શ્રીલંકામાં સોશયલ મીડિયા પર નકલી સમાચાર અને નફરત ફેલાવવા મોંઘા પડશે. શ્રીલંકાની સરકારે આવા લોકોની વિરુદ્ધ પાચં વર્ષની સજાનું એલાન કર્યું છે. સરકારે કહ્યું છે કે ઈસ્ટર આત્મઘાતી હુમલા બાદ સોશયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ખોટી ખબરો ફેલાવાઈ રહી છે, તેના કારણે માહોલ બગડી રહ્યો છે.
સરકારે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે પ્રધાનોના કેબિનેટે કાર્યવાહક ન્યાય પ્રધાનના એક પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેના પ્રમાણે નકલી સમાચાર ફેલાવનારાઓને પાંચ વર્ષની સજા મળશે. આ સિવાય તેમના પર એક મિલિયન શ્રીલંકન રૂપિયા એટલે કે 5715 અમેરિકન ડોલરનો દંડ પણ લગાવવામાં આવશે. સરકારે કહ્યું છે કે નવા નિયમોને લાગુ કરવા માટે દંડ સંહિતામાં સંશોધન કરવામાં આશે.
શ્રીલંકાની સરકારે આ પગલું નફરત ફેલાવવા માટે ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મોના ઉપયોગ કરાયા બાદ ઉઠાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકામાં હિંસા ભડકાવાયા બાદ ગત વર્ષ માર્ચમાં ઈન્ટરનેટ એક્સેસને બંધ કરવામાં આવ્યો હતો. તે વખતે થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને સેંકડો મકાનો, દુકાનો, વાહનો અને મસ્જિદોને નુકસાન થયું હતું.
શ્રીલંકામાં ઈસ્ટર દરમિયાન આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ નકલી સમચારોમાં વધારો થયો છે. તેના પછી ભડકેલી હિંસામાં લઘુમતી વિરુદ્ધ હુમલા કરવા માટે સોશયલ મીડિયા પ્લેટફોર્મોનો ઉપયોગ કર્યો છે. આત્મઘાતી વિસ્ફોટ અને હિંસા દરમિયાન 258 લોકોના મોત અને લગભગ 500 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના બાદ શ્રીલંકાની સરકારે ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ સહીત ઘણા સોશયલ મીડિયા પ્લેટફોર્મો પર નવ દિવસનો પ્રતિબંધ લગાવી દીધો હતો. ગત મહીને સિંગાપુરની સંસદે પણ નકલી સમાચારોનો મુકાબલો કરવા માટે કાયદો પારીત કર્યો હતો. ઉલ્લંઘન કરનારાઓને દશ વર્ષ સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી.