બિશ્કેકમાં એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને એકબીજાનું અભિવાદન કર્યું હતું. કિર્ગિસ્તાનમાં વડાપ્રધાન મોદી અને ઈમરાનખાન એકબીજા સાથે સાત અલગ-અલગ પ્રસંગે ઔપચારીક રીતે મળ્યા પણ હતા.
કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સૂરોનબે જીનબેકોવ તરફથી આયોજીત બુધવારના રાત્રિભોજમાં પણ પીએમ મોદી અને ઈમરાનખાનના આમનો-સામનો ઘણીવાર થયો હતો. તેના સિવાય શુક્રવારે પાચં વખત બંને એકબીજાને મળ્યા હતા. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પીએમ મોદી અને ઈમરાનખાન વચ્ચે ઔપચારીક અભિવાદનની પુષ્ટિ કરી છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતે પાકિસ્તાનને અલગ-થલગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન તરફથી જ્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાની પહેલ કરવામાં નહીં આવે, ભારત પાકિસ્તાન સાથે કોઈ સત્તાવાર વાતચીત કરશે નહીં. પુલવામા એટેક બાદથી જ સતત આ સ્થિતિ બનેલી છે.
એસસીઓ સંમેલનથી અલગ પીએમ મોદી અને ઈમરાનખાન વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. પીએમ મોદીએ ત્યાં રહેલા તમામ રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી છે. પરંતુ ઈમરાનખાન સાથે કોઈ દ્વિપક્ષીય બેઠક કરી નથી. બંને નેતાઓ એક સમયે હોલમાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, નજર પણ મિલાવાય નહતી અને હાથ પણ મિલાવ્યા ન હતા. હોલમાં પીએમ મોદી ઈમરાનખાનથી માત્ર ત્રણ બેઠક દૂર બેઠા હતા. ગાલા કલ્ચરલ નાઈટ પ્રોગ્રામમાં પણ બંને નેતા એકબીજાની આસપાસમાં જ રહ્યા હતા. તેમ છતાં બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી.
પુલવામા આતંકી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં કડવાશ ચરમસીમા પર છે. પાકિસ્તાન તરફથી સતત વાટાઘાટોની રજૂઆત થઈ રહી છે. પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી સીમાપારથી આતંકવાદ પર લગામ લગાવવામાં નહીં આવે, બંને દેશો વચ્ચે કોઈ વાટાઘાટો નહીં થાય.
તાજેતરમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ હતુ કે પીએમ મોદી અને પાકિસ્તાની પીએમ ઈમરાનખાન વચ્ચે બિશ્કેકના એસસીઓ સંમેલનથી અલગ કોઈ વાતચીત થઈ નથી. તેમણે કહ્યુ હતુ કે બંને નેતાઓની વચ્ચે કોઈ બેઠક નિર્ધારીત થઈ નથી. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે આ વલણ પર કાયમરહેતા પીએમ મોદીએ ઈમરાનખાન તરફ ન તો જોયું અને ન તો હાથ મિલાવ્યો.