કારગીલ વિજય દિવસે આક્રાંતાઓને તુર્કી-અરબસ્તાનમાં ઘૂસીને મારનારા કાશ્મીરી સમ્રાટ લલિતાદિત્યને કરીએ યાદ
ભારત પરાક્રમી શૂરવીરોની ધરતી છે. કારગીલ વિજય દિવસ પણ આની સાબિતી અને સ્મૃતિ બંને છે. કારગીલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી બાદ સતત 60 દિવસો સુધી બલિદાનોની હેલી દ્વારા ભારતીય સેના અને વાયુસેનાએ અપ્રતીમ બહાદૂરી સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયની મોટી કિંમત પણ ચુકવવી પડી હતી. લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા યુદ્ધમાં ભારતના 527થી વધી બહાદૂર સૈન્ય અધિકારીઓ અને સૈનિકોએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. આ યુદ્ધમાં અન્ય 1300 જવાનો ઈજાગ્રસ્ત પણ થયા હતા. કારગીલ યુદ્ધની એ વિશેષતા હતી કે ભારતીય સેના અને વાયુસેનાએ એલઓસી ક્રોસ કરી ન હતી અને પાકિસ્તાની ઘૂસણખોરોની સામે લડાઈ લડી હતી. જેને કારણે ભારતીય સેનાએ આની મોટી કિંમત પોતાના બહાદૂરોના બલિદાનોથી ચુકવી હતી.
પરંતુ કારગીલ વિજય દિવસે કાશ્મીરના મહાન સમ્રાટ લલિતાદિત્ય મુક્તીપીડને પણ યાદ કરવા પડે કે જેમણે તુર્ક અને અરબી આક્રમણખોરોને તેમના દેશમાં જઈને પાઠ ભણાવ્યો અને તેમના વિસ્તારો પણ પોતાના રાજ્યોમાં ભેળવી દીધા.
સમ્રાટ લલિતાદિત્યની ભારતમાં સ્કૂલોમાં ભણાવવામાં આવતા ઈતિહાસમાં મુસ્લિમ-મુઘલોની વંશાવલીમાં કોઈ ખાસ ચર્ચા થતી નથી. પરંતુ સમ્રાટ લલિતાદિત્યની ચર્ચા એટલા માટે ખાસ બને છે કે ભારતની બહાર જઈને આક્રમણખોરોને ખતમ કરવાની પ્રાચીન ભારતની પરંપરા તેમણે જીવંત રાખી હતી.
ભારતમાં 712માં મુહમ્મદ બિન કાસિમે આક્રમણ કરીને મુલ્તાન-સિંધ પર કબજો કર્યો હતો. તેના પછી 1000થી 1025 સુધીના સમયગાળામાં મહમૂદ ગઝનવીએ સતત આક્રમણ કરીને ભારતની અજય છબીને આઘાત પહોંચાડયો હતો. પરંતુ 712થી 1000 સુધીના લગભગ પોણા ત્રણસો વર્ષના સમયગાળામાં વિદેશી આક્રમણખોરોએ ભારતની ધરતી પર પગ મૂકવાની હિંમત કેમ કરી ન હતી?
મુહમ્મદ બિન કાસિમના આક્રમણ છતાં ભારત ત્રણસો વર્ષ જેટલા સમયગાળા સુધી વિદેશી આક્રમણોથી મુક્ત રહ્યું, તેની પાછળનું કારણ માત્ર ઉમય્યિદ ખલીફાનું પતન જ હતું? ભારતમાં બપ્પા રાવલ અને લલિતાદિત્ય એવા યોદ્ધાઓ હતા કે જેમના શૌર્યના કારણે ભારત વિદેશી આક્રમણખોરોથી મુક્ત રહી શક્યું હતું. બપ્પા રાવલની વીરતા અફઘાનિસ્તાન, ઈરાન સુધી ગુંજતી હતી. તો કાશ્મીરના કાર્કોટા વંશના મહાન સમ્રાટ લલિતાદિત્ય મુક્તપીડનું શૌર્ય મધ્ય એશિયા સુધી ગુંજ્યું હતું. લલિતાદિત્યે અરબી અને તુર્કી આક્રમણખોરોને તેમના સામ્રાજ્યમાં ઘૂસીમાં પછાડયા હતા.
