નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળમાં પીએમ મોદીની પ્રાથમિકતા જળ સંરક્ષણની છે. તેને લઈને તેમણે અભિયાન પણ શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર હર ઘર જળ, હર ઘર નળ- પહોંચાડવાને લઈને કમર કસી રહી છે. તેના માટે જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનો ઉદેશ્ય પાણીના સંરક્ષણની સાથે દરેકને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાનો પણ છે. પરંતુ સરકારની સામે સુકાતી નદીઓ, કુવા અને તળાવ મોટા પડકાર છે. તેની સાથે જ ભૂગર્ભજળનું સ્તર પણ બેહદ ખતરનાક સ્થિતિએ પહોંચી ચુક્યું છે. તાજેતરમાં નીતિ પંચના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે 2030 સુધીમાં 0 ટકા લોકોને પીવાનું પાણી સુદ્ધાં મળી શકશે નહીં.
મેગ્સેસે એવોર્ડ વિજેતા અને જળપુરુષ તરીકે મશહૂર રાજેન્દ્રસિંહે એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે દશ વર્ષ પહેલા દેશમાં પંદર હજાર નદીઓ હતી. આજે સાડા ચાર હજાર જેટલી નદીઓ સુકાઈ ચુકી છે. હવે આ નદીઓ વરસાદના દિવસોમાં જ વહે છે. ભૂગર્ભજળના ભંડાર 72 ટકાથી વધુ ખાલી થઈ ગયા છે. આ સમયે ભારતમાં માત્ર સપાટીના જળનું સંકટ જ નથી. પરંતુ ઘટતું ભૂગર્ભજળ પણ સૌથી મોટી સમસ્યાના રૂપમાં સંકટ બની ચુક્યું છે. ભૂગર્ભ ખાલી હોવાને કાણે પાણીનું સંકટ વધુ ઘેરું થઈ રહ્યું છે.
રાજેન્દ્રસિંહે કહ્યુ છે કે આજે 365 જિલ્લા અને 17 રાજ્યો પાણીના સંકટની સામે ઝઝૂમી રહ્યા છે. જો તેમને પાણીદાર બનાવવા છે, તો સામુહિક પણે પગલા ઉઠાવવા જરૂરી હશે અને કામ કરવું પડશે. જળ સુરક્ષા અધિકાર નિયમ બનાવવા પડશે. જ્યાં સધી કાયદા નહીં બને, જ્યાં સુધી લોકો પાણીને આવી જ રીતે લૂંટતા રહેશે. ધનવાન લોકો પાણીનો દુરુપયોગ કરશે અને ગરીબ લોકો પાણી વગરના થઈ જશે.
જળ સંરક્ષણનું કામ કરવું અને જળને અનુશાસિત બનીને વાપરવું આ બંને કામ સરકાર અને સમાજે સાથે મળીને કરવા પડશે. આની સફળતા ભારતને જળસંકટમાંથી ઉગારી શકશે. રાજેન્દ્રસિંહે સરકારની – હર ઘર જળ હર ઘર નળ – યોજના પર કહ્યુ છે કે જ્યારે દેશાં જળ જ નહીં હોય, તો નળ શું કરશે. દરેક ઘરમાં નળ લગાવી શકાય છે. કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે નળ લગાવી શકાય છે. પરંતુ જળ આપી શકાશે નહી. નળથી વધારે જરૂર છે, જળને અનુશાસિત થઈને વાપરવું.
જળ શક્તિ મંત્રાલયના આંકડા પર નજર નાખીએ, તો 2008થી 2017ની વચ્ચે પંજાબમાં 84 અને યુપીમાં 83 ટકા કુવાઓ જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ આંકડા જમ્મુ-કાશ્મીરમાં 81, હિમાચલમાં 76, હરિયાણામાં 75, દિલ્હીમાં 76, મધ્યપ્રદેશમાં 59 અને તમિલનાડુમાં 59 ટકા કુવામાં પાણીના ઘટાડાને દર્શાવે છે. તેમાથી કેટલાક કુવા તો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે.
દેશના 14 હજાર 243 કુવાની તપાસ કરવામાં આવી છે. તેમા સામે આવ્યું છે કે દેશભના 52 ટકા કુવાઓના પાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. તો 48 ટકા કુવાઓમાં પાણીના સ્તર વધ્યા છે. ત્રિપુરામાં 84, પશ્ચિમ બંગાળમાં 66, ગોવામાં 75, ઓડિશામાં 61 ટકા કુવાના પાણીમાં વધારો થયો છે.
રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2010ના મુકાબલે 2025માં પાણીની માંગમાં 18.75 ટકા વધારો થશે. તેના સિવાય ખેતીમાં 10 ટકા, પીવાના પાણીમાં 44 ટકા, ઊર્જા ક્ષેત્રમાં 73 ટકા અને ઉદ્યોગ ક્ષેત્રમાં સૌથી વધુ 80 ટકા પાણીનો વધારો થશે.
મંત્રાલય પ્રમાણે, તમામ ક્ષેત્રો માટે અત્યારે 1137 બિલિયન ક્યૂબિક મીટર પાણી વાર્ષિક ધોરણે ઉપલબ્ધ છે. તેમા 427 બિલિયન ક્યૂબિક મીટર પાણી વધારાનું છે. પરંતુ વધારાનું પાણી 2025માં આ પાણીના એક તૃતિયાંશ ઘટાડા સાથે 294 બિલિયન ક્યૂબિક મીટર પર આવી જશે.
મંત્રાલયના 2013ના રિપોર્ટ પ્રમાણે ભારતના એક તૃતિયાંશ ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ ઉત્તર પ્રદેશ અને પંજાબ કરી રહ્યા છે. તેમા સૌથી વધુ ખપત ખેતી માટે જ થઈ રહી છે. ભારતમાં ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં જ ખેતીના મુકાબલે ઘરેલુ ઉપયોગ માટે ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે.
2018ના આંકડા પ્રમાણે, દેશના ઘણાં વિસ્તારોમાં 40 મીટર નીચે સુધી ગ્રાઉન્ડ વોટર પહોંચી ગયું છે. તેમા રાજસ્થાનમાં 20 ટકા સ્થાન, હરિયાણામાં 20 ટકા સ્થાન, ગુજરાતમાં 12 ટકાથી વધારે સ્થાન, ચંદીગઢમાં 22 ટકાથી વધારે સ્થૈનો પર ગ્રાઉન્ડ વોટર નીચે પહોંચી ગયું છે.
2008થી લઈને 2018ના આંકડા પર નજર કરીએ, તો દિલ્હીના 11 ટકા કુવાઓમાં 40 મીટર અથવા તેનાથી વધારે પાણીના સ્તર નીચે ગયા છે. તો હરિયાણામાં 20 ટકા કુવાઓના પાણીના સ્તર 40 મીટર સુધી ઘટયા છે.
ગુજરાતમાં 12 ટકા કુવાઓમાં પાણીના સ્તર 20થી 40 મીટર અને મધ્યપ્રદેશના 39 ટકા કુવાઓમાં 10થી 20 મીટર પાણીના સ્તર ઓછા થયા છે. તેવી જ રીતે રાજસ્થાન અને પંજાબમાં પણ 20થી 40 મીટર પાણી ઘટયું છે.