બિહારમાં શાસકપક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના ઘણા ધારાસભ્યોના સાંસદ બની ગયા પછી ખાલી થયેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતિશકુમારે આજે રવિવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી જેડીયુના 8 ધારાસભ્યોને મંત્રી બનાવ્યા. તેમાં નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી, સંજય ઝા, રામસેવક સિંહ, નીરજ કુમાર અને લક્ષ્મેશ્વર રાયના નામ સામેલ છે. આ બાબતે મુખ્યમંત્રી નીતિશકુમારે શનિવારે રાજ્યપાલ લાલજી ટંડનની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યપાલને આ બાબતની જાણકારી આપી અને રવિવારે સવારે 11.30 વાગે રાજભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવી.
કેન્દ્રીય કેબિનેટના ગઠન પછી બિહારમાં નીતિશ સરકારના કેબિનેટ વિસ્તારને ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રની મોદી સરકારમાં જેડીયુને કોઈ મંત્રીપદ નથી મળ્યું. કહેવામાં આવી રહ્યું છે કે નીતિશકુમાર જેડીયુના ત્રણ સાંસદોને મંત્રી બનાવડાવવા માંગતા હતા પરંતુ તેના પર સંમતિ ન સધાઈ શકી અને શપથગ્રહણના બરાબર પહેલા જેડીયુએ મોદી સરકારને બહારથી સમર્થ આપવાનો નિર્ણય કર્યો.
તાજેતરમાં જ જેડીયુએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને હવા આપવી શરૂ કરી દીધી છે, જેને રાજકારણના લોકો દબાણની રાજનીતિ સાથે જોડીવા લાગ્યા છે. બંધારણની કલમ 370 હટાવવાની વાત હોય કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ કે ત્રણ તલાક અને સમાન નાગરિક કાયદો હોય, આ તમામ મામલાઓમાં જેડીયુનું વલણ બીજેપીથી અલગ રહ્યું છે. જેડીયુ આ મામલાઓને લઇને ઘણો સ્પષ્ટ અભિપ્રાય પણ આપી ચૂકી છે.
મુખ્યમંત્રી નીતિશકુમારે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે પાર્ટીમાં બધાનો અભિપ્રાય છે કે કેન્દ્ર સરકારમાં સાંકેતિક ભાગીદારી નથી જોઇતી. તેમણે કહ્યું કે બિહારમાં પણ ગઠબંધન પહેલા પણ અને આજે પણ સરકાર ચાલી રહી છે. પહેલાથી જ બધું, એટલે સુધી કે મંત્રાલયો પણ નક્કી થઈ જાય છે.
નીતિશકુમારની અચાનક બદલાયેલી ભાષા શું બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો સંકેત છે? કેન્દ્રીય કેબિનેટમાં જેડીયુની માંગને જે રીતે સાઇડલાઇન કરવામાં આવી, તે જોતાં બિહારમાં આગળનું રાજકારણ કંઇક બદલાયું જોવા મળવાની શક્યતા છે.
રવિવારે નીતિશ સરકારની કેબિનેટનો વિસ્તાર તેનો જ એક હિસ્સો હોઈ શકે છે. આ હેઠળ રવિવારે જે 8 નવા મંત્રીઓ બન્યા તે તમામ જેડીયુમાંથી છે. તેમાં બીજેપી અને એલજેપીના કોઈ નેતા સામેલ નથી. નીતિશકુમારે ઘણા લાંબા સમય પછી કેબિનેટનો વિસ્તાર કર્યો છે. આ લોકસભા ચૂંટણીમાં નીતિશકુમાર કેબિનેટના ત્રણ સભ્યોની લોકસભા ચૂંટણી જીત્યા પછી કેબિનેટનો વિસ્તાર નક્કી માનવામાં આવી રહ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં નીતિશ સરકારના જળ સંસાધન મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફ લલનસિંહને મુંગેર લોકસભા વિસ્તારમાં સફળતા મળી છે, જ્યારે આપત્તિ અને લઘુસિંચાઇ મંત્રી દિનેશચંદ્ર યાદવને મધેપુરાથી અને મત્સ્ય સંસાધન મંત્રી પશુપતિ કુમાર પારસને હાજીપુરથી જીત હાંસલ થઈ છે. આ પહેલા જ સૃજન કૌભાંડમાં નામ આવવાના કારણે મંજૂ વર્માને સમાજ કલ્યાણ મંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદથી નીતિશકુમાર કેબિનેટમાં કોઈ પણ મહિલા સભ્ય નથી.