લલિતાદિત્ય સંદર્ભે પ્રસિદ્ધ કવિ કલ્હણના પુસ્તક રાજતરંગિણીમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેના સિવાય ફતેહનામા સિંધ અને અલ બેરુનીના તારીખ-એ-હિંદમાં પણ વીર લલિતાદિત્યના અદમ્ય શૌર્યના ઉલ્લેખ છે. લલિતાદિત્યની ખ્યાતી ચીન સુધી ફેલાયેલી હતી, કારણ કે ચીનના ટેંગ વંશનો ઉલ્લેખ કરતા પુસ્તક જિંગ ટેંગ શુમાં પણ તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લલિતાદિત્યની ગૌરવગાથાનો પ્રારંભ કાર્કોટ રાજવંશની સ્થાપના સાથે થાય છે. કાર્કોટ વંશના સંસ્થાપક તેમના પૂર્વજ દુર્લભવર્ધન હતા. તેઓ ગોન્દડિયા વંશના આખરી શાસક બાલાદિત્યને ત્યાં એક અધિકારી હતા. તેમની કર્તવ્યનિષ્ઠ સેવાથી પ્રસન્ન થઈને બાલાદિત્યે પોતાની પુત્રી અનંગલેખાના લગ્ન તેમની સાથે કરાવ્યા હતા.
રાજાશાહી સાથે કોઈ સંબંધ નહીં હોવા છતાં દુર્લભવર્ધનને પોતાના જમાઈ તરીકે સ્વીકારવામાં રાજા બાલાદિત્યને કોઈ વાંધો ન હતો. દુર્લભસેનના વંશજોમાંથી એક પ્રતાપાદિત્ય તથા તેમના ધર્મપત્ની નરેન્દ્રપ્રભાના નાના પુત્ર હતા લલિતાદિત્ય. તેમને મુક્તપીડના નામે પણ ઓળખવામાં આવતા હતા. તેમના મોટાભાઈઓ પણ હતા. તેમના નામ ચંદ્રપીડ ઉર્ફે વજ્રાદિત્ય અને તારાપીડ ઉર્ફે ઉદયાદિત્ય હતા. તેઓ લલિતાદિત્ય પહેલા કાસ્મીરના શાસક હતા.
બાળપણથી જ લલિતાદિત્ય સાહસ અને પરાક્રમની પ્રતિમૂર્તિ હતા. તેમનું માત્ર એક ધ્યેય હતું કે પોતના રાજ્યને સુરક્ષિત રાખવું અને વિશ્વભરમાં તેનો વિસ્તાર કરવો. વર્ષોના અથાગ પરિશ્રમ અને શિસ્તબદ્ધતાથી મેળવેલી તાલીમને કારણે લલિતાદિત્ય મહીનાઓ અને વર્ષો સુધી યુદ્ધમાં થાક્યા વગર વ્યસ્ત રહી શકતા હતા. આ અરબી આક્રમણખોરોના સ્વભાવથી સંપૂર્ણપણે પરિચિત હતા અને તેઓ સારી રીતે જાણતા હતા કે જો તેઓ પોતાની આત્મરક્ષા માટે એક સશક્ત સેના નહીં બનાવે, તો શત્રુઓને તેમની ભારતભૂમિને ટુકડા-ટુકડામાં વિખેરી નાખવામાં વધુ સમય લાગશે નહીં.
લલિતાદિત્યે કમ્બોજ, તુખારસ એટલે કે તુર્કમેનિસ્તાનમાં તુર્ક અને બદખ્શાંમાં તોચરાન, ભૂટા એટલે કે બાલ્ટિસ્તાન અને તિબેટ તથા દારદાસ (ડારસ)ના આક્રમણખોરોને તેમણે સીધા યુદ્ધમાં પરાસ્ત કર્યા હતા.
