયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટી દ્વારા 1951માં અપાયેલા સ્કૂમન પ્લાને યુરોપમાં યુધ્ધ અસંભવ બનાવી દીધુ હતું. ત્યાર બાદ આવેલી યુરોપીયન ફ્રી માર્કેટની સંકલ્પનાથી નાગરિકો, સરસામાન અને સેવાઓનું મુક્ત આવા-ગમન શક્ય બન્યું હતું. 1957માં રોમ સંધિ દ્વારા યુરોપિયન ઈકોનોમી કોમ્યુનિટી (ઈઈસી) અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારબાદ ઈઈસીમાંથી યુરોપિયન યુનિયન(ઈયુ) અસ્તિત્વમાં આવ્યું છે. યુરોપિયન યુનિયને પારસ્પરિક અવલંબન અને આંતરિક ગુંથણીવાળા અર્થતંત્ર દ્વારા યુરોપમાં શાંતિની પ્રસ્થાપના કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હાલમાં યુરોપિયન યુનિયનના અર્થતંત્રના એકીકૃતની કડીથી આગળ વધીને સમાન સંરક્ષણ, સમાન વિદેશ નીતિ અને સમાન કરન્સી અપનાવી છે. જો જનમતમાં યુરોપિયન યુનિયનના લોકો હકારાત્મક પ્રતિસાદ આપે તો તેમનું સમાન બંધારણ પણ અસ્તિત્વમા આવે. દ્વિતિય વિશ્વયુધ્ધના 60 વર્ષો બાદ યુરોપિયન યુનિયન થકી યુરોપના તમામ દેશોના સંરક્ષણ બજેટમાં ઘટાડો થયો છે. આ નાણાં જનવિકાસ માટે વપરાઈ રહ્યાં છે. ત્યારે યુરોપિયન યુનિયન દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર સમૂહના દેશોમાં એકતા અને શાંતિ માટે રોલ મોડલ બની શકે તેવી સંભાવના જાણકારો જોઈ રહ્યાં છે. જો કે હવે યુરોપિયન યુનિયનમાં પણ બ્રેક્ઝિટ પછી કેટલાક તડા જોવા મળી રહ્યા છે. પરંતુ એક શરૂઆત અને કોશિશ તો ચોક્કસ જોવા મળી છે.

સાર્ક દ્વારા કોશિશ-

સાઉથ ઈસ્ટ એશિયન નેશન-આસિયાન પરથી પ્રેરિત થઈને સાઉથ એશિયન એસોશિયેશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન (સાર્ક) 1985માં અસ્તિત્વમાં આવ્યું છે. સાર્કમાં 2000માં કોલંબો સમિટ દરમિયાન 2010 સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, 2015 સુધીમાં કસ્ટમ યુનિયન, 2020 સુધીમાં ઈકોનોમિક યુનિયનની સંભાવના દર્શાવતો દસ્તાવેજ રજૂ કરાયો હતો. ઈસ્લામાબાદ ખાતેની સાર્ક સમિટમાં સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયાના ફ્રેમ વર્કની સંધિ પર હસ્તાક્ષર થયા હતા. જે પહેલી જાન્યુઆરી,2006થી અસ્તિત્વમાં આવનાર હતી. પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ખટાશ અને અન્ય કેટલાંક કારણોને કારણે સાર્કને તેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે હજી ધારી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી. પાકિસ્તાનની આતંકી આડોડાઈ સાર્કને નિષ્ફળ બનાવી રહી છે.

ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લચીલો મહાસંઘ બને તે માટેની પૂર્વભૂમિકા તૈયાર કરીને સંરક્ષણ, પરિવહન, વેપાર અને વિદેશી બાબતો દ્વારા નિકટતા સાધવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે. આવું ન બને ત્યાં સુધી પાકિસ્તાન સિવાયના સાર્ક દેશો અને બિમ્સટેક જેવી કોશિશો શરૂ કરવી એક પ્રશંસનીય કૂટનીતિક પહેલ છે. આજે તો આ સપનું છે, પણ યથાર્થ ગમે તેટલું કડવું હોય, તો પણ સપનું જોવાનું અને તેને સાકાર કરવાના સંકલ્પને છોડી શકાય તેમ નથી.

