કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું.
રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. રવિવારે મોડી સાંજે આખું મંદિર સાફ થઈ ગયું.
કેરળમાં પૂરનો પ્રકોપ હજી પણ ચાલુ રહેવાની આશંકા છે. કેરળના ડિજાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, 8 ઓગસ્ટથી 11 ઓગસ્ટની વચ્ચે 72 લોકોના મોત નીપજ્યા છે, 58 લોકો ગુમ થયા છે, જ્યારે 32 લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે.
કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહીત દેશભરના ઘણાં રાજ્યોમાં પૂરને કારણે તબાહી સર્જાઈ છે. પૂરને કારણે અત્યાર સુધીમાં નવ રાજ્યોમાં 221થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે. હવામાન વિભાગે કેરળમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતાઓને લઈને આગાહી કરી છે.