પ્રસિદ્ધ ઈતિહાસકાર રમેશચંદ્ર મજૂમદારના ઐતિહાસિક પુસ્તક પ્રાચીન ભારત પ્રમાણે, લલિતાદિત્ય સમક્ષ સૌથી પેહલો પડકાર યશોવર્મન તરફથી આવ્યો. યસોવર્મન પુષ્યભૂતિ વંશના વિખ્યાત શાસક સમ્રાટ હર્ષવર્ધનના વારસદાર માનવામાં આવતા હતા. લલિતાદિત્યે યશોવર્મનના રાજ્ય અંતર્વેદી પર આક્રમણ કર્યું અને એક ભીષણ યુદ્ધમાં યશોવર્મનને શાંતિ માટેની વાટાઘાટો માટે મજબૂર કર્યા હતા. આ અંતર્વેદી રાજ્યની રાજધાની કાન્યકુબ્જ એટલે કે આજનું કન્નૌજ હતું.
લલિતાદિત્ય યશોવર્મનને હરાવીને વિધ્યાંચલની તરફ આગળ વદ્યા અને ત્યાં કર્ણાત વંશના મહારાણી રત્તા મળ્યા. રત્તાની સમસ્યાને જોતા કર્ણાત વંશની લલિતાદિત્યે વિદેશી આક્રમણખોરોથી સુરક્ષા કરી અને તેમની સમક્ષ મિત્રતાનો હાથ પણ લંબાવ્યો હતો. ઘણાંનું માનવું છે કે રત્તા કોઈ બીજું નહીં, પણ રાષ્ટ્રકૂટ વંશના રાણી ભવાંગના જ હતા. ઘણી લોકકથાઓ પ્રમાણે, મેવાડના વીર યોદ્ધા બપ્પા રાવલ લલિતાદિત્યના પરમમિત્ર હતા. બંનેએ સાથે મળીને ઘણા વિદેશી આક્રમણખોરોને ધૂળ ચટાડી હતી.
વિંધ્યાચલની સુરક્ષા ઉપરાંત લલિતાદિત્યે ઉત્તર તરફ ધ્યાન કેન્દ્રીયકરીને લડાખ અને તિબેટને પોતાને આધિન કરી લીધા હતા. આ સમયગાળાની આશપાસ મુહમ્મદ બિન કાસિમે મુલ્તાન પર આક્રમણ કર્યું હતું. આરબ આક્રમણખોરોનું લક્ષ્ય ભારતને ઈસ્લામને આધિન કરવાનું હતું.
અલ બરુનીએ પોતાના પુસ્તકમાં જણાવ્યુ છે કે બુખારાના સંચાલક મોમિનને કાશ્મીરી રાજા મુથાઈએ હરાવ્યો હતો. મુથાઈની ઓળખ મુક્તપીડ તરીકે કરવામાં આવે છે, જે લલિતાદિત્યનું બીજું નામ હતું. કદાચ પામીર ક્ષેત્ર પર તેમનું અભિયાન વિજયી રહ્યું હતું. અહીં વિજય મેળવ્યા બાદ તેમમે અરબી આક્રમણખોરોના મર્મસ્થાન પર આક્રમણ કર્યું હતું.
આરબો પર વિજય એટલો સરળ ન હતો. લલિતાદિત્યે વીરતા સાથે કૂટનીતિનો પણ ઉપયોગ કર્યો હતો. તેમમે ચીનના તાંગ રાજવંશનો સંપર્ક કર્યો હતો. તે સાતમી સદીમાં ચીનમાં સત્તામાં હતો. લલિતાદિત્યે આરબો અને તિબેટીઓ વિરુદ્ધની લડાઈમાં તાંગ રાજવંશને પોતાની તરફ રાખવામાં સફળતા મેળવી હતી. બંનેએ મળીને તિબેટીઓને હરાવ્યા અને તેની સાથે હાલના બંગાળ-બાંગ્લાદેશ અને અન્ય પૂર્વીય વિસ્તારો પર પણ પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતું.