અખંડ ભારત ક્યારે હકીકત બનશે?-

અખંડ ભારતના સપના સંદર્ભે વાંધો વ્યક્ત કરનારાઓ કે તેને અપ્રસ્તુત ગણનારા લોકોની ભારતમાં અછત બિલકુલ નથી. આની પાછળ પાકિસ્તાનની ઈસ્લામિક કટ્ટરવાદ અને આતંકવાદની દાદાગીરીની કોશિશો જવાબદાર છે. તો સામે છેડે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આ બાબતે કોઈ વૈચારિક સળવળાટ દેખાતો નથી. જેના કારણે અખંડ ભારત સિધ્ધ થશે કે નહીં જેવી શંકાઓ પરાભૂત મનોવૃતિવાળા લોકો પર પ્રભાવી બની ગઈ છે. અર્ધશતાબ્દિના ઈતિહાસ અને પ્રયત્નશીલતાની અસફળતાથી દબાઈ ગયેલા લોકોમાં ઉપર ઉઠવાની હિંમત રહી નથી. 1947માં કોંગ્રેસની હિંદુ-મુસ્લિમ એકતાના તુષ્ટિકરણ થકીના પ્રયત્નોનો પરાજય અને મુસ્લિમ લીગની પૃથકતાવાદી નીતિઓનો  14મી ઓગસ્ટે પાકિસ્તાના અસ્તિત્વથી વિજય થયો હતો. ત્યાર પછી તૂટેલી હિંમતવાળા લોકોએ આ પરાજયને સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરી જોયો છે, પણ આ પરાજય સ્થાયી થવો અસંભવ છે. રાષ્ટ્રની પ્રકૃતિથી પ્રતિકૂળ બનીને ચાલવું કોઈપણ માટે અશક્ય છે. ગત વર્ષની કષ્ટકારક પરંપરાઓનું કારણ રાષ્ટ્રની અખંડતાની પ્રકૃતિની પ્રતિકૂળ ચાલવાની આત્મઘાતી પ્રવૃતિનું પરિણામ છે. અખંડ ભારત દેશની, રા્ષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે આપણે કોઈ ખોટા ઉદેશ્યને કારણે કંઈ અસફળ નથી થયા, પણ આપણે આપણા સાધ્ય માટે ખોટું સાધન પસંદ કર્યું છે. જે આપણી અસફળતાનું મુખ્ય કારણ પણ બન્યું છે. સદોષ સાધનને કારણે સાધ્યની સિધ્ધિ ન થાય, તો બાદમાં સાધ્ય ક્યારેય ત્યાજ્ય અને અવ્યવહારિક બનતું નથી.

દિન દૂર નહીં ખંડિત ભારત કો

પુન: અખંડ બનાયેંગે .

ગિલગિટ સે ગારો પર્વત તક

આઝાદી પર્વ માનાયેંગે.

જો કે કાશ્મીર વગર પાકિસ્તાનને અધૂરું માનનારાઓને વિધેયક સંદેશ આપવો જોઈએ કે પાકિસ્તાન વગરનું ભારત પણ અધૂરું છે, ખંડિત છે. અનેક રાષ્ટ્રભક્તોએ આઝાદી વખતે અખંડ ભારત માટે જ બલિદાનો આપ્યા હતા. આજે પણ અખંડ ભારતનું સ્વપ્ન જોનારા રાષ્ટ્રભક્તો જ હોઈ શકે છે. જો કે જ્યાં સુધી પાકિસ્તાન અલગ છે, ત્યાં સુધી આતંકવાદ અને અન્ય મુદ્દાઓ સંદર્ભે દ્રઢ નીતિ અખત્યાર કરવી પડશે. કમજોર નીતિ ક્યારેય ઉદાર નીતિનો પર્યાય બની શકતી નથી. તેના ખોટા અર્થઘટનો પાકિસ્તાન દ્વારા થાય છે. જો કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સમૃધ્ધિ માટે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર બને તે જ એક માત્ર ઉકેલ છે. કદાચ અખંડ ભારતની રચના માટેની પ્રક્રિયા અને તેનો પ્રકાર અલગ હોઈ શકે, કારણ કે અખંડ ભારતની સંકલ્પના શાશ્વત છે. સોવિયત યુનિયનમાં તેના સ્વભાવ વિરુધ્ધ કમ્યુનિસ્ટ વિચારધારા તળે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળા રાષ્ટ્રોને એક કરવામાં આવ્યા હતા. તેની પરિસ્થિતિ MANY NATIONS UNDER ONE STATE હતી. જો કે 80 વર્ષના સમયગાળામાં સોવિયત યુનિયન વિખંડિત અવસ્થામાં આવી ગયું છે. તેનું કારણ સોવિયત યુનિયનના દેસોની પ્રકૃતિ એકાત્મતાવાળી ન હતી. જ્યારે ભારતવર્ષની પ્રકૃતિ એકાત્મ રાષ્ટ્રની છે. તેને ખંડિત કરવા છતાં તેનું ભાવિ અખંડતા જ છે.

માટે જ-

ઉસ સુવર્ણ દિવસ કે લિયે આજ સે

કમર કસેં, બલિદાન કરે.

જો પાયા ઉસમેં ખો ન જાયે.

જો ખોયા ઉસકા ધ્યાન કરે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code