રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી. આ ચર્ચા દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે સંસદમાં આયુર્વેદિક મરઘી અને આયુર્વેદિક ઈંડાને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. આયુષ મંત્રાલયની ભૂમિકા પર બોલતા રાઉતે ક્હ્યુ હતુ કે એક વખત તેઓ મહારાષ્ટ્રના એક આદિવાસી વિસ્તારમાં ગયા હતા. ત્યાં લોકોએ તેમને બોજન આપ્યું. તેના પર સંજય રાઉતે ભોજન જોઈને સવાલ કર્યો કે આ શું છે ? તેના પર આદિવાસીઓએ જણાવ્યું કે આ મરઘી છે. રાઉતે કહ્યુ કે તેમણે આદિવાસીઓને જણાવ્યું કે તેઓ મરઘી ખાતા નથી. તેના પર આદિવાસીઓએ કહ્યુ છે કે આ આયુર્વેદિક મરઘી છે. તેમણે આ મરઘીનું પાલન-પોષણ આમ કર્યું છે કે તેને ખાવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે.
રાઉતે આગળ કહ્યુ કે આવી રીતે એક વાર ચૌધરી ચરણસિંહ કૃષિ યુનિવર્સિટીના કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને કહ્યુ કે તેઓ આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ ઈંડાને બનાવવા માટે મરઘીને માત્ર હર્બલ ખોરાક આપવામાં આવ્યો છે. તેનાથી જે ઈંડુ બને છે, તે સંપૂર્ણપણે શાકાહારી હશે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ છે કે આયુષ મંત્રાલયને આ શાકાહાર માંસાહારના વિવાદને ઉકલેવો જોઈએ અને જણાવવું જોઈએ કે આવા ઈંડા અથવા મરઘી શાકાહારની શ્રેણીમાં આવશે કે પછી માંસાહારની?
સંજય રાઉતે કહ્યુ છે કે આ સારી વાત છે કે મોદી સરકારે આયુર્વેદ, યૂનાની અને હોમ્યોપેથી સારવારને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય નામથી નવા મંત્રાલયની રચના કરી છે. પરંતુ સરકરાને તેના બજેટને 1500 કરોડ રૂપિયાથી વધારીને 10 હજાર કરોડ રૂપિયા કરવું જોઈએ. રાઉત પ્રમાણે, આજના પ્રતિસ્પર્ધી યુગમાં સરકાર આયુર્વેદિક પ્રોડક્ટનું એડવરટાઈઝિંગ અને પેકેજિંગ સારી રીતે કરે, કોલેજ-યુનિવર્સિટીમાં તેના અભ્યાસનું સ્તર વધારીને દેશના ગરીબ અને શોષિત વર્ગના લોકોને સારી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય છે.