તેમણે તુર્કેસ્તાનંદ ટ્રાન્સોક્સિયાના પર પણ વિજય મેળવ્યો હતો. જે મધ્ય એશિયા એટલે કે આધુનિક ઉઝ્બેકિસ્તાન, તાજિકિસ્તાન, દક્ષિણ કિર્ગિસ્તાન અને દક્ષિણ-પશ્ચિમ કજાકિસ્તાન હતા. તેના પછી લલિતાદિત્યે કાબુલના માર્ગે તુર્કીસ્તાન પર આક્રમણ કર્યું. ચાર ભીષણ યુદ્ધ થયા અને ચારેય યુદ્ધમાં લલિતાદિત્યને જીત મળી હતી. મોમિનને બુખારામાં પરાસ્ત કર્યો. મોમિનને હરાવીને લલિતાદિત્યે પોતાના રાજ્યની સરહદો કેસ્પિયન સાગર સુધી વિસ્તારી હતી. જે કાળાંતરે કારાકોરમ પર્વત શ્રૃંખલાના ખૂણા સુધી પહોંચી. લલિતાદિત્ય આરબો પ્રત્યે ખૂબ આક્રોશ ધરાવતા હતા અને તેને કારણે તેમને હરાવ્યા બાદ તેમના અડધા માથા મુંડાવી દેતા હતા.
ઉત્તરમાં તિબેટથી લઈને દક્ષિણમાં દ્વારકા, પૂર્વમાં ઓડિશાના સાગર તટ સુધી, બંગાળ વગેરે, પશ્ચિમમાં વિદિશા અને મધ્ય-એશિયા સુધી લલિતાદિત્યે કાશ્મીર રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેમણે પ્રકરસેન નગરને રાજધાની બનાવી હતી. લલિતાદિત્યની સેના ઈરાન સુધી પહોંચી ચુકી હતી.
લલિતાદિત્ય એક કુશળ યોદ્ધા હોવાની સાથે ભવ્ય નિર્માણકર્તા પણ હતા. તેમના સૌથી ભવ્ય નિર્માણોમાંથી એક હતું માર્તંડ સૂર્ય મંદિર તેને આગળ જતા ક્રૂર આક્રાંતા અને શાહ મિરી વંશના સુલ્તાન સિકંદર બુતશિકને તોડયું હતું. માર્તંડ સૂર્ય મંદિરની ખંડિત અવસ્થામાં પણ તેની ભવ્યતા દર્શાવે છે કે હકીકતમાં આ મંદિર કેટલું ભવ્ય રહ્યું હશે. ફિલ્મ હૈદરના એક ગીત બિસ્મિલ બિસ્મિલમાં કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિરનું ખંડેર જોવા મળે છે.
આ આપણું દુર્ભાગ્ય છે કે જે યોદ્ધાએ ભારતભૂમિને વિદેશી આક્રમણખોરોના આક્રમણોથી મુક્ત રાખી, જે યોદ્ધાએ કાશ્મીર અને ભારતના ગૌરવને વિશ્વભરમાં પ્રચારીત કર્યું, તેના સંદર્ભે આપણે ભારતના લોકો આજે પણ અજાણ છીએ। આનાથી મોટી વિડંબણા શું હશે કે આપણે આજે પણ હેર્મન ગોએટ્ઝ જેવા વિદેશી ઈતિહાસકારોથી પોતાના ઈતિહાસની પુષ્ટિ કરાવવી પડે છે, જેમણે કલ્હણના રાજતરંગિણીની લોકરીતિઓની પુષ્ટિ પણ કરી હતી.
લલિતાદિત્ય મુક્તપીડનું શૌર્ય અને સાહસ, સમ્માન અને સંસ્કાર, રણકૌશલ અને કૂટનીતિ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ નોંધાયેલા છે. પરંતુ દુર્ભાગ્યે એક સમયે આરબ અને તુર્કી આક્રમણખોરોને ડરાવનારા કાશ્મીરના શાસક લલિતાદિત્યની પવિત્ર ભૂમિ પર આતંકીઓ હિંસાનો નાચ કરી રહ્યા છે. કાશ્મીરને આતંકમુક્ત કરવું લલિતાદિત્યને ખરી સ્મરણાંજલિ છે. જો કે ઉરી આતંકી હુમલા બાદની સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા એટેક બાદ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવા શૌર્ય આવી દિશામાં આગળ વધતા પગલા છે. આશા રાખીએ કાશ્મીરને આતંકમુક્ત કરવાની રાજકીય ઈચ્છાશક્તિ વધુ પ્રબળ બને.