રાજકોટમાં તસ્કરો પોસ્ટ ઓફિસના તાળાં તોડી રોકડ રકમ સહિત સીસીટીવી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા
રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા એજી ચોક પાસેની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકી સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને રોકડ રૂપિયા ૪૭ હજારની ચોરી કરી જતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોચ શહેરમાં યુનિવર્સિટીના ગેઈટ પાસે આવેલા તુલસી એપાર્ટમેન્ટમાં નીલગ્રીન વુડ પાસે રહેતા અને પ્રેમમંદિર પાસે આવેલા એજી ચોક નજીક જવલતની સામે આવેલી પોસ્ટ ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જયસુખ પરસોતમભાઈ વસોયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, કોઈ અજાણ્યા ઈસમો ગતરાત્રીના ચોરી કરવાના ઈરાદે પોસ્ટ ઓફિસના મેઈન દરવાજાના લોક તોડી અંદર પ્રવેશ કરી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા સ્ટ્રોંગ રૂમમાં આવેલી તિજોરીના તાળાં તોડી અંદર રાખેલા રોકડા રૂપિયા ૪૭,૭૯૧ની ચોરી કરી નાસી જતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી પોસ્ટ ઓફિસમાં ચોરી કરનાર તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, પોસ્ટ ઓફિસની તિજોરી તોડીને તસ્કરો મહત્વના દસ્તાવેજો, રોકડ રકમ અને સીસીટીવી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા