લાહોરની સૂફી દાતા દરબાર દરગાહ ખાતે આત્મઘાતી વિસ્ફોટ, પાંચ પાકિસ્તાની સુરક્ષાકર્મી સહીત નવના મોત
લાહોર: પાકિસ્તાનના લાહોર શહેરમાં દાતા દરબાર દરગાહના ગેટ નંબર-2 નજીક થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં નવ લોકોના મોત નીપજ્યા છે અને 26 લોકો ઈઝાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ દાતા દરબારની સુરક્ષામાં તેનાત પાકિસ્તાનના સુરક્ષાદળના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. મૃતકોમાં પાંચ પોલીસકર્મીઓ પણ સામેલ છે.

લાહોરના દાતા દરબાર ખાતે થયેલો વિસ્ફોટ સવારે પોણા નવ વાગ્યે થયો હતો. દાતા દરબાર પાકિસ્તાનમાં એક મોટી આસ્થાનું કેન્દ્ર એવી સૂફી દરગાહ છે.
પોલીસ અધિકારીઓ મુજબ, શકમંદ દ્વારા આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો છે અને પોલીસની મોબાઈલ વાન ટાર્ગેટ હતી. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે સાત કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કિંગ એડવર્ડ મેડિકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ખાલિદ ગોંદલનું કહેવું છે કે મૃત્યુઆંક વધીને નવ પર પહોંચ્યો છે અને ઈજાગ્રસ્તોમાંથી ચારની હાલત બેહદ ગંભીર છે. કેટલાક ઈજાગ્રસ્તોને માયો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.
તેમણે કહ્યુ છે કે સાત લાશો માયો હોસ્પિટલમાં અને બે મૃતદેહો કિંગ એડવર્ડ મેડિકલ યુનિવર્સિટી ખાતે છે.
પંજાબ પ્રાંતના આઈજીપી આરિફ નવાઝે પુષ્ટિ કરી છે કે આ વિસ્ફોટમાં પાંચ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. આ વિસ્ફોટ 100 ટકા પોલીસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે દાતા દરબાર દરગાહ ખાતે પોલીસની સુરક્ષાલક્ષી કારણોથી તેનાતી હોય છે.
આઈજીપી મુજબ, હુમલાખોર જે દિશામાંથી ત્રાટક્યો હતો, તેના કારણે વધુ નુકસાન થાય તેવી સંભાવના હતી. પરંતુ દરગાહની સુરક્ષામાં તેનાત પોલીસ કારને તેણે નિશાન બનાવી હતી.
તપાસ માટે વિસ્તારની નાકાબંધી કરતા પહેલા બચાવ કામગીરી કરવામાં આવી હતી. દરગાહને ખાલી કરાવીને શ્રદ્ધાળુઓને દૂર ખસેડવામાં આવ્યા હતા. દાતા દરબાર ખાતે પ્રવેશ હાલપૂરતો બંધ કરવામાં આવ્યો છે.
મોટા પ્રમાણમાં પોલીસ કાફલો, કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને ફોરેન્સિક અધિકારીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે.