લોકસભા ચૂંટણી દરમિયાન ઇવીએમની વિશ્વસનીયતા પર વિપક્ષીય દળો તરફથી જબરદસ્ત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા અને આ કારણે તેમના તરફથી ઇવીએમ અને વીવીપેટની શક્ય તેટલી વધુ ચબરખીઓના મેચની માંગ પણ કરવામાં આવી રહી હતી પરંતુ ચૂંટણી પરિણામો પછી ચૂંટણીપંચના આંકડાઓ કહે છે કે ઇવીએમ અને વીવીપેટનું મેચ સંપૂર્ણપણે સાચું નીકળ્યું અને વિપક્ષની શંકાઓ ખોટી સાબિત થઈ.
તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 20625 વીવીપેટમાંથી એક પણ મશીનના મિસમેચ થવાની ખબર મળી નથી. આ વર્ષે ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓને નવી સરકાર માટે પોતાનો મત આપવાનો હતો. જે માટે ચૂંટણીપંચે કુલ 22.3 લાખ બેલેટ યુનિટ, 16.3 લાખ કંટ્રોલ યુનિટ અને 17.3 લાખ વીવીપેટનો ઉપયોગ કર્યો હતો.
આ વખતે 17.3 લાખ વીવીપેટમાંથી 20,625 વીવીપેટનું ઇવીએમ સાથે મેચ કરવામાં આવ્યું, જ્યારે ગયા વખતે માત્ર 4125 વીવીપેટને ઇવીએમ સાથે મેચ કરવામાં આવ્યા હતા.
8 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણીપંચે દરેક લોકસભા સીટના ઓછામાં ઓછા 5 પોલિંગ બૂથ પર ઇવીએમ અને વીવીપેટના મેચની વ્યવસ્થા કરી. ઇવીએમમાં પડેલા વોટ્સની સાચી જાણકારી અને રેકોર્ડ માટે વીવીપેટની વ્યવસ્થા 2013-14માં શરૂ કરવામાં આવી હતી.
ઇવીએમમાં ચેડાંની સંભાવનાને જોતા ચેન્નાઈની એક એનડજીઓએ ઇવીએમ અને વીવીપેટની ચબરખીઓના 100 ટકા મેચની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી જેને કોર્ટે રદ કરી દીધી.
આ પહેલા સુપ્રીમ કોર્ટે 7 મેના રોજ વિપક્ષીય દળોને જબરદસ્ત ઝાટકો આપીને ઇવીએમ અને વીવીપેટની 50 ટકા ચબરખીઓના મેચની માંગને રદ કરી દીધી હતી. વિપક્ષીય દળોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેને કોર્ટ તરફથી રદ કરી દેવામાં આવી.
જોકે પૂર્વ ચૂંટણી અધિકારી ડૉ. એસવાય કુરૈશીના જણાવ્યા પ્રમાણે, એક ભૂલ આંધ્રપ્રદેશમાં જોવામાં આવી, તેનું કારણ મશીન ખરાબ થઈ ગયું હતું.